ટીસીએસના પરિણામ જાહેર કરાયા બાદ જોરદાર લેવાલી જામી

ટીસીએસના પરિણામ જાહેર કરાયા બાદ જોરદાર લેવાલી જામી
TCSના શેરમાં પ ટકા સુધીનો ઉછાળો : કારોબારી આશાવાદી
અપેક્ષા કરતા વધુ સારા આંકડા ટીસીએસના રહ્યા બાદ સૌથી મોટી કંપનીના શેરમાં પડાપડી : નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં પણ બે ટકાનો ઉછાળો નોંધાયો
શેરબજારમાં આજે કારોબાર દરમિયાન ટીસીએસના શેરની બોલબાલા રહી હતી. તાતા કન્સલટન્સી સર્વિસના શેરમાં તીવ્ર ઉછાળો નોંધાતા નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. ટીસીએસના શેરમાં આજે પાંચ ટકાની આસપાસનો ઉછાળો નોંધાયો હતો. ટીસીએસના શેરમાં કારોબારીઓ રસ લેતા નજરે પડ્યા હતા. ટીસીએસ દ્વારા ગઇકાલે તેના બજારના કારોબાર દરમિયાન તેના ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામ વચ્ચે તેના નેટ નફામાં ઉલ્લેખનીય ઉછાળો રહ્યો હતો જ્યારે વાર્ષિક આધારે ૨૩.૫ ટકાનો અપેક્ષા કરતા વધુ સારો ઉછાળો રહ્યા બાદ આજે તેના શેરમાં લેવાલી જામી હતી. બેંકિંગ, ફાઈનાન્સિયલ સર્વિસ અને ઇન્સ્યોરન્સ ડિવિઝનમાં લેવાલી જામી હતી. બીજી બાજુ તેલ કિંમતોમાં આજે ઘટાડો થયો હતો. અમેરિકાએ કહ્યું છે કે, પ્રતિબંધમાંથી મુક્તિ આપવાની કેટલાક દેશો તરફથી કરવામાં આવેલી વિનંતી તરફ તે ધ્યાન આપશે તેવી વાત કરવામાં આવ્યા બાદ તેલ કિંમતોમાં ઘટાડો થયો છે. આ પ્રતિબંધ નવેમ્બર મહિનામાં અમલી થનાર છે.
નવેમ્બરના પ્રતિબંધના કારણે તેલની નિકાસથી ઇરાનને રોકી શકાશે. બ્રેન્ટ ક્રુડની કિંમતમાં ૦.૮ ટકાનો ઘટાડો થતાં તેની કિંમત આજે બેરલદીઠ ૭૮.૨૨ રહી હતી. એક દિવસ પહેલા તેલની કિંમતોમાં વધારો થયો હતો. નોર્વે અને લિબિયામાં સપ્લાયને લઇને ચિંતા પ્રવર્તી રહી છે. બીજી બાજુ વૈશ્વિક બજારમાં ટ્રેડ વોરને લઇને પણ ઉથલપાથલ જોવા મળી રહી છે. આજે શેરબજારના કારોબાર દરમિયાન બીએસઈ સેંસેક્સમાં શેરમાં વ્યાપક હલચલ જોવા મળી હતી જેના લીધે કેટલાક શેરમાં ઉતારચઢાવની સ્થિતિ જોવા મળી હતી. ટીસીએસની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ૨૫૩૦૬.૮૮ કરોડનો વધારો થતાં તેની માર્કેટ મૂડી વધીને ૭૩૨૫૨૧.૨૯ કરોડ થઇ ગઇ છે. ટોપ ટેન કંપનીઓની વાત કરવામાં આવે તો ટીસીએસે પ્રથમ ક્રમાંક ઉપર તેની સ્થિતિ અતિમજબૂત બનાવી લીધી છે. આરઆઈએલ બીજા અને એચડીએફસી બેંક ત્રીજા સ્થાને છે.