ગુજરાતમાં હજુ સુધી ૪૬ ટકા સુધી નોંધાયેલો ઓછો વરસાદ

મણિપુરમાં ૬૮ ટકા સુધી ઓછો વરસાદ નોંધાયો
ગુજરાતમાં હજુ સુધી ૪૬ ટકા સુધી નોંધાયેલો ઓછો વરસાદ

દેવભૂમિ દ્વારકામાં જિલ્લાની દ્રષ્ટિએ સૌથી ઓછો વરસાદ થયો છે : સામાન્ય કરતા ૯૪ ટકા ઓછો વરસાદ નોંધાયા
અમદાવાદ,તા.૮
દેશમાં મોનસુનની સિઝન ચાલી રહી છે ત્યારે હજુ સુધી દેશમાં જ્યાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે તેવા રાજ્યોની યાદીમાં ગુજરાત પણ સામેલ થયું છે. દેશમાં ગુજરાત રેઇન ડેફિસિટના મામલામાં બીજા સ્થાને છે. ગુજરાતમાં સામાન્યરીતે ૧૫૩.૪ મીમી વરસાદ પડે છે પરંતુ હજુ સુધી ૮૨.૧ મીમી વરસાદ થયો છે. એટલે કે ૪૬ ટકા ઓછો વરસાદ રહ્યો છે. મણિપુરમાં ૬૮ ટકા ઓછો વરસાદ પડ્યો છે. લક્ષ્યદ્વીપમાં ૪૦ ટકા, ઉત્તરપ્રદેશમાં ૩૯ ટકા અને નાગાલેન્ડમાં ૩૧ ટકા જેટલો ઓછો વરસાદ પડ્યો છે. આ વખતે જે જિલ્લાઓમાં ખુબ ઓછો વરસાદ થયો છે તેમાં દેવભૂમિ દ્વારકામાં સામાન્ય ૧૩૬.૧ મીમીની સામે માત્ર ૮.૨ મિમી વરસાદ થયો છે. કચ્છમાં ૯૩ ટકા, સુરેન્દ્રનગરમાં ૮૬ ટકા, પોરબંદરમાં ૮૪ ટકા, રાજકોટમો ૭૯ ટકા અને અમદાવાદમાં ૭૮ ટકા જેટલો ઓછો વરસાદ થયો છે. હજુસુધી રાજ્યમાં સરેરાશ વાવણી વિસ્તાર પૈકી ૧૦ ટકા વિસ્તારમાં જ વાવણી થઇ છે. હવામાન વિભાગના કહેવા મુજબ હજુ સુધી ગુજરાતમાં ૧૫૨ મીમી વરસાદ થઇ જવાની જરૂર હતી પરંતુ માત્ર ૮૨ મીમી જેટલો વરસાદ થયો છે. ઓછો વરસાદ થવાના લીધે જુલાઈના પ્રથમ સપ્તાહમાં ગતિ હજુ જોવા મળી નથી. મોનસુનમાં ગુજરાતમાં ૮૫.૬૫ લાખ હેક્ટર વિસ્તારમાં વાવણી કરવામાં આવે છે. આ વર્ષે જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી માત્ર ૧૦ ટકા અથવા તો ૮.૬ લાખમાં જ વાવણી કરવામાં આવી છે. અધિકારીઓના કહેવા મુજબ આ વર્ષે વાવણી વિસ્તારમાં ઘટાડો થયો છે. છઠ્ઠી જુલાઈના દિવસે દેશમાં જે આંકડા મળ્યા છે તે મુજબ ઓછો વરસાદ રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે, રાજ્યમાં મોનસુનની ગતિની હજુ રાહ જોવામાં આવી રહી છે. રાજ્યમાં દેવભૂમિ દ્વારકામાં સૌથી ઓછો વરસાદ હજુ સુધી પડ્યો છે. અમદાવાદમાં પણ આવી જ સ્થિતિ છે.