દક્ષિણ આફ્રિકામાં જિનપિંગ-પુતિનને મળ્યા મોદી, બોર્ડર સહિત ઘણાં મુદ્દાઓ પર થઈ ચર્ચા

બ્રિક્સ દેશોની બેઠક બાદ પીએમ મોદીએ અહીં જોહનિસબર્ગમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન

 ત્રણ આફ્રિકન દેશોની મુલાકાતે ગયેલા વડાપ્રધાન મોદીએ 10મા બ્રિક્સ સંમેલનમાં ભાગ લીધો હતો અને સંબોધન પણ કર્યું હતું. બ્રિક્સ દેશોની બેઠક બાદ પીએમ મોદીએ અહીં જોહનિસબર્ગમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વીપક્ષીય ચર્ચા કરી હતી. જોકે એક જ દિવસમાં આ ત્રણ મોટા નેતાઓની આ બીજી મુલાકાત હતી. થોડા મહિના પહેલાં મોદી રશિયા અને ચીનની મુલાકાતે પણ ગયા હતા.

ગુરુવારે વડાપ્રધાન મોદીએ બ્રિક્સ બેઠક પછી ચીની રાષ્ટ્રપતિ સાથે દ્વીપક્ષીય ચર્ચા કરી હતી. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, બંને નેતાઓએ બોર્ડરની સ્થિતિ પર વિસ્તૃત ચર્ચા કરી હતી અને નક્કી કર્યું હતું કે, બંને દેશોની સેનાએ સીમા પર શાંતિ જાળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ સિવાય પીએમએ ભારત તરફથી નિકાસના મુદ્દે પણ ચર્ચા કરી હતી.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સિવાય પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું હતું કે, તેઓ બીજી વખત પુતિનને મળીને ઘણાં ખુશ છે. સોચી યાત્રામાં જે પ્રમાણે ઉમળકાથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું તે માટે તેઓ પુતિનના આભારી છે.

પીએમ મોદી અને પુતિને એકબીજાને વિશ્વાસ અપાવ્યો કે, બંને દેશો ભવિષ્યમાં સાથે મળીને કામ કરશે. નોંધનીય છે કે, થોડા મહિના પહેલાં જ પીએમ મોદીએ રશિયામાં સોચી યાત્રા કરી હતી અને ઈન્ફોર્મલ સમિટમાં ભાગ લીધો હતો.