ધારાસભ્ય પદ અને રાજનીતિ છોડી દઈશ, પણ ઠાકોરસેના નહીં છોડુંઃ અલ્પેશ ઠાકોર

ધારાસભ્ય પદ અને રાજનીતિ છોડી દઈશ, પણ ઠાકોરસેના નહીં છોડુંઃ અલ્પેશ ઠાકોર
મહેસાણામાં ઠાકોરસેનાના સંવાદ સેતુ કાર્યક્રમમાં હાજર પ્રદેશ અધ્યક્ષની જાહેરાત

મહેસાણા
કોંગ્રેસના ધારાસભ્ય અને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે મહેસાણામાં એક વિવાદિત નિવેદન કર્યુ હતું. ઠાકોરે પોતાને એક જ્ઞાતિ પૂરતું મર્યાદિત કરીને ધારાસભ્ય પદને ત્યજી દેવાની વાત કરી હતી. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, ધારાસભ્ય પદ અને રાજનીતિ છોડી દઈશ, પણ ઠાકોરસેના નહીં છોડું. કોંગ્રેસના ધારાસભ્યના આ વિવાદિત નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ કે અન્ય પાર્ટીમાંથી ઠાકોરનું ધારાસભ્ય બનવું અગત્યનું નહી ંપરંતુ પોતાની જ્ઞાતિ સાથે સંકળાઈને રહેવું વધુ અગત્યનું હોય તેવું પોતે જ જાહેર કર્યું હતું.
લોકસભા ચૂંટણીને લઇને સંગઠન મજબૂત કરવાની કવાયત અંગે અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, સામાજિક બદીઓ દૂર કરવા સંગઠન કામ કરી રહ્યું છે. હું ધારાસભ્ય હમણાં થયો, સંગઠન ૨૦૧૧થી ચાલે છે. ક્યાંક મારા અને સંગઠન વચ્ચે રાજનીતિ હાવી થશે ત્યારે હું રાજનીતિ છોડી દઇશ. ધારાસભ્યપદ છોડી રાજનીતિ બંધ કરી શકું, ઠાકોરસેના ન છોડી શકું.
તેમના મત વિસ્તાર રાધનપુર અંગે કહ્યું કે, રાજકીય ખોફ તોડવામાં સફળ થયો છું. રાધનપુરમાં કામો થઇ રહ્યા છે. જેમાં મુખ્યમંત્રી, મંત્રી, વહીવટી તંત્ર, અમારા વિપક્ષનો સહકાર મળે છે.સર્કિટ હાઉસ ખાતે ઠાકોરસેના દ્વારા સંગઠનની પુનઃરચના માટે યોજાયેલા સંવાદ સેતુ કાર્યક્રમમાં હાજર અલ્પેશ ઠાકોરે કહ્યું કે, ઠાકોરસેના દ્વારા અગાઉ બહુચરાજી મારુતિ પ્લાન્ટથી રોજગારી આંદોલન શરૂ કરાયું હતું, તે વખતે સરકારે રાજ્યમાં અઠવાડિયામાં ૧.૧૨ લાખ બેરોજગારોને રોજગારી અપાવી હતી. હવે ૧૧ લાખ બેરોજગારોને રોજગારીના લક્ષાંક સાથે આગામી ૨૦થી ૨૫ ઓગસ્ટના અરસામાં બહુચરાજીથી બેરોજગાર આંદોલન શરૂ કરાશે. કાર્યક્રમમાં બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર, જિલ્લા પ્રમુખ રામાજી ઠાકોર સહિત ઠાકોર સેનાના જિલ્લા- તાલુકાના આગેવાનો હાજર હતા. એક મહિનામાં ૧૧ લાખ બેરોજગારોને પ્રાઇવેટમાં નોકરી આપો, ખાનગી કંપનીમાં ૮૫ ટકા સ્થાનિકને રોજગારી નિયમની અમલવારી સરકાર કરાવે તેમ જણાવ્યું હતું.વિધાનસભાની ચૂંટણી બાદ ઠંડી પડી ગયેલ ઠાકોરસેનાએ ફરી બેરોજગારી મુદ્દે આંદોલનનો હુંકાર કર્યો છે. ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે મંગળવારે મહેસાણામાં જાહેરાત કરી હતી કે, રાજ્ય સરકાર એક મહિનામાં ૧૧ લાખ બેરોજગારોને ખાનગી કંપનીઓમાં રોજગારી અપાવે, નહીં તો ૨૦ ઓગસ્ટથી બહુચરાજીથી રાજ્યવ્યાપી બેરોજગાર આંદોલન શરૂ કરીશું. પ્રથમ તબક્કામાં મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર અને અમદાવાદ ૪ જિલ્લાને આવરી લેવાશે.કાર્યક્રમમાં બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર, જિલ્લા પ્રમુખ રામાજી ઠાકોર સહિત ઠાકોર સેનાના જિલ્લા- તાલુકાના આગેવાનો સાથે અલ્પેશ ઠાકોરે શિક્ષણ, વ્યસનમુક્તિ સહિતના કાર્યો માટે દરેક ગામમાં ૧૦૦-૧૦૦ વ્યક્તિઓનું સંગઠન બનાવવા હાકલ કરી હતી.