દાઉદી વ્હોરા સમાજમાં પ્રચલિત ખતનાની પ્રથા સામે પ્રશ્નો મહિલાઓનું જીવન માત્ર લગ્ન અને પતિ માટે જ નથી : સુપ્રીમ

દાઉદી વ્હોરા સમાજમાં પ્રચલિત ખતનાની પ્રથા સામે પ્રશ્નો
મહિલાઓનું જીવન માત્ર લગ્ન અને પતિ માટે જ નથી : સુપ્રીમ
ખતનાના વિરોધમાં દાખલ કરવામાં આવેલી અરજી પર તર્કદાર દલીલો થઇ સંવેદનશીલ મામલો છે અને આરોગ્ય માટે પણ ખુબ ખતરનાક છે : સુપ્રીમ

નવીદિલ્હી,તા. ૩૦
સુપ્રીમ કોર્ટે દાઉદી વ્હોરા મુસ્લિમ સમુદાયમાં પ્રચલિત કિશોરી યુવતીઓના ખતના કરવાની પ્રથા સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. આજે ખતનાના વિરોધમાં દાખલ કરવામાં આવેલી અરજી ઉપર સુનાવણી ચલાવતી વેળા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, મહિલાઓના ખતના માત્ર એટલા માટે થવું જોઇએ નહીં કે, તેમના લગ્ન કરવાના છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, મહિલાઓનું જીવન માત્ર લગ્ન અને પતિ માટે હોતું નથી. સુપ્રીમ કોર્ટમાં મહિલાઓના ખતના કરવાની પ્રથા ઉપર ભારતમાં સંપર્ણપણે પ્રતિબંધ મુકવાની માંગ કરવામાં આવી છે. સોમવારના દિવસે કોર્ટે કહ્યું હતું કે, લગ્ન ઉપરાંત પણ મહિલાઓની જવાબદારી રહે છે. આ પ્રકારની પ્રથા મહિલાઓની અંગતતાના અધિકારને ભંગ કરે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, આ ખુબ જ સંવેદનશીલ મામલો છે. આરોગ્ય માટે પણ ખતરનાક હોઈ શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, આ કોઇપણ વ્યક્તિની ઓળખ માટેના કેન્દ્રબિંદુ તરીકે હોય છે. આ કૃત્ય તેની ઓળખની વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ પ્રકારના કૃત્ય એક મહિલાને પુરુષ માટે તૈયાર કરવાના ઇરાદા સાથે કરવામાં આવે છે. પશુઓની જેમ વર્તન કરવામાં આવે છે. કોર્ટે પ્રશ્ન કરતા કહ્યું છે કે, કોઇપણ મહિલા પર આ જવાબદારી કેમ હોવી જોઇએ કે, તે પોતાના પતિને ખુશ કરે. અત્રે નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે પણ એવી અરજીનું સમર્થન કર્યું છે જેમાં દાઉદી વ્હોરા મુસ્લિમ સમુદાયની કિશોરી યુવતીઓના ખતના કરવાની પ્રથા સામે વિરોધ કરવામાં આવ્યો છે. બીજી બાજુ એડવોકેટ ઇન્દિરા જયસિંહે અરજી કરનાર તરફથી કહ્યું છે કે, કોઇપણ અપરાધિ કૃત્યની માત્ર એટલા માટે મંજુરી આપી શકાય નહીં કારણ કે, તે એક પ્રથા તરીકે છે. એડવોકેટે કહ્યું છે કે, પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરવાને લઇને પોસ્કો હેઠળ અપરાધ તરીકે છે. સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે પણ આ મામલામાં સુનાવણી જારી રહેશે. છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ધર્મના નામ ઉપર કોઇપણ મહિલાના પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરી શકાય નહીં.
પ્રાઇવેટ પાર્ટને વિકૃત કરવાની બાબત મહિલાઓની ગરિમા અને સન્માનની વિરુદ્ધ છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે, ધર્મની આડમાં યુવતીઓના ખતના કરવાની બાબત એક અપરાધ તરીકે છે. આના પર તે પ્રતિબંધની માંગ કરે છે. આ પહેલા કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવી ચુક્યું છે કે, આના માટે સાત વર્ષની જેલની સજાની જોગવાઈ પણ રહેલી છે. હકીકતમાં સુપ્રીમ કોર્ટે દાઉદી વ્હોરા સમાજમાં પ્રચલિત આ પ્રથા ઉપર પ્રતિબંધ મુકવાની માંગ કરતી અરજી ઉપર કેરળ અને તેલંગાણા સરકારોને પણ નોટિસ જારી કરવામાં આવી ચુકી છે. અરજી કરનારાઓ અને સુપ્રીમ કોર્ટના વકીલ સુનિતા તિહારની અરજી ઉપર સુનાવણી ચાલી રહી છે. તિહાડે કહ્યું છે કે, ભારતે સંયુક્ત રાષ્ટ્ર બાળ અધિકાર ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરેલા છે. ખતનાની પ્રથાને લઇને આગામી દિવસોમાં વધુ ચર્ચા છેડાઈ જાય તેવી શક્યતા છે. સમાજના જાગૃત લોકો હવે આગળ આવી રહ્યા છે અને આ પ્રકારના દૂષણને લઇને પ્રશ્નો પણ ઉઠાવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં ખુબ ગંભીરતાપૂર્વક આગળ વધવા માટે કટિબદ્ધ છે. આના માટેના સંકેત પણ મળી ચુક્યા છે. આવતીકાલે પણ તર્કદાર દલીલો કરવામાં આવે તેમ માનવામાં આવે છે.