જે લોકોના નામ ડ્રાફ્ટમાં નથી તે લોકોને પુરતી તક મળશે : રાજનાથ આસામ-દ્ગઇઝ્ર : સંસદમાં ભારે હોબાળો, રાજનાથે કરેલું નિવેદન

જે લોકોના નામ ડ્રાફ્ટમાં નથી તે લોકોને પુરતી તક મળશે : રાજનાથ
આસામ-દ્ગઇઝ્ર : સંસદમાં ભારે હોબાળો, રાજનાથે કરેલું નિવેદન
જે ડ્રાફ્ટ છે તે અંતિમ નથી જ તેવા રાજનાથસિંહના નિવેદન બાદ પણ ધાંધલ ધમાલ જારી : લોકસભા અને રાજ્યસભામાં ડ્રાફ્ટને લઇને રાજકીય ઘમસાણ

નવીદિલ્હી,તા. ૩૦
આસામમાં આજે જારી કરવામાં આવેલા નેશનલ રજિસ્ટ્રર ઓફ સિટિઝનના ફાઇનલ ડ્રાફ્ટ ઉપર રાજકીય ઘમસાણ મચી ગયું છે. તૃણમુલ કોંગ્રેસના સભ્યોએ યાદીમાં ૪૦ લાખ લોકોના બહાર હોવાને લઇને રાજ્યસભામાં ભારે હોબાળો મચાવ્યો હતો જેના પરિણામ સ્વરુપે કાર્યવાહી બે વખત મોકુફ કરવાની ફરજ પડી હતી. લોકસભામાં પણ વિપક્ષી સભ્યોએ ભારે ધાંધલ ધમાલ મચાવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે લોકસભામાં નિવેદન આપીને કહ્યું હતું કે, આ મુદ્દા ઉપર ધાંધલ ધમાલ કરવાની જરૂર નથી. જેનું પણ નામ ડ્રાફ્ટમાં નથી તેને દાવા કરવા માટે પુરતી તક મળશે. રાજનાથસિંહે કહ્યું હતું કે, જે ડ્રાફ્ટ છે તે અંતિમ નથી. ત્યારબાદ પણ દાવા કરવામાં આસામ…
(આગળના પાનાનું ચાલુ)
આવી શકે છે. જે લોકોને લાગે છે કે, તેમનું નામ આમા હોવું જોઇએ તે એનઆરસીમાં દાવા કરી શકે છે. આ દાવાને કેટલા દિવસમાં નિકાલ કરી દેવામાં આવશે આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવશે. જો કોઇ આનાથી પણ સંતુષ્ટ થતાં નથી તો તે ફોરેનર્સ ટ્રાઇબ્યુનલમાં અરજી કરી શકે છે. કોઇને કોઇ જગ્યાએ ન્યાય ચોક્કસપણે મળશે. તેઓ ગૃહમાં અપીલ કરવા માંગે છે કે, આમા તમામ લોકો સહકાર આપે જરૂરી છે. આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ છે. આ પ્રકારના સંવેદનશીલ મુદ્દા ઉપર ધાંધલ ધમાલ યોગ્ય નથી. લોકસભામાં ટીએમસી, કોંગ્રેસ અને ડાબેરીઓ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ગૃહમંત્રીના જવાબથી અસંતુષ્ટ સભ્યોએ લોકસભામાંથી વોકઆઉટ કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે આ મુદ્દા પર કહ્યું હતું કે, કેટલાક લોકો કોઇપણ કારણ વગર આ યાદીના આધાર પર માહોલ બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે.
આ સંપૂર્ણપણે નિષ્પક્ષ રિપોર્ટ છે. કોઇપણ ભ્રામક માહિતી આપવામાં આવી નથી. આ કોઇ ફાઇનલ લિસ્ટ નથી. માત્ર ડ્રાફ્ટ છે. નાગરિકતા માટે ૩૨૯૯૧૩૮૦ લોકોએ નાગરિકતા માટે અપીલ કરી હતી જેમાંથી ૨૮૯૩૮૬૭૭ લોકોએ યોગ્ય ગણવામાં આવ્યા બાદ તેમને નાગરિકતા આપવામાં આવી છે. આ અગાઉ ટીએમસી સાંસદ સૌગત રોયે એનઆરસી રિપોર્ટને લઇને લોકસભામાં સ્થગન પ્રસ્તાવની વાત કરી હતી. ડ્રાફ્ટ જારી કરવામાં આવ્યા બાદ ટીએમસીના સાંસદ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. તૃણમુલ સાંસદ આને લઇને શાંત થયા ન હતા. ધાંધલ ધમાલ જારી રહી હતી. ત્યારબાદ રાજ્યસભાની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી કિરણ રિજ્જુએ પણ ડ્રાફ્ટને લઇને રાજકીય ઘમસાણ વચ્ચે કહ્યું હતું કે, સરકાર કોઇની સાથે પણ અન્યાય થવા દેશે નહીં. એનઆરસી ઉપર ધાંધલ ધમાલ અને અવિશ્વાસનું વાતાવરણ સર્જવાની બાબત યોગ્ય નથી.