ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટ્‌વેન્ટી-૨૦નો તખ્તો તૈયાર

આજે માનચેસ્ટરમાં રોમાંચક જંગ ખેલાશે
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટ્‌વેન્ટી-૨૦નો તખ્તો તૈયાર
આયર્લેન્ડ સામે શ્રેણી ૨-૦થી જીતી લીધા બાદ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમનો નૈતિક જુસ્સો આસમાન ઉપર

માનચેસ્ટર,તા. ૨
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લાંબી ક્રિકેટ શ્રેણીની આવતીકાલે મંગળવારે શરૂઆત થઇ રહી છે. આ શ્રેણીના ભાગરૂપે સૌથી પહેલા ટ્‌વેન્ટી મેચો રમાનાર છે. જે પૈકીની પ્રથમ ટ્‌વેન્ટી મેચ આવતીકાલે માનચેસ્ટર ખાતે રમાનાર છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે હાલમાં જ આયર્લેન્ડ પર ટ્‌વેન્ટી શ્રેણીમાં ૨-૦થી જીત મેળવી છે. આવી સ્થિતીમાં આ શ્રેણીમાં ટીમના ખેલાડીઓ ઉંચા નૈતિક જુસ્સા સાથે મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમના અંતિમ ૧૧ ખેલાડી હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી.ઇંગ્લેન્ડની ટીમ હાલમાં જોરદાર ફોર્મમાં ચાલી રહી છે. ઇંગ્લેન્ડે હાલમાં જ પાંચ વનડે મેચોની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા પર ૫-૦થી જીત મેળવી હતી. ઇંગ્લેન્ડની ટીમના તમામ ખેલાડીઓ જોરદાર ફોર્મમાં ચાલી રહ્યા છે તે જોતા મેચ ખુબ જ રોમાંચક બની રહેશે. ભારતીય ટીમ સંપૂર્ણ તાકાત સાથે ઇંગ્લેન્ડ સામે મેદાનમાં ઉતરશે. વિરાટ કોહલી ઉપરાંત શિખર ધવન, મહેન્દ્રસિંહ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર ઉપર તમામની નજર રહેશે. ઇંગ્લેન્ડ સામે ત્રણ વનડે મેચા રમ્યા બાદ બંને દેશો વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ બર્મિંગહામ ખાતે રમાશે. આ ટેસ્ટ મેચ પહેલી ઓગસ્ટથી શરૂ થશે. પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ સાતમી સપ્ટેમ્બરથી રમાશે જે ૧૧મી સપ્ટેમ્બર સુધી ચાલશે. ક્રિકેટ નિષ્ણાતો પણ માની રહ્યા છે કે, લાંબા ગાળા બાદ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની આ શ્રેણી રોમાંચક રહેશે. ઇંગ્લેન્ડની ટીમ હાલમાં ખુબ જ સંતુલિત ટીમ દેખાઈ રહી છે જેથી વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની કસોટી થશે. ઇંગ્લેન્ડના તમામ ખેલાડીઓ હાલમાં ધરખમ ફોર્મ ધરાવે છે જેથી ઓસ્ટ્રેલિયાની ટીમ ઉપર ઇતિહાસમાં પ્રથમ વખત વનડે શ્રેણી ૫-૦થી જીતી શક્યા છે. પાંચમી અને અંતિમ વનડે મેચમાં પણ શાનદાર જીત મેળવી હતી . હાલમાં આયર્લેન્ડ સામેની બીજી ટ્‌વેન્ટી મેચ પણ ૧૪૩ રને જીતી લીધી હતી. આની સાથે જ તરરાષ્ટ્રીય મેચમાં કેટલાક નવા રેકોર્ડ પણ સર્જાયા હતા. ભારતે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ૨૦ ઓવરમાં ચાર વિકેટે ૨૧૩ રન કર્યા હતા. જેના જવાબમાં આયર્લેન્ડની ટીમ ૭૦ રન કરી આઉટ થઇ ગઇ હતી. બંને ટીમો નીચે મુજબ છે.
ઇંગ્લેન્ડ : મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જોની બેરશો, જેટ બેલ, જોસ બટલર, શામ કુરેન, ટોમ કુરેન, એલેક્સ હેલ્સ, ક્રિસ જોર્ડન, લિયામ પ્લન્કેટ, અદિલ રશીદ, જોઈ રુટ, જેશન રોય, ડેવિડ વિલિ
ભારત : કોહલી (કેપ્ટન), યુજવેન્દ્ર ચહેલ, દિપક ચહર, શિખર ધવન, એમએસ ધોની, દિનેશ કાર્તિક, સિદ્ધાર્થ કોલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, મનિષ પાંડે, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, લોકેશ રાહુલ, સુરેશ રૈના, રોહિત શર્મા, ઉમેશ યાદવ, જસપ્રિત બુમરાહ, વોશિંગ્ટન સુંદર