જમ્મુ-શ્રીનગર હાઈવે પર ટ્રાફિક રોકવાની ફરજ કટ્ટરપંથીના બંધ વચ્ચે હજારો અમરનાથ શ્રદ્ધાળુ ફસાયા છે

જમ્મુ-શ્રીનગર હાઈવે પર ટ્રાફિક રોકવાની ફરજ
કટ્ટરપંથીના બંધ વચ્ચે હજારો અમરનાથ શ્રદ્ધાળુ ફસાયા છે
કટ્ટરપંથી દ્વારા બંધના એલાનને ધ્યાનમાં લઇ સાવચેતીના પગલારુપે યાત્રા રોકી દેવાઈ : વધુ એક યાત્રીનું મોત થયું

\
શ્રીનગર,તા. ૮
કાશ્મીરને સમગ્ર દેશ સાથે જોડતા જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ ઉપર ટ્રાફિકને રોકી દેવામાં આવતા હજારોની સંખ્યામાં અમરનાથ શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા છે. અમરનાથ શ્રદ્ધાળુઓમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ રહેલી છે. જુદી જુદી બસમાં આ તમામ મહિલા શ્રદ્ધાળુઓ છે. જમ્મુ ક્ષેત્રમાં સિમાંત જિલ્લાઓ પૂંચ અને રાજૌરીને દક્ષિણ કાશ્મીરના સોપિયન જિલ્લાથી જોડનાર મુગલ રોડ ઉપર અધિકારીઓએ આજે સાવચેતીના પગલારુપે ટ્રાફિક રોકી દેવાનો નિર્ણય કર્યો હતો. હિઝબુલ મુઝાહિદ્દીનના ત્રાસવાદી બુરહાનવાનીની બીજી વરસી ઉપર કટ્ટરપંથીઓએ આજે બંધનું એલાન આપ્યું હતું જેના પરિણામ સ્વરુપે પોલીસ મહાનિર્દેશક એસપી વૈદ્ય દ્વારા અમરનાથ યાત્રાને એક દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય ગઇકાલે જ લઇ લીધો હતો. કોઇપણ યાત્રીને ભગવતીનગર બેઝકેમ્પથ નિકળવાની મંજુરી આપવામાં આવી નથી. જે શ્રીનગર પહોંચી ચુક્યા છે અને કાશ્મીરના રસ્તા પર છે તેમને જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ ઉપર જુદા જુદા સ્થળો ઉપર રોકી દેવામાં આવ્યા છે. બુરહાનની બીજી વરસી પર કટ્ટરપંથીઓ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યા બાદ સુરક્ષા મજબૂત રાખવામાં આવી હતી. રામબાણના પોલીસ કર્મીએ કહ્યું છે કે, ગઇકાલે પણ બે હજાર શ્રદ્ધાળુઓને રોકી દેવામાં આવ્યા હતા. ગંદરબાલ જિલ્લામાં અમરનાથ યાત્રાના બાલતાલ આધાર કેન્દ્રમાં એક મહિલા શ્રદ્ધાળુનું મોત થઇ ગયું છે. આની સાથે જ આ વર્ષે અમરનાથ યાત્રામાં ૧૩ શ્રદ્ધાળુના મોત થઇ ચુક્યા છે. હૈદરાબાદની મહિલા લક્ષ્મીબાઈનું બાલતાલ આધાર કેન્દ્રમાં મોત થયું છે. ભારે વરસાદ અને ખરાબ હવામાન વચ્ચે બે બેઝ કેમ્પ સહિત જુદા જુદા માર્ગો અને સ્થળ પર ૩૦ હજારથી વધારે શ્રદ્ધાળુઓ હાલમાં અટવાઇ પડ્યા છે. અમરનાથ યાત્રા શરૂ થયા બાદથી હજુ સુધી ૭૩ હજાર શ્રદ્ધાળુઓ દર્શન કરી શક્યા છે. દર્શન કરનાર શ્રદ્ધાળુઓની સંખ્યા ૭૩૦૨૩ નોંધાઇ છે.જમ્મુ કાશ્મીરમા ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રા ઉપર પ્રતિકુળ અસર થઇ છે. અમરનાથ ગુફા તરફ દોરી જતાં બાલતાલ માર્ગ ઉપર ભારે વરસાદના લીધે હાલત કફોડી બનેલી છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે બાલતાલ કેમ્પથી ૧૪ કિલોમીટરના અંતરને પાર કરવાની બાબત હમેશા પડકારરુપ રહે છે.
૨૮મી જૂનના દિવસે અમરનાથ યાત્રાની શરૂઆત થઇ હતી. ત્યારબાદથી સતત વરસાદ થવાના કારણે યાત્રામાં વારંવાર અડચણો આવી રહી છે. ૩૦મી જૂનના દિવસે દિવસ દરમિયાન યાત્રાને રોકવામાં આવી હતી. બે મહિના સુધી ચાલનાર આ યાત્રામાં બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધણી કરાવી ચુક્યા છે. ૨૬મી ઓગસ્ટના દિવસે અમરનાથ યાત્રા પૂર્ણ થનાર છે. આ વખતે આતંકવાદી હુમલાની દહેશતને ધ્યાનમાં લઇને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. સુરક્ષા જવાનોને પણ શ્રદ્ધાળુઓની સાથે રાખવામાં આવ્યા છે. અમરનાથ યાત્રામાં હજુ સુધી જુદા જુદા કારણોસર કુલ ૧૩ના મોત થયા છે. આ વખતે અન્ય વર્ષોની સરખામણીમાં વધારે સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે.અમરનાથ યાત્રીઓની સંખ્યામાં પહેલાની સરખામણીમાં વધારો થાય તે માટે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ગંભીરરીતે ધ્યાન આપી રહ્યા છે. બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યા છે.