પશ્ચિમ બંગાળમાં ખેડૂતોના મુદ્દે મમતા બેનર્જી પર તેજાબી પ્રહારો સાહસ અને સંકલ્પ છે તો સિન્ડીકેટ પણ તૂટી શકે : મોદીની સ્પષ્ટ વાત

પશ્ચિમ બંગાળમાં ખેડૂતોના મુદ્દે મમતા બેનર્જી પર તેજાબી પ્રહારો
સાહસ અને સંકલ્પ છે તો સિન્ડીકેટ પણ તૂટી શકે : મોદીની સ્પષ્ટ વાત

માં, માટી અને માનુષની વાતો કરનારની પાછળ આઠ વર્ષના અસલી ચહેરાને આજે બંગાળના લોકો જોઈ ચુકયા છે : હાલમાં બંગાળમાં પૂજા કરવી મુશ્કેલ
મિદનાપુર, તા.૧૬
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળમાં ખેડૂતોના મુદ્દાઓ મારફતે પશ્ચિમ બંગાળ સરકાર ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા. સાથે સાથે અન્ય વિરોધ પક્ષો ઉપર પણ પ્રહાર કર્યા હતા. વડાપ્રધાને કહ્યું હતું કે ખેડૂતો માટે કોઈએ પણ કોઈ વિચારણા કરી નથી. મોદીએ દાવો કર્યો હતો કે તેમની સરકારે ખેડૂતો માટે એમએસપી વધારીને દેશના અન્નદાતાની આવક વધારવા માટેનું કામ કર્યું છે. સરકારની સિદ્ધિઓને રજુ કરતા વિરોધ પક્ષો પર તેજાબી પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં હવે પૂજા કરવાની બાબત પણ મુશ્કેલ બની ગઈ છે. ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળ સરકાર સિન્ડીકેટ તરીકે છે. મોદીએ કહ્યું હતું કે અહીં સિન્ડીકેટને પૈસા આપ્યા વગર કામ કરવું ખૂબ મુશ્કેલ છે. વડાપ્રધાનની આ રેલીમાં ૨૦૧૯ની ચૂંટણી માટે અભિયાનની શરૂઆત તરીકે જોવામાં આવે છે. મમતા બેનર્જીની જોરદાર રીતે ઝાટકણી સમગ્ર કાર્યક્રમ દરમિયાન મોદીએ કાઢી હતી. ભાષણની શરૂઆતમાં મોદીએ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પ્રહાર કરતા કહ્યું હતું કે રેલીના સ્થળ પર મમતા બેનર્જીના હોર્ડીંગ મુકવામાં આવ્યા છે. મોદીએ ઉમેર્યું હતું કે મમતા વડાપ્રધાનના સ્વાગત માટે પોતે હાથ જોડીને ઉપસ્થિત છે. મોદીએ ઉમેર્યું હતું કે તેઓ મમતા બેનર્જીનો આભાર માને છે કારણ કે તેમના હોર્ડિંગમાં હાથ જોડીને ઉભેલા નજરે પડે છે. કારણ કે મમતા બેનર્જી પોતે હાથ જોડીને ફોટામાં તેમના સ્વાગત માટે દેખાઈ રહ્યા છે. ચારેબાજુ પોતાના હોર્ડીંગ મુકવામાં આવેલા છે. મોદીએ કહ્યું હતું કે ખેડૂતોના હિતમાં સમર્થન મૂલ્ય વધારવા માટેનો જે નિર્ણય તેમની સરકાર દ્વારા કરવામાં આવ્યો છે તેના કારણે મમતા બેનર્જી પણ હેરાન છે. તેમના નિર્ણયના કારણે તૃણમૂલ કોંગ્રેસને પણ તેમના સ્વાગત માટે ધ્વજ લગાવવાની ફરજ પડી છે. મોદીએ ઉમેર્યું હતું કે પશ્ચિમ બંગાળ સરકાર એક સિન્ડીકેટ તરીકે છે. પશ્ચિમ બંગાળની સરકારની કામગીરી અમે સંપૂર્ણપણે જાણીએ છીએ. ખેડૂતોને લાભ નથી. ગરીબોનો વિકાસ થયો નથી. યુવાનોને તકો મળી રહી નથી. માં, માટી અને માનૂસની વાત કરનારની પાછળ રહેલા આઠ વર્ષના અસલી ચહેરાને લોકો જાણી ચુક્યા છે. બંગાળના લોકો હવે તકની રાહ જોઈ રહ્યા છે. વડાપ્રધાને કહ્યું હતું કે બંગાળમાં હવે પૂજા કરવાની બાબત મુશ્કેલ બની ગઈ છે. રાજ્યમાં લોકશાહી રક્તરંજિત છે. ડાબેરી સરકારથી મુક્તિ આના માટે મેળવવામાં આવી ન હતી. વોટબેંકની રાજનીતિ, એકબીજાને ખુશ કરવાની નીતિના કારણે બંગાળમાં સિન્ડીકેટની સરકાર છે. અહીં પૈસા આપ્યા વગર કોઈ કામ થતા નથી. કોલેજમાં એડમિશન માટે પણ પૈસા ચૂકવવા પડે છે. બંગાળમાં આજે લેફ્ટ કરતા પણ ખતરનાક અને ખરાબ સ્થિતિ છે. બંગાળમાં પંચાયતી ચૂંટણી પણ આતંક અને હિંસા વચ્ચે યોજાઈ હતી. મોદીએ ઉમેર્યું હતું કે જે ધરતીથી વંદેમાતરમ્‌, જનગણમનની ધૂન ગુંજી ઉઠી હતી તેજ ધરતીથી આ સિન્ડિકેટ પોતાની વોટબેંક અને તુષ્ટીકરણની રાજનીતિ કરી રહ્યા છે. અમારા દલિત કાર્યકરોની હત્યા કરવામાં આવી છે. બંગાળ સરકાર પર પ્રહાર કરતા મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે દરેક અત્યાચારનો અંત આવે છે. લોકશાહીમાં વિશ્વાસ નહીં હોવાની સ્થિતિમાં હિંસા ફેલાવવામાં આવી રહી છે. બંગાળના લોકો પણ હવે યોગ્ય તકમાં છે. બંગાળમાં ઉપસ્થિત લોકોને સંબોધતા મોદીએ કહ્યું હતું કે વિભાજીત નહીં બલ્કે સંગઠિત થઈને વિચારવાની જરૂર છે. પડોશી ત્રિપુરામાં લોકો કમાલ કરી ચુક્યા છે. જો સાહસ છે, સંકલ્પ છે તો સિન્ડીકેટ પણ હલી શકે છે. ભારે વરસાદની સ્થિતિ હોવા છતાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મોદીએ સંબોધનમાં એમ પણ કહ્યું હતું કે દેશ આજે પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. એક સંકલ્પ સ્વતંત્રતાના ગાળા વેળા લેવામાં આવ્યો હતો. આજે સવા સો કરોડ ભારતીય લોકો ન્યુ ઈન્ડિયાના સંકલ્પને લઈને આગળ વધી રહ્યા છે. સમાજમાં દરેક વર્ગ, ગરીબ, કિસાન, મહિલાઓ અને દલિત દેશને આગળ લઈ જવા માટે તેની પ્રગતિ માટે જોડાઈ રહ્યા છે. ભાજપ સરકાર છેલ્લી વ્યક્તિ સુધી દરેક લાભ પહોંચે તેમ વિચારે છે. હાલમાં જ ખેડૂતોના એમએસપીની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. આ મામલે અનેક કમિટીઓ બની હતી પરંતુ ફાઈલો અટવાઈ પડતી હતી.