ટ્યુશનિયા શિક્ષકો સામે કડક પગલા ભરવા હાઇકોર્ટમાં પીઆઇએલ

ટ્યુશનિયા શિક્ષકો સામે કડક પગલા ભરવા હાઇકોર્ટમાં પીઆઇએલ

પ્રતીનિધિ દ્વારા અમદાવાદ, ૭ જુલાઇ, ૨૦૧૮ – સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓના મોટો પગાર લેતાં શિક્ષકો દ્વારા ગુજરાત સરકારના ટ્યુશન અધિનિયમન ૨૦૦૨નું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરીને બેરોકટોક ટ્યુશન ચલાવાઇ રહ્યાં છે તેવાં સંજોગોમાં વિદ્યાર્થીઓને અન્યાય થતાં રોકવા માટે ફેડરેશન ઓફ એકેડેમીક એસોસિયેશન ઓફ ગુજરાતના સહયોગથી હેમાંગ રાવલ દ્વારા એડવોકેટ સુરજ શુક્લા મારફતે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી (પીઆઇએલ) દાખલ કરવામાં આવી છે.
૨૦૦૨ના ટ્યુશન અધિનિયમન મૂજબ સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો પ્રાઇવેટ ટ્યુશન કરાવી શકે નહીં, પરંતુ આ અધિનિયમનનો ખુલ્લેઆમ ઉલ્લંઘન થઇ રહ્યો છે અને શિક્ષકો સરકારી તંત્રના ડર વિના બેફામ ટ્યુશન ચલાવીને જંગી ફી વસૂલી રહ્યાં છે. વિશેષ કરીને ધોરણ ૧૦ બોર્ડની પરિક્ષામાં ૭૦ માર્ક્સની ગણતરીમાં લેવાય છે તથા બાકીના ૩૦ માર્ક્સ શાળા દ્વારા મૂકવામાં આવે છે. શિક્ષકો આનો ગેરલાભ ઉઠાવીને વિદ્યાર્થીઓને તેમના ટ્યુશનમાં આવવા દબાણ કરે છે અને ટ્યુશનમાં ન આવતાં વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ આપવાની અથવા નાપાસ કરવાની ધમકી આપે છે. એવાં ઘણાં કિસ્સા પ્રકાશમાં આવ્યાં છે કે જેમાં ૭૦માંથી ૭૦ માર્ક્સ મેળવનાર વિદ્યાર્થી ઇન્ટર્નલમાં ઓછા ગુણ મેળવ્યા હોય. આ ૩૦ માર્ક્સના નિયમથી સંચાલકો અને શિક્ષકો વિદ્યાર્થીઓ અને માતા-પિતાને બ્લેકમેઇલ કરી રહ્યા છે.
આ મુદ્દે પીઆઇએલ કરનાર હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશન ચલાવીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરી રહ્યાં છે. શિક્ષકો અને તંત્રની મીલીભગતને કારણે શિક્ષણ હવે વ્યવસાય બની ગયો છે તથા વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને બ્લેકમેઇલ કરવામાં આવે છે, જેના કારણે ઘણાં વિદ્યાર્થીઓની કારકિર્દીને નુકશાન થઇ રહ્યું છે. આ સ્થિતિમાં ખાસ કરીને ધોરણ ૧૦માં ૩૦ ઇન્ટર્નલ માર્ક્સની વ્યવસ્થાની સમીક્ષા થાય તે જરૂરી છે. આ ઉપરાંત સરકાર ખાનગી ટ્યુશન ચલાવતા સરકારી શિક્ષકો સામે કડક પગલાં ભરાય તેવી અમારી માગ છે.
મહત્વપૂર્ણ છે કે આ અંગે ગુજરાતના મુખ્યપ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન, ગુજરાતના શિક્ષણ પ્રધાન, રાજ્યપાલ, પીએમઓ, માનવસંસાધન મંત્રાલય, ડીઇઓ, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, શાળા કમીશનરની કચેરી, અમદાવાદના કલેક્ટરને વારંવાર આવેદન સોંપીને આ મુદ્દે કડક પગલા ભરવા વિનંતી કરાઇ છે, પરંતુ કોઇપણ વિભાગ અથવા સક્ષમ સત્તામંડળ દ્વારા અસરકારક કાર્યવાહી ન થતાં આખરે હાઇકોર્ટમાં પીઆઇએલ કરવામાં આવી છે.
ફેડરેશન ઓફ એકેડેમીક એસોસિયેશન સાથે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ, બરોડો એકેડેમીક એસોસિયેશન, મહેસાણા એકેડેમીક એસોસિયેશન, સુરત એકેડેમીક એસોસિયેશન, ભાવનગર એકેડેમીક એસોસિયેશન એમ ગુજરાતના વિવિધ શહેરોના સંગઠનો સંકળાયેલા છે અને તેના ૧૦૦૦થી વધુ સક્રિય સભ્યો છે અને એક લાખથી વધુ વિદ્યાર્થીઓ સંકળાયેલા છે. સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે સેમીનાર, સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન, સૈનિકો માટે ભંડોળ સહિતની ઉમદા કામગીરી કરવામાં આવે છે.