બારડોલી, મહુવા, ચોર્યાસી, નવસારી, જલાલપોરમાં હાલત કફોડી દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવની સ્થિતિ : ૮ ઇંચથી વધારે વરસાદ

બારડોલી, મહુવા, ચોર્યાસી, નવસારી, જલાલપોરમાં હાલત કફોડી
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવની સ્થિતિ : ૮ ઇંચથી વધારે વરસાદ
મોટાભાગના વિસ્તારોમાં છથી આઠ ઇંચ વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતિ : બારડોલીમાં તણાઈ જવાથી એકનું મોત : જનજીવન સંપૂર્ણ ખોરવાયું

અમદાવાદ,તા. ૧૧
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવની સ્થિતિ સર્જાઈ ગઈ છે. અવિરત વરસાદ જારી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. સુરત જિલ્લામાં સૌથી વધુ હાલત કફોડી થઇ છે. મહુવામાં આઠ કલાકની અંદર જ આઠ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે જ્યારે બારડોલીમાં ૧૪ કલાકના ગાળામાં નવ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. ચોર્યાસીમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. પલસાણામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આવી જ રીતે ધરમપુરમાં છ ઇંચથી વધુ વરસાદ થયો છે. કપરાડામાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. નવસારીમાં ૧૪ કલાકમાં આઠ ઇંચથી વધુ વરસાદ થયો છે. જલાલપુરમાં સાત ઇંચથી વધુ વરસાદ થયો છે. ગણદેવીમાં ચાર, ચિખલીમાં છ ઇંચથી વધુ વરસાદ પડી ગયો છે. તમામ જગ્યાઓએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. નવસારી અને જલાલપોરમાં ભારે વરસાદના કારણે સ્કુલ કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. બારડોલીમાં બે યુવક તણાઈ ગયા બાદ એકનું મોત થયું છે. નવસારી જિલ્લામાં હાલત કફોડી બનેલી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ સહિતના પંથકોમાં મેઘરાજાએ આજે પણ સતત ૪થા દિવસે ભારે જોર બતાવ્યું હતું. આજે સુરત જિલ્લાના મહુવા, નવસારી અને જલાલપોર પર જાણે અવકાશી આફત વરસી હોય તેમ ગણતરીના કલાકોમાં દસ ઇંચ વરસાદ ખાબકતાં આ પંથકોમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. નવસારી-જલાલપોર તો જાણે આજે બેટમાં ફેરવાયા હતા. લોકોના ઘરો-દુકાનો અને બજારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. કયાંક ઘૂંટણસમા તો, કયાંક કેડસમા પાણી ભરાતાં સ્થાનિક પ્રજાજનો ભારે હાલાકીનો ભોગ બન્યા હતા. વરસાદી કહેરના કારણે નવસારી-જલાલપોરમાંથી ૬૦૦થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયુ હતું. અહીં જનજીવન ઠપ્પ થઇ ગયુ હતું. ગઇકાલે મેઘરાજાએ સૌરાષ્ટ્રનાં ગીર સોમનાથ જિલ્લાને ઘમરોળ્યો હતો અને રાત્રે ૧૨ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધીમાં કોડીનાર-સુત્રાપાડામાં મેઘ તાંડવ સર્જાયું હતું. મેઘરાજા સાંબેલાધારે વરસતા સુત્રાપાડામાં માત્ર ૬ કલાકમાં ૯ ઇંચ વરસાદ અને કોડીનારમાં ૮ ઇંચ વરસાદ નોંધાયો હતો. જેને પગલે સૂત્રાપાડા-કોડીનાર પંથકો જાણે બેટમાં ફેરવાયા હતા. સોમાત નદીમાં ઘોડાપૂર આવવાની સાથે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. બીજીબાજુ, દક્ષિણ ગુજરાતના વલસાડ-ઉમરગામ સહિતના પંથકો અને અમેરલીના રાજુલા, ખાંભા, જાફરાબાદ સહિતના પંથકોમાં સતત ત્રીજા દિવસે મેઘ મહેર જારી રહી હતી. અમરેલીના આ પંથકોમાં ગણતરીના કલાકોમાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાતા સ્થાનિક દલી, ધાતર, કાસરિયા, માલણ સહિતની નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. તો, સાથે સાથે પંથકોના મોટાભાગના વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા. સૂત્રાપાડામાં ભારે વરસાદના કારણે સરસ્વતી નદીમાં પૂર આવતાં પ્રાચી તીર્થ એવું માધવરાયજી મંદિર પાણીમાં ગરકાવ બન્યું હતું. દરમ્યાન આજે મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં મહુવા, નવસારી અને જલાલપોર પર જાણે અવકાશી આફત વરસાવી હતી. નવસારી-જલાલપોરમાં દસ-દસ ઇંચ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. પંથકોના તમામ નદી-નાળાઓ છલકાયા હતા. તો, ઠેર-ઠેર ઘૂંટણસમા અને કેડસમા પાણી ભરાઇ ગયા હતા. લોકોના ઘરોમાં, દુકાનોમાં અને બજારોમાં-કોમ્પલેક્ષમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા, જેને લઇ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. નવસારી-જલાલપોરના કેટલાય રસ્તાઓ બંધ થતાં અનેક વિસ્તારો સંપર્કવિહોણાં બન્યા હતા. તો ચીખલી તાલુકાના ૧૦ ગામોને જોડતાં રસ્તાઓ વરસાદી પાણી ફરી વળવાના કારણે ઠપ્પ થયા હતા. નવસારીમાં વિજલપોર, ધરમપુર, કાલિયાવાડી સહિતના પંથકોમાં સૌથી વધુ અસર જોવા મળી હતી. ૮૦થી વધુ સોસાયટીઓ પાણીમાં ગરકાવ બની હતી. પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવતાં તંત્રને એલર્ટ કરી દેવાયું અને નદીકાંઠાના વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. દરમ્યાન હાલોલ, વાલોડ અને વલસાડ પંથકમાં પણ પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાતા મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. આજે રાજયના ૪૬ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડયો હતો. જેમાં વડોદરા, વેરાવળ, વ્યારા, બારડોલી, ચીખલી, ખેરગામ, કપરાડા, પારડી સહિતના આઠ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. તો, માળીયા, માંગરોળ, કોડીનાર, સૂત્રાપાડા, ધરમપુર, ડાંગ અને વઘઇ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. વલસાડના મધુબન ડેમમાં ઉપરવાસના ભારે વરસાદને કારણે ડેમના ચાર દરવાજા એક મીટર સુધી ખોલવામાં આવ્યા હતા. તો બીજીબાજુ, સરદાર સરોવર ડેમમાં પણ જળસપાટી સતત વધી રહી છે. દર કલાકે ડેમની સપાટી એક સે.મી વધી રહી છે. ડેમમાં ૬૧૮૫ કયુસેક પાણીની સતત આવક થઇ રહી છે.