ઝેર તો ‘લીધા’ જાણી જાણી !

ઝેર તો ‘લીધા’ જાણી જાણી !

ક્યારેય વિચાર્યું છે કે આખા દિવસમાં આપણી સાથે ઓક્સિજન પછી સૌથી વઘુ સંપર્કમાં આવતો કોઈ પદાર્થ હોય, તો એ છે પ્લાસ્ટિક.
યકીન નહીં હોતા ? ખુદ હી ચેક કર લીજીયે ના ! સવારે ધણધણતા એલાર્મ કલોકનો ડબ્બો હોય કે ટકોર વાગતી ફેન્સી વૉલ ક્લોક એ બનેલી હશે પ્લાસ્ટિકની.બાથરૂમમાં જાવ. પ્લાસ્ટિકનાં ડોલ-ડબલાં, પીવીસીના પાણીના પાઈપ, પ્લાસ્ટિકનું ટૂથબ્રશ ને પેસ્ટનું પેકિંગ. સાબુ પ્લાસ્ટિકની કોથળીમાં કે હોલ્ડરમાં શેમ્પૂ પ્લાસ્ટિકના પાઉચમાં, માઉથવોશ પ્લાસ્ટિકની બોટલમાં શાવર કેપ કે કર્ટેન પણ પ્લાસ્ટિકના નળ કે શાવરમાં ય પ્લાસ્ટિક ટ્યૂબ.કિચનમાં ? પ્લાસ્ટિક જાર. પ્લાસ્ટિક કૂકવેર પ્લાસ્ટિક કેસેરોલ અને બાઉલ ટ્રેન્ડી પ્લેટસ્‌-સ્પૂન્સ પણ પ્લાસ્ટિકના પ્લાસ્ટિકનું વોટર ફિલ્ટર. ફ્રિજનું ઇનર બોડી પ્લાસ્ટિકનું ડિટ્ટો માઈક્રોવેવ ઓવન, મિકસર કે બ્લેન્ડર. ડાઈનિંગ ટેબલ પર પ્લાસ્ટિક મેટ. પ્લાસ્ટિકના સાફસૂફીના બ્રશને ડબ્બા-ડબ્બી તો ખરા જ પાણી કે કોલ્ડ ફ્રિન્કસની પ્લાસ્ટિક બૉટલ્સ પછી પણ આખો દિવસ પ્લાસ્ટિક સાથે જ પનારો. લેપટોપ, ડેસ્કટોપ, કી-બોર્ડ, માઉસ ? પ્લાસ્ટિક. ટીવી, ટેપના બોડી અને રિમોટ ? પ્લાસ્ટિક. મોબાઈલ ફોન કે આઈપેડ ? પ્લાસ્ટિક. રૂટિનમાં વપરાતી પેન, રિફિલ, કિલપ્સ, ફાઈલ્સ ? પ્લાસ્ટિક જગ, ફેન્સી વૉચ, નોનબ્રેકબલ ગ્લાસ, ટ્રેન્ડી ગોગલ્સ, જેકેટ ? પ્લાસ્ટિક સિન્થેટિક (નાયલોન) ડ્રેસીસ કે ઇલેકટ્રિકલ સ્વીચબોર્ડ-વાયરિંગ સુધી સઘળે બસ પ્લાસ્ટિક જ પ્લાસ્ટિક !
કાર કે સ્કૂટરના બોડીમાં, સીડી-ડીવીડીમાં, બજારમાંથી ખરીદી કરો એ કેરીબેગમાં, શાકભાજી કે મેગેઝીન્સની પેક કોથળીમાં, સ્પીકર્સ, ફર્નિચર, ફીટિંગ્સ, કપડાં સૂકવવાની દોરી અને કલીપ, બેટરી ચાર્જર, સેલો ટેપ, ક્રેડિટ કાર્ડ, મોસ્કિટો રિપેલન્ટ, રમકડાં, ફોટોફ્રેમ, ડેકોરેશન પીસીઝ, આર્ટિફિશ્યલ ફલાવર્સ, એરકન્ડીશનર, મેડિકલ ઇક્વિપમેન્ટસ, આઇસ્ક્રીમ કપ, ટેલિફોન, પ્રિન્ટર, રેઈનકોટ, ટોર્ચ, કી-ચેઈન, જ્વેલેરી બોક્સ, નોન ટેરેબલ વિઝિટિંગ કાર્ડસ, એક્સેસરીઝ, ખુરશીઓ, પાણીની ટાંકી.આ યાદી લંબાવતા જાવ તો લેખ જ પૂરો થઈ જાય. પણ હકીકત એ છે કે પૂરતી કાળજી ન રાખીએ તો પ્લાસ્ટિક આપણને જ પૂરા કરી નાખે તેમ છે ! કેટલાક ખંતીલા વિજ્ઞાનીઓની ચેતવણી છે કે ‘ગ્લોબલ વોર્મિંગ’ પછીનો સૌથી મોટો પર્યાવરણીય ખતરો (કે માનવીય ‘અખતરો’) પ્લાસ્ટિકનો છે ! વાત હસી કાઢવા જેવી આજે લાગે, તો પણ યાદ રાખવું કે દસકા પહેલા ‘ગ્લોબલ વોર્મિંગ’ની પણ ઠેકડી જ ઉડાડવામાં આવતી હતી!
પ્લાસ્ટિકનું એક જોખમ તો જગજાહેર હતું. પણ મૂરખ માણસજાત એમ માનતી હતી કે એ તો ધરતીએ ભોગવવાનું છે, આપણે નહિ ! (સરવાળે પૃથ્વી માંદી પડે, તો પૃથ્વીવાસીઓની તબિયત બગડી જાય એ સાદો હિસાબ ભલભલી મહાસત્તાઓને ક્યાં સમજાયો છે ?) એ જોખમ હતું કે પ્લાસ્ટિક બાયોડિગ્રેડેબલ પદાર્થ નથી. અર્થાત્‌ કાચની કે કાગળની જેમ એનું પંચમહાભૂતમાં વિઘટન થઈને ભળી જવું શક્ય નથી. કટાક્ષમાં કહેવાતું કે ૧૯૦૯ની સાલમાં લિયો બેકેલેન્ડ નામના વિજ્ઞાનીએ શોધેલો ‘બેકેલાઈટ’ (પ્લાસ્ટિકનું પ્રારંભિક નામ)નો પ્રથમ ટૂકડો પણ ધરતીના કોઈક ખૂણે જેમનો તેમ પડ્યો હશે !
બેકેલેન્ડે ફેનોલ અને ફોર્માલ્ડીહાઈડના બે કાર્બનિક પદાર્થોના સંયોજનથી પ્રથમ ‘સિન્થેટીક પોલીમર’ યાને કોઈ કુદરતી તત્વના ઉપયોગ વિના બનતું પ્લાસ્ટિક બનાવ્યું, ત્યારે એની શોધ ઇલેકટ્રિક મોટરના ‘પ્રોટેકશન કોટિંગ’ પૂરતી હતી. આમ તો સિન્થેટિક પોલીમરનો પહેલો વિચાર એલેકઝાન્ડર પાર્કસને ૧૯૫૫માં આવ્યો હતો. પાણીના ગ્લાસમાં ખાંડ ભળીને ઓગળી જાય,પણ રેતી ના ભળે કેમ ?પ્રાથમિક શાળાનું વિજ્ઞાન જવાબ આપશે કે મોલેક્યુલ્સ અણુબંધારણ જેમ અણુબંધારણ નબળું, બંધન ઓછા એમ એનું ઝડપથી વિઘટન થઈ જાય. પ્લાસ્ટિક ‘પોલીમર’ (પોલી એટલે ‘બહુ’ વઘુ) છે. જેમાં અણુઓની એકબીજા સાથે જોડાયેલી શૃંખલા બને છે એટલે તો એ ટકાઉ હોય છે. કોઈ પણ આકારમાં ઢાળવું સહેલું છે. મૂળ ગ્રીક શબ્દ ‘પ્લાસ્ટિકોસ’ એટલે જ ઘાટ ઘડવા માટે યોગ્ય તેવું !જગતમાં સૌથી વઘુ પ્લાસ્ટિકનો વપરાશ એઝ યુઝઅલ અમેરિકા કરે છે. વ્યક્તિદીઠ ૬૦ કિલો ! (ભારતની વાર્ષિક સરેરાશ ૨ કિલો !) ૫૦ અબજ ડોલરની યુ.એસ.માં પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રી છે. પ્લાસ્ટિક હળવું છે. મજબૂત છે. આકર્ષક છે. રંગબેરંગી છે. દિવસે-દિવસે એનો ઉપયોગ વધતો જાય છે. એ કિંમતમાં પણ સસ્તું છે.
પણ કદાચ સરવાળે મોંધું પડે છે ! અમેરિકાના જ વિજ્ઞાનીઓની એણે નીંદર ઊડાડી દીધી છે. એક તો એ વાઈલ્ડલાઈફ અને સી લાઈફને અસર કરે છે. એક મૃત આલ્બાટ્રોસનું પેટ ચીરવામાં આવ્યું, ત્યારે એમાંથી ૩૦૬ પ્લાસ્ટિકના ટુકડાઓ નીકળ્યા ! ભારતમાં પ્લાસ્ટિકના ઝબલા આરોગવાથી પેટ ફૂલી જતા મરી જતી ગાયોની તસવીરો હવે ત્રાસવાદ અને અનામત આંદોલન જેટલી સાહજીક થઈ ગઈ છે ! (૨૬ જુલાઈ, ૨૦૦૫ના રોજ જળબંબાકાર થયેલા મુંબઈમાં પાણી ભરાવા પાછળનું એક કારણ પ્લાસ્ટિકની કોથળીઓના ડૂચાથી ‘જામ’ થઈ ગયેલી ગટરો હતી !) ૭૫ જાતિના પક્ષીઓ અને કેટલાક સમુદ્રી કાચબાના અસ્તિત્વ સામે પ્રાણઘાતક જોખમ છે, કારણકે એ બધા પ્લાસ્ટિકને જેલીફિશ કે ફ્રુટ સમજીને ખાઈ જાય છે. પેસિફિક મહાસાગરમાં વચ્ચોવચ અમદાવાદથી બમણા વિસ્તારમાં પ્લાસ્ટિકનો કચરો એકઠો થયો છે, જ્યાં દરિયાઈ જીવસૃષ્ટિનું નામોનિશાન નથી ! સસ્તું અને સહેલાઈથી મળી જતું હોવાને લીધે લોકો પ્લાસ્ટિકનો કચરો વધારતા જ જાય છે !
પણ પ્લાસ્ટિકપુરાણ આટલેથી અટકતું નથી. તજજ્ઞોના જીવ તાળવે ચડ્યા છે, કારણકે એમને લાગે છે કે પ્લાસ્ટિક માનવીના આરોગ્ય માટે જોખમી છે ! તમાકુ કે ડીડીટી જેવા ‘હેલ્થ હેઝાર્ડ’સની જેમ એની અસરો ચોક્કસપણે નોંધી શકાતી નથી કે નિયંત્રિત થઈ શકતી નથી. પણ ઉંદરો પરના પ્રયોગોથી લઈને માનવીઓના સર્વેક્ષણો સુધી એવું જાણવા જરૂર મળ્યું છે કે પ્લાસ્ટિક સ્ટીલ્થ મિસાઈલની માફક છૂપો શત્રુ છે. એ સીધા જ માણસના હોર્મોન્સની ‘મિમિક્રી’ કરીને લાંબા ગાળાની આંતરિક ગરબડ શરૂ કરે છે. જેની આડઅસરો સંતાનો જ નહીં, ગ્રાન્ડચિલ્ડ્રન સુધી વિસ્તરી શકે છે !
રેડિએશન (કિરણોત્સર્ગ) જેવી અસરો મામુલી પ્લાસ્ટિકની થાય ? હા, ગર્ભવતી મહિલાઓના ગર્ભમાં બાળકના કોષ બનતા હોય ત્યારથી થઈ શકે. અનેએમાં બનતા ફળદ્રુપ ‘ઇંડા’ સુધી પહોંચી શકે – એટલે એ ગર્ભસ્થ શિશુ સ્ત્રી હોય અને પુખ્ત બની મા બને, ત્યારે એના સંતાનમાં ય પ્લાસ્ટિકજન્ય ખામી દેખાઈ શકે !
પ્લાસ્ટિકની આપણા શરીરમાં હાજરી નોંધી શકાય છે ! (અને આ કોઈ મેગ્નેશિયમ, આયર્ન કે ફોસ્ફરસ જેવું પ્રાકૃતિક તત્વ નથી, એ યાદ રહે !) પ્લાસ્ટિકના બે રસાયણો ‘બિસ્ફેનોલ એ’ ઉર્ફે ‘બીપીએ’ (જે પોલીકાર્બોનેટ અને રેઝીનમાં હોય) તથા પ્થાલેટસ (પ્લાસ્ટિકને નરમ અને સુંવાળુ બનાવવા માટે વપરાય) આપણા શરીરની કેટલીક ક્રિયાઓને, ક્રોમોઝોમ્સને ‘અપસેટ’ કરે છે ! પ્થાલેટસને તો યુરોપિયન યુનિયને સત્તાવાર રીતે બાળકોના રમકડામાં ઉપયોગ કરવા પર પ્રતિબંધિત જાહેર કર્યું છે. કેલિફોર્નિયાના ગર્વનરે પણ ૩ વર્ષથી નીચેના બાળકો માટેના બાથ ડક કે રિંગ જેવા રમકડાંમાં એના ઉપયોગ પર ૨૦૦૯થી બાન જાહેર કર્યો છે.જ્યારે અમેરિકામાં કરોડો ટન બીપીએ પેદા થાય છે. અને ૬ વર્ષથી ૮૫ વર્ષના અમેરિકાનોના યુરિન સેમ્પલ લેવાયા તો ૯૩% ના પેશાબમાં તેની હાજરી જોવા મળી ! પ્લાસ્ટિકની બોટલમાંથી ભૂલકું દૂધ પીવે, ત્યારે રોજનું ૨૦ માઈક્રોગ્રામ બીપીએ એના કૂમળા શરીરમાં દાખલ થાય છે ! બીપીએ એક કેમિકલ ટાઈમ બોમ્બ છે,જેની ટિક્‌ ટિક્‌ વર્ષો પછી ધમાકામાં ફેરવાય છે ! ઓગસ્ટ ૨૦૦૭માં તોતિંગ ઉદ્યોગોની શેહમાં અમેરિકન કેમિસ્ટ્રી કાઉન્સિલે બીપીએને નિર્દોષતાનું ‘ક્લિનચિટ્‌’ સર્ટિફિકેટ ફાડી આપ્યું. વિજ્ઞાનીઓના પ્રચંડ વિરોધ પછી ૨૦૦૮ના જાન્યુઆરીમાં સરકારે નવી રિવ્યૂ પેનલ બનાવવી પડી.બીપીએ ટિપિકલ ટોક્સિક (ઝેર) નથી. પ્લાસ્ટિક છે. એ ધીરે ધીરે પોતાનો રંગ બતાડે છે. યુરોએન્ડ્રોક્રાઈન (ચેતાતંતુઓ-અંતઃસ્ત્રાવો) સીસ્ટમને ડિસ્ટર્બ કરે,માનસિક ઉદ્વેગ પેદા કરે દવાઓ પચાવવાની શક્તિ પર અસર કરે ! એની સૌથી મોટી ઘાત એ છે કે એ ‘ફિમેલ હોર્મોન’ (સ્ત્રૈણ લક્ષણો, સ્ત્રીત્વ માટે જવાબદાર નૈસર્ગિક રસાયણ) ‘એસ્ટ્રોજન’નો પ્રભાવ વધારે છે ! માટે સ્ત્રી હોય તો વહેલી પ્યુબર્ટી આવી જાય, સ્તનોનો વિકાસ વધે અને બ્રેસ્ટ કેન્સરનું જોખમ અનેકગણું વધી જાય ! અને પુરુષની ફળદ્રુપતા (ફર્ટિલીટી) અને જાતીયતા પર સીધો પ્રહાર થાય !
વિકસિત દેશોમાં દર ૫ પ્રેગનન્સીએ ૧ મિસ્કેરેજમાં પરિણામે છે. અને અડધોઅડધ કસૂવાવડના કારણે રંગસૂત્રોની ગરબડમાં હોય છે, જેનો મુખ્ય આરોપી પ્લાસ્ટિકજન્ય કેમિકલ બીપીએ હોઈ શકે છે. કારણ કે એની અસર ફિમેલ એગ પર થતી હોઈને એ બીજી-ત્રીજી પેઢીએ પણ પોતાનું તાંડવ દર્શાવી શકે છે !