પુણેમાં મરાઠા અનામત આંદોલન હિંસક બન્યું; પોલીસે ૧૪૪મી કલમ લાગુ કરી

પુણેમાં મરાઠા અનામત આંદોલન હિંસક બન્યું; પોલીસે ૧૪૪મી કલમ લાગુ કરી
દેખાવકારોએ હિંસક બની જઈ ૨૫-૩૦ વાહનોને આગ લગાડી હતી એમણે ૪ શિવશાહી બસની તોડફોડ કરી

પુણે
મરાઠા સમાજને સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં ૧૬ ટકા બેઠક અનામત રાખવાની માગણી પર ચાલી રહેલા આંદોલને આજે ફરી મહારાષ્ટ્રમાં માથું ઉંચક્યું છે. પુણેમાં આંદોલને હિંસક વળાંક લીધો છે. પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતાં ચાકણ વિસ્તારમાં પોલીસે ૧૪૪મી કલમ લાગુ કરી દીધી છે જે અંતર્ગત ટોળું જમાવવા પર પ્રતિબંધ મૂકાઈ ગયો છે.ચાકણમાં દેખાવકારોએ હિંસક બની જઈ ૨૫-૩૦ વાહનોને આગ લગાડી હતી. એમણે ૪ શિવશાહી બસની તોડફોડ કરી નાખી હતી.દેખાવકારોએ કરેલા પથ્થરમારામાં એક ડીવાયએસપી સહિત અનેક પોલીસ અધિકારી ઘાયલ થયા છે.અનામતની માગણી માટે આજે મરાઠા ક્રાંતિ મોરચાએ પુણે શહેરમાં વિશાળ મોરચો કાઢ્યો હતો. એને કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. પુણેના ગ્રામીણ વિસ્તારમાં આજે સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો.પુણે-નાશિક હાઈવે પર આંદોલનકારોએ રસ્તા-રોકો કર્યું હતું અને મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા.પુણે-નાશિક હાઈવે સંપૂર્ણપણે બંધ છે.ચાકણમાં આંદોલનકારો અને પોલીસો વચ્ચે અથડામણ થયા બાદ દેખાવકારોએ રસ્તા પરના વાહનોની તોડફોડ કરી હતી અને આગ લગાવી હતી. એમણે એસ.ટી. બસોને પણ આગ લગાડી હતી.પોલીસોની મોટી ફોજ તહેનાત કરવામાં આવી છે.આંદોલનકારોને વિખેરવા પોલીસે અશ્રુવાયુના ૨૦ શેલ્સ ફોડ્યા હતા.તો બીજીબાજુ મહારાષ્ટ્ર કોંગ્રેસે પોતાના વરિષ્ઠ નેતાઓ અને વિધેયકોની બેઠક પછી રાજ્યપાલ વિદ્યાસાગર રાવને પોતાનો આવેદનપત્ર સોંપતા કહ્યું કે તે મરાઠા અનામતના મામલે હસ્તક્ષેપ કરે. કોંગ્રેસે મરાઠા સમુદાયને ૧૬ ટકા અનામત આપવાની માંગણી કરી છે.ઉલ્લેખનિય છે કે મરાઠા અનામતના મુદ્દે પર થયેલી ચર્ચા પછી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શનિવારે સર્વદળીય બેઠક બોલાવી હતી. જેમાં તમામ દળના નેતાઓએ મરાઠા અનામતને લઈને અલગ અલગ પહેલુઓ પર ચર્ચા કરી હતી. આ મુદ્દા પર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી.સર્વદળીય બેઠક પછી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અપીલ કરી કે સ્થિતિ શાંતિપૂર્ણ હોવી જોઈએ અને કોઈ પણ આકરા પગલા ન ભરવા જોઈએ. તેમણે કહ્યું કે રિપોર્ટ જમા કરવા માટે બેકવર્ડ આયોગને એક અનુરોધ કરવામાં આવ્યો છે કે ફરી અમે વિધાનસભાના વિશેષ સત્રને બોલાવીશું. તેમણે કહ્યું કે મરાઠા અનામત પર તમામ દળોનો એક વિચાર છે. અને અમે આ મામલે સર્વસંમતિથી ઉભા રહેવાનો નિર્ણય લીધો છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કહ્યું કે મેં ડીજીપીને નિર્દેશ આપ્યો છે કે તે લોકોની વિરુદ્ધ નોંધવામાં આવેલા કેસ, વિરોધ- પ્રદર્શનમાં ભાગ લેવો જેવા ગુનાઓ પાછા ખેંચવા જોઈએ. કેવળ પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવા જેવા ગંભીર મામલાઓ, આગ લગાવવા જેવા ગુનાઓમાં સામેલગીરીને પાછા ખેંચવામાં નહિં આવે.