ગુજરાતમાં બળાત્કારમાં અમદાવાદ મોખરે

ગુજરાતમાં બળાત્કારમાં અમદાવાદ મોખરે
છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેરમાં ૧૭૯ અને ગ્રામ્યમાં ૧૩૧ સહીત કુલ ૩૧૦ બળાત્કારના કેસો નોંધાયા

અમદાવાદ
મહિલાઓની સુરક્ષા માટે ગુજરાત રાજ્ય સબ સલામત, ગુજરાતમાં દીકરીઓ સુરક્ષીત, મોડી રાત્રી સુધી દીકરીઓ ભય વગર ફરી શકતી હોવાની તમામ ગુલબાંગો ભાજપ સરકારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇ અત્યારના ગૃહ રાજ્ય મંત્રી સુધી સૌ કોઈ પોકારે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મહાનગર હોય કે કોઈ પછાત જીલ્લો હોય, જાણે કાયદો-વ્યવસ્થા જ ના હોય તે હદે બળાત્કારની ઘટનાઓ નોંધાઇ છે. છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાં બળાત્કારની ૧૮૮૭ ઘટનાઓ પોલીસ દફતરે નોંધાઇ છે અને નહીં નોંધાતી આવી રોજબરોજની ઘટનાઓ જોઈએ તો તે ૨૦૦૦થી ઓછી નહીં જ હોય. તે પ્રમાણે ગુજરાત રાજ્યમાં દરરોજ સરેરાશ ત્રણથી ચાર બળાત્કારના બનાવો છડેચોક બનતા રહે છે.
ગુજરાત રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહીત મહાનગરોથી લઇ પછાત જીલ્લાઓમાં પણ ક્રાઇમરેટ વધી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં ૧૮૮૭ જેટલા બળાત્કારના બનેલા કિસ્સાઓમાં અમદાવાદમાં સૌથી વધુ બળાત્કારના બનાવો બન્યા છે.
છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેરમાં ૧૭૯ અને ગ્રામ્યમાં ૧૩૧ સહીત કુલ ૩૧૦ બળાત્કારના કેસો નોંધાયા છે. જ્યારે સુરત શહેર-જીલ્લામાં ૨૫૬, વડોદરામાં ૬૯ તેમજ રાજકોટ શહેર-જીલ્લામાં ૧૩૯ બળાત્કારના કેસો નોંધાયા છે. ગુજરાતમાં મહિલાઓની અસલામતીમાં આઘાતજનક બાબત એ છે કે, રાજ્યના દરેક શહેર-જીલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન બળાત્કારના શરમજનક બનાવ બન્યા જ છે. જેમાં પછાત ગણાતા બનાસકાંઠા જીલ્લામાં ૧૨૨ અને કચ્છમાં ૧૨૮ બળાત્કારના બનવો નોંધાયા છે. એ જ રીતે આદિવાસી સાથે પછાત વિસ્તારમાં આવતા દાહોદમાં પણ ૭૯ બળાત્કારના બનાવો બન્યા છે.ગુજરાતમાં બનતા બળાત્કારના બનાવોમાં નરાધમોએ ૧૨થી ૧૮ વર્ષની છોકરીઓને પણ ભોગ બનાવી છે. જ્યારે પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ૧૮થી ૩૦ વર્ષની યુવતીઓ જ બળાત્કારનો સૌથી વધુ ભોગ બની છે. ગુજરાતમાં બળાત્કાર અને છેડતીના વધી રહેલા બનાવોમાં ૨૫-૩૦ ટકા સંબંધી, મિત્રો અને પરિચિતો જ હોય છે. તો ૩૫ ટકા સગાસંબંધી કે પાડોશી જ બળાત્કારી હોય છે. નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોના બે વર્ષ પહેલાના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં બળાત્કારના ૯૮૨ કેસોમાં ૧૧ કેસોમાં સહકર્મચારી, ૧૨માં મિત્ર અને ૨૨૪ કેસોમાં પરિચીત લોકો બળાત્કાર કરનાર હતા. જ્યારે ૩૬૫ કેસોમાં લગ્ન કરવાની લાલચ આપી બળાત્કાર ગુજારાયો હતો.આ ઉપરાંત ૨૧ કેસોમાં તો પિતા, પતિ અને ભાઇ દ્વારા જ બળાત્કાર ગુજારાયો હતો. જ્યારે ૩૯ કેસોમાં સગાસબંધી… તો ૨૯૨ બળાત્કારમાં આરોપી પાડોશી જ હતા.