નિર્ભયા કેસ : અપરાધીઓની મૃત્યુદંડની સજા અકબંધ રહી

સુપ્રીમ કોર્ટે નરાધમોની રિવ્યુ પિટિશનને પણ ફગાવી દીધી
નિર્ભયા કેસ : અપરાધીઓની મૃત્યુદંડની સજા અકબંધ રહી
ફેરવિચારણાનો કોઇ અવકાશ જ નથી : સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ વાત : સુપ્રીમના ચુકાદા બાદ અપરાધીઓ પાસે હવે માત્ર બે વિકલ્પો રહી ગયા છે : અહેવાલ

નવીદિલ્હી,તા. ૯
સમગ્ર દેશને હચમચાવી મુકનાર નિર્ભયા ગેંગરેપ અને મર્ડરના ચર્ચાસ્પદ મામલામાં અપરાધીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી રિવ્યુ પિટિશનને સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધી હતી અને અપરાધીઓની મૃત્યુદંડની સજા અકબંધ રાખી હતી. આ પહેલા સુપ્રીમ કોર્ટે ચોથી મેના દિવસે અપરાધી પવન, વિનય અને મુકેશની ફેરવિચારણા અરજી ઉપર ચુકાદો અનામત રાખ્યો હતો. ચોથા અપરાધી અક્ષય દ્વારા ફેરવિચારણા અરજી દાખલ કરવામાં આવી ન હતી. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ હવે આ અપરાધીઓ પાસે માત્ર બે વિકલ્પ રહી ગયા છે જે પૈકી એક ક્યુરેટિવ પિટિશન અને બીજી રાષ્ટ્રપતિની પાસે દયાની અરજીનો સમાવેશ થાય છે. સોમવારના દિવસે એટલે કે આજે સુનાવણી વેળા નિર્ભયાના પરિવારના સભ્યો કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, રિવ્યુ માટે કોઇપણ ગ્રાઉન્ડ નથી. જે મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે તેમાં કોઇ આધાર દેખાતા નથી. સુપ્રીમ કોર્ટે પિટિશનને ફગાવી દીધી હતી. આ પહેલા સુપ્રીમ કોર્ટે પાંચમી મે ૨૦૧૭ના દિવસે નિર્ભયા કેસમાં ચારેય દોષિતો મુકેશ, અક્ષય, વિનય અને પવનને દિલ્હી હાઈકોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી મૃત્યુદંડની સજાને યોગ્ય ઠેરવી હતી તે વખતે સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, આ મામલે રેરેસ્ટ ઓફ રેર છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, પીડિતાએ છેલ્લી ઘડીએ જે નિવેદન આપ્યું હતું તે ખુબ મહત્વપર્ણ અને સૌથી મહત્વપૂર્ણ કડી તરીકે છે. આ સમગ્ર મામલાથી દેશ હચમચી ઉઠ્યો હતો. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાના નેતૃત્વમાં બેંચે ચારેય અપરાધીઓને મૃત્યુદંડની સજા ફટકારી હતી. ત્યારબાદ આ અપરાધીઓએ એક એક કરીને રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. નિયમ મુજબ રિવ્યુ પિટિશનની ઓપન કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. ચોથી મે ૨૦૧૮ના દિવસે ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. આજના ચુકાદા બાદ તમામ લોકો તરફથી સુપ્રીમના ચુકાદાનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ કેસમાં સરકારી વકીલો તરફથી દોષિતોને ફાંસી આપવાની માંગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દિપક મિશ્રા, જસ્ટિસ અશોક ભુષણ, જસ્ટિસ આર ભાનુમતિની બેંચ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ અપરાધીઓ સામે ખુબ જ નક્કર પુરાવા રહેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૬ અને ૧૭ ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે અડધીરાત્રે પેરામેડિકલની આ વિદ્યાર્થીની ગેંગરેપનો શિકાર થઇ હતી. ચાલતી બસમાં દક્ષિણ દિલ્હીમાં તેના ઉપર ગેંગરેપ કરવામાં આવ્યો હતો. છ લોકો દ્વારા તેના ઉપર ગેંગરેપ કરાયો હતો. અમાનવીયરીતે ગેંગરેપ કરાયા બાદ તેને નિર્દયરીતે માર મારીને ફેંકી દેવામાં આવી હતી. ૨૯મી ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે સિંગાપોરમાં માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું. આ કેસમાં અપરાધીઓ પૈકીના એક રામસિંહને તિહાર જેલમાં આત્મહત્યા કરી લીધી હતી. અન્ય એક કિશોર આરોપી જેને જુએનાઇલ જસ્ટિસ બોર્ડ દ્વારા અપરાધી ઠેરવવામાં આવ્યો હતો. તેને ત્રણ વર્ષની સજા પુરી કરી લીધા બાદ રિફોર્મેશન હોમમાંથી હાલમાં જ મુક્ત કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ચુકાદો અકબંધ રાખ્યા બાદ સ્પષ્ટપણે કહ્યું હતું કે, ફેરવિચારણા મુદ્દે કોઇ મુદ્દો રહેતો નથી. બચાવ પક્ષના વકીલ એપીસિંહે કહ્યું હતું કે, પવન અને વિનય તરફથી રિવ્યુ પિટિશન પર દલીલો કરવામાં આવી હતી. મુકેશ તરફથી ઉપસ્થિત થયેલા વકીલ એમએન શર્માએ રિવ્યુ પિટિશન કરીને દલીલો કરી હતી.

અપરાધીઓને ફાંસી ઉપર જોવાની ઇચ્છા છે
નિર્ભયાના માતા-પિતાએ સુપ્રીમનો આભાર માન્યો
અપરાધીઓને ફાંસીની સજાને ઘણો સમય થઇ ગયો છે અને મહિલાઓની સુરક્ષા પર હજુપણ ખતરો છે : પિતા

નવીદિલ્હી, તા. ૯
નિર્ભયા કાંડના ચાર અપરાધી પૈકી ત્રણ દોષિતોની ફાંસીની સજાની સામે દાખલ કરવામાં આવેલી રિવ્યુ પિટિશનને સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધા બાદ આ ચુકાદાને લઇને નિર્ભયાના માતા-પિતાએ સંતોષ વ્યક્ત કર્યો હતો. સુનાવણી દરમિયાન નિર્ભયાના માતા અને પિતા બંને કોર્ટ રુમમાં ઉપસ્થિત રહ્યા હતા. ચુકાદો આવ્યા બાદ આ બંનેએ સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, તેઓ અપરાધીઓને ફાંસીના માંચડા ઉપર જોવા માટે ઇચ્છુક છે. ચુકાદા અંગે સંતોષ વ્યક્ત કરતા નિર્ભયાના પિતા બદ્રીનાથસિંહે સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો હતો. છ વર્ષથી અમે એ દિવસની રાહ જોઈ રહ્યા છીએ જ્યારે પુત્રીના અપરાધીઓને ફાંસી ઉપર લટકાવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, અમે શરૂઆતથી જ જાણતા હતા કે, રિવ્યુ પિટિશનને ફગાવી દેવામાં આવશે પરંતુ હવે શું થશે. ખુબ સમય પસાર થઇ ચુક્યો છે. મહિલાઓની સામે હજ પણ ખતરો છે. ટુંકા ગાળામાં જ અપરાધીઓને ફાંસી થવી જોઇએ. અન્ય મહિલાઓની સુરક્ષા થાય તે માટે વહેલીમાં વહેલી ફાંસી અપરાધીઓને થવી જોઇએ. નિર્ભયાની માતા આશાદેવીએ કહ્યું હતું કે, તેમની પુત્રી સાથે જે બર્બરતા થઇ હતી તેનાથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યો હતો. આવા અપરાધીઓ સાથે કોઇપણ પ્રકારની દયા રાખવી યોગ્ય નથી. અમે સમગ્ર પરિવારના લોકો અને નિર્ભયા માટે સંઘર્ષ કરનાર તરફથી સુપ્રીમ કોર્ટનો આભાર માનીએ છીએ.