કોરિયાના પ્રમુખ મુન સાથે મોદીની સફળ મંત્રણા ભારત-દક્ષિણ કોરિયા વચ્ચે ૧૧ સમજૂતિ ઉપર હસ્તાક્ષર

કોરિયાના પ્રમુખ મુન સાથે મોદીની સફળ મંત્રણા
ભારત-દક્ષિણ કોરિયા વચ્ચે ૧૧ સમજૂતિ ઉપર હસ્તાક્ષર
વેપાર, સંસ્કૃતિક, વિજ્ઞાન અને ટેકનોલોજી, રેલવે રિસર્ચ, બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં સમજૂતિ પર હસ્તાક્ષર કરાયા

નવી દિલ્હી,તા. ૧૦
ભારત અને દક્ષિણ કોરિયાએ આજે વેપાર, સંસ્કૃતિ, વિજ્ઞાન અને ટેકનોલોજી સહિત જુદા જુદા ક્ષેત્રોમાં ૧૧ સમજૂતિ ઉપર હસ્તાક્ષર કર્યા હતા. વિદેશમંત્રાલય દ્વારા નિવેદન જારી કરીને જણાવવામાં આવ્યું છે કે, બંને પક્ષોએ સીઈપીએ સમજૂતિ ઉપર પણ સંયુક્તરીતે હસ્તાક્ષર કર્યા છે. આનાથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે. એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા બાદ કારોબાર પણ વધવાની સંભાવના છે. સોમવારના દિવસે મોદી અને દક્ષિણ કોરિયાના પ્રમુખે નોઇડામાં દિગ્ગજ મોબાઇલ કંપની સેમસંગની સૌથી મોટી મોબાઈલ મેન્યુફેક્ચરિંગ યુનિટની સ્થાપના માટે આધારશીલા મુકી હતી. એમઓયુ હસ્તાક્ષર કરવાના પ્રસંગે મોદીએ કહ્યું હતું કે, દક્ષિણ કોરિયાના સહકારથી મેક ઇન ઇન્ડિયા મિશન હેઠળ ભારતમાં રોજગારની તકો પણ વધી રહી છે. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી નીતિઓની વાત છે. ભારતની એક્ટ ઇસ્ટ પોલિસી અને રિપબ્લિક ઓફ કોરિયાની ન્યુ સદર્ન સ્ટ્રેટેજિના પણ એકજેવા કોમન ગ્રાઉન્ડ છે. દક્ષિણ કોરિયાના પ્રમુકે કહ્યું હતું કે, ભારત અને તેમના દેશ વચ્ચે ૪૫ વર્ષ જુના સંબંધો રહેલા છે. બંને દેશો વચ્ચે જુદા જુદા મુદ્દા ઉપર પારસ્પરિક ખુબ સારા સંબંધો રહ્યા છે. વર્ષ ૨૦૧૫માં જ્યારે વડાપ્રધાને દક્ષિણ કોરિયાની યાત્રા કરી ત્યારે બંને દેશો વચ્ચેના સંબંધોમાં એક નવી ઉંચાઈ જોવા મળી હતી. કોરિયાના પ્રમુખ મુને મોદી સાથે સફળ વાતચીત કર્યા બાદ કહ્યું હતું કે, બંને દેશો દ્વિપક્ષીય સંબંધોને નવી ઉંચાઈ ઉપર લઇ જશે. આજે જે સમજૂતિ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા તે પૈકીના સંબંધો ખુબ મહત્વપૂર્ણ છે. મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે જેમાં સહકાર સમિતિની સ્થાપના મારફતે માહિતીની આપલે પણ કરવામાં આવશે. બંને નેતાઓએ સંયુક્ત બેઠક પણ યોજી હતી. ટેકનોલોજીકલ રિસર્ચ, રેલવે રિસર્ચ, બાયોટેનોલોજી, આઈસીટી, ટેલિ કોમ્યુનિકેશન, માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝના ક્ષેત્રમાં સહકાર વધારવાના મુદ્દા પર હસ્તાક્ષર કરાયા છે.