મુખ્યપ્રધાન રૂપાણી અસરગ્રસ્ત વિસ્તારોમાં : સ્થિતિની સમીક્ષા

રૂપાણીનો સાંજે કાફલો વેરાવળ ખાતે પહોંચ્યો
મુખ્યપ્રધાન રૂપાણી અસરગ્રસ્ત વિસ્તારોમાં : સ્થિતિની સમીક્ષા
ખરાબ હવામાનના લીધે કેશોદમાં ઉતરાણની તક ન મળી આજે મળનાર કેબિનેટની બેઠક રદ કરવાનો નિર્ણય કરાયો

 

rupali

અમદાવાદ,તા. ૧૭
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ અસરગ્રસ્ત વિસ્તારોની માહિતી મેળવવા માટે પહોંચી ગયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હેલિકોપ્ટરને ખરાબ હવામાનના કારણે કેશોદ વિમાની મથકે ઉતરાણ કરવાની પહેલા મંજુરી મળી ન હતી. રૂપાણીએ આજે સતત બીજા દિવસે પણ એરફોર્સના ખેસ હેલિકોપ્ટર મારફતે રવાના થયા હતા. પુરની સમીક્ષા પણ કરી હતી. આવતીકાલે બુધવારના દિવસે મળનારી કેબિનેટ બેઠક પણ રદ કરી દેવામાં આવી છે. રાજકોટ જતી વેળા ખરાબ હવામાનના લીધે મુખ્યમંત્રીના હેલિકોપ્ટરને જેતપુરમાં ઉતરાણ કરવાની ફરજ પડી હતી. મંત્રીમંડળના સભ્યોને પણ પુરગ્રસ્ત વિસ્તારોમાં જઇને નિરીક્ષણ કરવા કહેવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ગીરસોમનાથ જિલ્લામાં પહોંચ્યા હતા અને પુર અને અતિવૃષ્ટિથી ઉભી થયેલી સ્થિતિની સમીક્ષા કરી હતી.
મોડેથી રૂપાણી વેરાવળ કલેક્ટર ઓફિસમાં પહોંચ્યા હતા. જ્યાં જરૂરી માહિતી મેળવી હતી. કેશોદથી તેમનો કાફલો વેરાવળ પહોંચ્યો હતો. કલેક્ટર ઓફિસમાં થોડાક સમય સુધી બેઠક ચાલી હતી. બીજા બાજુ ગીર સોમનાથ જીલ્લો છેલ્લા એક અઠવાડિયાથી મેઘ મહેર તરબોળથી ભીંજાઈ રહ્યો છે. ગીર-સોમનાથ જીલ્લામાં આજે સવારના ૬ થી સાંજના ૬ સુધી પડેલ વરસાદ વેરાવલ ૨૪ મીમી, તલાલા ૮૪ મી.મી સુત્રાપાડા ૪૦ મી.મી, કોડીનાર ૬૫ મી.મી ઊના ૨૭૯ મીમી, ગીરગઢડા ૩૬૪ મીમી અને હજુ પણ ધીમીધારે વરસાદ ચાલુ છે. હિરણ-૨ ડેમ ઉપર ૫૭૭ મીમી વરસાદ પડેલ છે અને ડેમના ચાર દરવાજા આજે સવારે ૧૦.૧૫ કલાકે અડધો-અડધો ફુટ એટલે ૦.૧૫ મીટર ખુલવામાં આવ્યા હતા અને ૪૬.૩૧ ક્યુસેક પાણીનો જથ્થો વહેતો કરાયો હતો. નીચાણવાળા વિસ્તારોને સલામતીની જાણ કરવામાં આવી હતી. ત્રિવેણી સરસ્વતી નદી હિરણમાં જોરદાર પુર આવતા લોકોના ટોળા પુર જોવા ઉમટ્યા હતા.

ગીર-સોમનાથ પહોચીને મુખ્યમંત્રીશ્રીએ

અતિવૃષ્ટિ-પૂરથી સર્જાયેલી સ્થિતીની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી

……

-: શ્રી વિજયભાઇ રૂપાણી :-

  • વડાપ્રધાનશ્રી અને વડાપ્રધાન કાર્યાલય ગુજરાતની વરસાદની આફતની સ્થિતિ અંગે સતત સંપર્કમાં રહી વાકેફ થઇ રહયા છે
  • વડાપ્રધાનશ્રીના તા.ર૦ જુલાઇના ગુજરાતના કાર્યક્રમો મૂલત્વી
  • ગીર-સોમનાથ-જૂનાગઢ જિલ્લામાં બચાવ-રાહત કાર્યોમાં સહાયતા માટે એસ.આર.પી.ની એક એક કંપનીઓ ફાળવાશે
  • ગીર-સોમનાથમાં વરસાદથી અતિપ્રભાવિત ગામોમાં ઉચ્ચ અધિકારીઓ કેમ્પ કરી રાહત કાર્યો વેગવાન બનાવે
  • વરસાદી આફતનો ભોગ બનેલા વિસ્તારોમાં તંત્ર-સમાજ-સેવા સંસ્થાઓ-સરકાર સૌના સક્રિય સહયોગથી મુશ્કેલી-હાલાકી નિવારવાની પ્રતિબધ્ધતા

……

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મંગળવારે મોડી સાંજે ગીર-સોમનાથ પહોચીને અતિવૃષ્ટિ-પૂરથી સર્જાયેલી સ્થિતીની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી હતી.

તેમણે જેતપૂરથી મોટરમાર્ગે ગીર-સોમનાથ પહોચ્યા બાદ જિલ્લાતંત્ર પાસેથી વિગતો મેળવી બચાવ-રાહત કામોનું માર્ગદર્શન કર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, અત્યારે સમગ્ર તંત્ર બચાવ-રાહત કામોને તેમજ ભરાયેલા પાણી ર૪ કલાકમાં નિકાલ થાય તે માટે ફોકસ કરી રહ્યું છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ગીર ગઢડા, ઊના, કોડીનારના જે ગામો હાઇલી અફેકટેડ છે તે ગામોમાં અધિકારીઓ કેમ્પ કરીને રાહત કાર્યો ઉપાડી લે તેવી તાકીદ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ મુખ્ય સચિવ શ્રી જે. એન. સિંહ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન અને વરિષ્ઠ અધિકારીઓને સાથે રાખી જિલ્લા વહીવટીતંત્ર સાથે યોજેલી આ સમીક્ષા બેઠકમાં સમગ્ર સ્થિતીનો તલસ્પર્શી ચિતાર મેળવ્યો હતો.

તેમણે ઉમેર્યું કે, ગીર ગઢડા-ઊના કોડીનાર સહિતના વિસ્તારોમાં મૂશળધાર વરસાદે રેકર્ડ તોડી નાંખ્યા છે. પરંતુ તંત્રની સર્તકતા અને સમયસરની કામગીરીને પરિણામે જાનહાનિ નિવારી શકાઇ છે. માત્ર ૧ જ માનવ મૃત્યુ થયું છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને પ્રધાનમંત્રી કાર્યાલય ગુજરાતની આ વરસાદી આફતની સ્થિતી અંગે ચિંતીત છે અને સતત સંપર્કમાં છે તેમ પણ જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે અસરગ્રસ્ત જિલ્લાઓનું સમગ્ર તંત્ર બચાવ-રાહત કામગીરીમાં જોડાયેલું છે તેના પર કેન્દ્રીત રહી શકે તે હેતુથી વડાપ્રધાનશ્રીનો આગામી તા.ર૦ જુલાઇએ વલસાડ અને જૂનાગઢ સહિતના યોજાનારા કાર્યક્રમ મૂલત્વી રાખવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આ વરસાદે સર્જેલી મુશ્કેલી નિવારવા રાહત-બચાવ કામગીરીમાં તંત્ર, સમાજ, સરકાર, સેવા સંસ્થાઓ સૌની સક્રિયતાથી સમસ્યાના સમાધાન માટે તંત્રવાહકોનું માર્ગદર્શન કરવા મંત્રીશ્રીઓને જે તે જિલ્લાની જવાબદારી સોંપી છે.

આ મંત્રીઓ ત્યાં રહીને યોગ્ય સંકલન-માર્ગદર્શન કરી શકે તે માટે મંત્રીમંડળની બેઠક પણ મોકૂફ રાખી છે તેની વિગતો તેમણે આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં બચાવ-રાહત કામોમાં NDRFની ટીમ કાર્યરત છે તેમની સહાય માટે બેય જિલ્લામાં એક એક SRP કંપની ફાળવાશે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ગીર-સોમનાથમાં NDRF ટીમ દ્વારા પાણીમાં ફસાયેલાઓ માટે બચાવ-કામો તેમજ જે ૪ ગામોમાં વધારે પાણી છે ત્યાં ફૂડ પેકેટ પહોચાડવાની કામગીરીની સરાહના કરી હતી.

તેમણે જિલ્લાના માર્ગો, વીજ પૂરવઠાની સ્થિતીનો જાયજો લેતાં ઉમેર્યું કે વરસાદને કારણે સ્ટેટ હાઇવે, પંચાયત માર્ગો અને નેશનલ હાઇવે મળીને ૧૫ જેટલા માર્ગો પ્રભાવિત થયા છે તેનું રિપેરીંગ કામ વરસાદનો ઉઘાડ થતાં જ હાથ ધરી તેને ટ્રાન્સપોર્ટેશન યોગ્ય બનાવી દેવાશે.

૧૦ ગામોના વીજ પુરવઠાને અસર પહોચી છે તેમાંથી પાંચ ગામોમાં બુધવાર સવારે તથા અન્ય પાંચમાં બુધવાર સાંજ સુધીમાં પુરવઠો પૂનઃપ્રસ્થાપિત કરવા પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના કર્મયોગીઓ ઇજનેરો કાર્યરત છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વરસાદી આફતનો ભોગ બનેલા સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના સમગ્ર વિસ્તારોમાં બચાવ-રાહતના કામોમાં તંત્રની સક્રિયતા અને સઘન માર્ગદર્શન માટે તેઓ ગીર-સોમનાથ આવ્યા છે અને અન્ય મંત્રીશ્રીઓ પણ પ્રભાવિત વિસ્તારોમાં પહોચ્યા છે.

તેમણે ઉમેર્યુ કે, ઝડપી નિર્ણયો કરીને પ્રજાજીવનને પડતી હાલાકી સમસ્યા નિવારવાના તમામ પ્રયાસો સરકાર કરી રહી છે.

આ સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના સ્થાનિક તંત્ર વાહકોએ ઉપસ્થિત રહી મુખ્યમંત્રીશ્રીને સ્થિતીથી વાકેફ કર્યા હતા.