જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામજીને સોનાના મુગટ સોનાવેશના અલૌકિક દર્શન કરવા ભકતોની પડાપડી

જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામજીને સોનાના મુગટ સોનાવેશના અલૌકિક દર્શન કરવા ભકતોની પડાપડી

ઇતિહાસમાં સૌપ્રથમવાર સોનાના મુગટ દાનમાં આવ્યા

જગન્નાથ મંદિરમાં ઉત્સવનો માહોલ, ભકતો જગન્નાથમય

અમદાવાદ, તા.૧૩
ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામની ૧૪૧મી રથયાત્રા આવતીકાલે નીકળનાર છે તે પૂર્વેના પરંપરાગત કાર્યક્રમો પૈકી આજે ભગવાનના સોનાવેશના દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા, ત્યારે આજે એક ઐતિહાસિક ઘટના નોંધાઇ હતી. ઇતિહાસમાં સૌપ્રથમવાર ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામજીને દાનવીર ભકત દ્વારા સોનાના મુગટ અર્પણ કરવામાં આવ્યા હતા, જેનું વજન ૯.૫૦ કિલોગ્રામ થવા જાય છે. વિદેશમાં રહેતા રમેશભાઇ દ્વારા હીરા-માણેકથી જડેલા આ સોનાના મુગટ ભગવાનને આજે અર્પણ કરાયા હતા. આજે ભગવાન જગન્નાથજીને વિષ્ણુ અવતારમાં દ્રશ્યમાન થતા હતા. સોનાવેશના દર્શનનું ખૂબ જ મહત્વ હોય છે કારણ કે, વર્ષમાં એક જ દિવસ માટે ભગવાનને સોનાના ખૂબ જ સુંદર અને મનમોહક આભૂષણોથી શૃંગારિત કરાય છે. ભગવાનના સોનાના સાજ શણગારના દર્શન કરવાથી વ્યકિતના જીવનમાં સુવર્ણકાળ શરૂ થતો હોય છે એવી પણ ધાર્મિક માન્યતા છે. આજે સોનાવેશના દર્શન કરવા માટે જગન્નાથજી મંદિર ખાતે વહેલી સવારથી જ શ્રધ્ધાળુ ભકતોએ પડાપડી કરી હતી. મંદિર પ્રાંગણમાં જય જગન્નાથ, જય જગન્નાથ અને જય રણછોડ, માખણચોરના ભકિતનારા ગુંજી ઉઠયા હતા. સમગ્ર માહોલ ભકિતમય બની ગયો હતો. ભગવાન જગન્નાથજીની ૧૪૧મી રથયાત્રાને લઇ શહેરભરમાં ઉત્સાહનો માહોલ પ્રવર્તી રહ્યો છે ખાસ કરીને મંદિર પ્રાંગણમાં તો ઉત્સવ જેવું વાતાવરણ છવાઇ ગયું છે. તો, મોસાળ સરસપુરમાં પણ ભગવાનના આગમનની ભારે આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે. બીજીબાજુ, નગરજનો પણ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામ સાથે નગરના માર્ગો પર નીકળે એટલે તેમના દર્શન કરવા માટે મીંટ માંડીને બેઠા છે ત્યારે આજે જગન્નાથજી મંદિર ખાતે ભગવાનના સોનાવેશના અલૌકિક દર્શન, રથપૂજન, મહાઆરતી સહિતના ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા. સવારે ૮-૦૦ વાગ્યાથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને સોનાવેશ સાજ-શણગાર કરી તેમના દર્શન લોકકલ્યાણર્થે ખુલ્લા મૂકાયા હતા. સોનાવેશ દર્શનનો અનેરો મહિમા હોઇ પહેલેથી જ ભીડ જમાવીને ઉમટેલા શ્રધ્ધાળુ ભકતોએ દર્શન માટે ભારે પડાપડી કરી હતી. ભગવાનના અદ્‌ભુત દર્શન કરી દર્શનાર્થીઓએ ધન્યતા અનુભવી હતી. મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝાએ જણાવ્યું હતું કે, આજે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને સોનાના આભૂષણો ઉપરાંત ચાંદીના હાથ પહેરાવાયા હતા. જગન્નાથજી ભગવાન ચર્તુભુજ સ્વરૂપમાં વિષ્ણુ અવતારમાં હાથમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ સાથે તો, બલરામજી હાથમાં ગદા અને હળ સાથે દ્રશ્યમાન થતા હતા. ભગવાનના આજના દર્શન ખૂબ જ મનમોહક અને અલૌકિક જણાતા હતા. આજે એક ઐતિહાસિક ઘટનામાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી-ભાઇ બલરામને સોનાના મુગટ અર્પણ કરવામાં આવ્યા હતા. વિદેશમાં રહેતા અને જગન્નાથજી ભગવાનમાં અખૂટ શ્રદ્ધા અને આસ્થા ધરાવતા રમેશભાઇએ ભગવાનને સોનાના મુગટ અર્પણ કરવાનો અનોખો સંકલ્પ લીધો હતો અને તેની પરિપૂર્તિના ભાગરૂપે તેમણે આજે ભગવાનને સોનાના ત્રણ મુગટ મંદિરમાં અર્પણ કર્યા હતા. ત્રણેય મુગટનું વજન ૯.૫૦ કિલોગ્રામ થવા જાય છે. દાનવીર ભકતનું આ મહાદાન જોઇ અને તેના સમાચાર સાંભળી જગન્નાથજી મંદિરમાં ઉમેટલા હજારો શ્રધ્ધાળુ ભકતોમાં પણ ભારે ખુશી અને ઉત્સાહની લાગણી ફેલાઇ ગઇ હતી.