the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગાંધીનગરમાં ગુજરાત પોલીસ આવાસ નિગમ વડી કચેરીનું લોકાર્પણ

મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગાંધીનગરમાં

ગુજરાત પોલીસ આવાસ નિગમ વડી કચેરીનું લોકાર્પણ

રૂ. ૮.૭૦ કરોડના ખર્ચે ર૯૩૮ ચો.મીટરમાં નિર્માણ પામ્યુ છે-પોલીસ આવાસ નિગમ ભવન

પોલીસ સેવાઓને આધુનિક ઓપ આપતા સુવિધાસભર-ગુણવત્તાયુકત ભવનો- કચેરીઓ-આવાસોના નિર્માણની નેમ વ્યકત કરતા મુખ્યમંત્રીશ્રી નવા બંધાનારા ભવનોમાં ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ-સોલાર એનર્જી-વોટર મેનેજમેન્ટ કન્સેપ્ટનો વિનિયોગ કરવા શ્રી વિજયભાઇ રૂપાણીનો અનુરોધ

  • ગુજરાત પોલીસ આવાસ નિગમે ૩૬૮પ૬ રહેણાંક મકાનો રૂ.ર૧રર કરોડના ખર્ચે તૈયાર કર્યા
  • ર૯૪૮ બિન રહેણાંક મકાનો રૂ. ૧૪૦૬ કરોડના ખર્ચે બનાવ્યા
  • અમદાવાદ પોલીસ કમિશનરની અદ્યતન નવિન કચેરી રૂ. ૮૦ કરોડના અંદાજીત ખર્ચે પોલીસ આવાસ નિગમ દ્વારા નિર્માણ કરાશે

        મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં પોલીસ સેવાઓને આધુનિક ઓપ આપતાં સુવિધાસભર-ગુણવત્તાયુકત ભવનો, કચેરીઓ તેમજ કર્મયોગી આવાસો નિર્માણની નેમ વ્યકત કરી છે.

        આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, કઠીન પરિસ્થિતિમાં કાર્ય કરતા પોલીસકર્મીઓને કામકાજના સ્થળે અને વિરામ દરમિયાન પોતાના નિવાસે ફ્રેશનેસ-સ્ટ્રેસ ફ્રી વાતાવરણ અનુભવાય તેવી  મોકળાશ વાળી કચેરીઓ-આવાસો પોલીસ આવાસ નિગમ નિર્માણ કરે છે તે અભિનંદનીય છે.

        મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં સેકટર-૧૦-બી માં ર૯૩૮ ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલી રૂ.૮.૭૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલી ગુજરાત પોલીસ આવાસ નિગમ લી.ની વડી કચેરીનું ગૃહ રાજ્યમંત્રી
શ્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ઉદઘાટન કર્યું હતું.

        શ્રી વિજયભાઇ રૂપાણીએ ઘણા લાંબા સમય બાદ નિગમને પોતાનું આગવું ભવન મળવા અંગે આનંદ વ્યકત કરતાં કહ્યું કે, પોલીસ આવાસ નિગમ રાજ્યમાં ગુણવત્તાયુકત, ઝડપી અને ટાઇમ બાઉન્ડ આવાસ-કચેરીઓના બાંધકામમાં અગ્રેસર રહે તેવી અપેક્ષા છે.

        મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુડ ગર્વનન્સથી શ્રેષ્ઠ કાર્યસ્થળોના નિર્માણની જે દિશા આપી છે તેને આપણે વર્કકલ્ચરમાં બદલાવ અને કોર્પોરેટ ટાઇપ ભવનો-સુવિધાઓથી જાળવી રાખવાની છે.

        તેમણે આવાસ નિગમ દ્વારા હવે નિર્માણ થનારા આવાસો, ભવનો-કચેરીઓ ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ, સોલાર પેનલ્સ અને વોટર મેનેજમેન્ટના કન્સેપ્ટ સાથે બનાવવાનું પ્રેરક સૂચન પણ આ વેળાએ કર્યું હતું.

        શ્રી વિજયભાઇએ રાજ્યમાં પ્રવર્તમાન પોલીસ લાઇનોના મકાનોની મરામત દુરસ્તી હાથ ધરવા પણ નિગમને પ્રેરણા આપી હતી.

        ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા અત્યાર સુધીમાં વિવિધ કક્ષાના ૩૬૮પ૬ રહેણાંક મકાનોનું બાંધકામ રૂ. ર૧રર કરોડના અંદાજીત ખર્ચે હાથ ધરાયુ છે તેમાંના ૩પ૧૩૪ મકાનો સરકારને વપરાશ હેતુ સુપરત કરી દેવાયા છે.

        નિગમે ર૯૪૮ બિનરહેણાંક મકાનો રૂ.૧૪૦૬ કરોડના ખર્ચે બાંધવાનું કામ હાથ ધરીને ૧૬૦૦ આવાસો વપરાશ માટે સોંપી દીધા છે.

        આ નિગમ દ્વારા અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રીની નવિન કચેરી રૂ. ૮૦ કરોડના અંદાજીત ખર્ચે નિર્માણાધિન છે. એટલું જ નહિ, નિગમે ACB ભવન, હોમગાર્ડ ભવન, નશાબંધી ભવન, જેલ ભવન તેમજ કમાન્ડો ટ્રેનીંગ સેન્ટરના નિર્માણ પ્રોજેકટસ પણ હાથ ધરેલા છે.

        આ નિગમ દ્વારા વન, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, હોર્ટિકલ્ચર વિભાગ, પાઠય પુસ્તકમંડળ, ઘેટાં ઊન  વિકાસ નિગમ વગેરેના બાંધકામો પણ હાથ ધરાયા છે.

        ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ આ અવસરે રાજ્યમાં પોલીસ કર્મીઓને બે રૂમ રસોડાના સંપૂર્ણ સુવિધા સજ્જ મકાનો આપવાની સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.

        તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે ગૃહ વિભાગ માટે રૂ. પપ૦ કરોડનું માતબર બજેટ ફાળવ્યું છે. રાજ્ય પોલીસ દળમાં ભરતી વધતાં આવાસ અને મોકળાશ ભરી કચેરીઓનો સેટિફેકશન રેશિયો મેઇન્ટેઇન કરવા આવાસોની આવશ્યકતા પોલીસ આવાસ નિગમ પરિપૂર્ણ કરી રહ્યું છે.

        ગૃહ રાજ્યમંત્રીશ્રીએ પોલીસ વિભાગ માટે રહેણાંકના મકાનોની પ્રાપ્તિમાં ૮૦ ટકા પૂર્તતાનો લક્ષ્યાંક સિધ્ધ કરવા પણ આવાસ નિગમના ઇજનેરો, કર્મયોગીઓને અનુરોધ કર્યો હતો.

        પ્રારંભમાં ગુજરાત પોલીસ આવાસ નિગમના અધ્યક્ષ શ્રી ડી. ડી. પટેલે નિગમની કાર્યપ્રણાલિ અને પોલીસ દળ માટે સુવિધાસજ્જ આવાસ-કચેરીઓ ભવનોના બાંધકામની વિશેષતાઓ આપી હતી.

        નિગમની આ વડી કચેરીના ઉદઘાટન વેળાએ પોલીસ આવાસ નિગમના મેનેજિંગ ડિરેકટર શ્રી મોહન ઝા, ગાંધીનગરના ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોર, મેયર પ્રવિણભાઇ પટેલ, નિગમના ડીરેકટરશ્રીઓ, અગ્રણીઓ, નિગમના પૂર્વ એમ.ડી. શ્રી આશીષ ભાટીયા, પી. સી. પાંડે તેમજ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તથા આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.