મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સંકેત આપ્યો હુકમ ન માનનાર અધિકારી સામે કાર્યવાહી કરવા તૈયારી

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સંકેત આપ્યો
હુકમ ન માનનાર અધિકારી સામે કાર્યવાહી કરવા તૈયારી
દિલ્હી તેમજ કેન્દ્ર સરકાર વચ્ચે ખેંચતાણ હજુ જારી રહેવા સંકેત : કાનૂની વિકલ્પ ઉપર સરકારની ફરીથી વિચારણા

નવીદિલ્હી,તા. ૫
દિલ્હી અને કેન્દ્ર સરકારની વચ્ચે અધિકારોની લડાઈ ફરી એકવાર સુપ્રીમ કોર્ટનો દરવાજે પહોંચે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ આજે કહ્યું હતું કે, અધિકારીઓ દ્વારા પ્રદેશ સરકારના આદેશોને પાલન કરવામાં આવી રહ્યું નથી. અધિકારીઓના ઇન્કારના કારણે દિલ્હી સરકાર પરેશાન દેખાઈ રહી છે. અધિકારીઓએ રાજ્ય સરકારના આદેશો નહીં પાળીને સુપ્રીમ કોર્ટના આદેશનું અપમાન કર્યું છે. આ વિષય પર કાયદાકીય વિકલ્પ ઉપર વિચારણા ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટના આદેશના એક દિવસ બાદ સિસોદિયાએ કહ્યું હતું કે, તેઓએ અધિકારીઓ અને કેન્દ્રને ચુકાદાઓને પાળવા માટે અપીલ કરી છે. કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ પણ બ્લોગ લખીને કહી ચુક્યા છે કે, સર્વિસ ઉપર સુપ્રીમ કોર્ટે કોઇપણ ચુકાદો આપ્યો નથી. આ રીતે આ વિષય દિલ્હી સરકારના અધિકાર ક્ષેત્રની બહાર છે. અરુણ જેટલીએ ટ્રાન્સફર અને પોસ્ટિંગના મામલામાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જવાબ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે, નાયબ રાજ્યપાલ ચૂંટાયેલી સરકારની સલાહ માનવા માટે બંધાયેલા છે અને તેઓ સરકારની કામગીરી આડે અડચણો ઉભી કરી શકેે નહીં. સિસોદિયાએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, મુખ્ય સચિવે તેમને પત્ર લખીને કહ્યું હતું કે, સેવા વિભાગ આદેશોનું પાલન કરશે નહીં. જો તેઓ આદેશ પાળશે નહીં તો બદલીની ફાઇલો હજુ પણ નાયબ રાજ્યપાલ જોશે અને બંધારણીય બેંચનું અપમાન થશે. વકીલો સાથે વાતચીત કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે આ સ્પષ્ટતા કરી દીધી છે કે, નાયબ રાજ્યપાલ માત્ર ત્રણ વિષયમાં દરમિયાનગીરી કરી શકે છે જેમાં સેવા વિભાગ સામેલ નથી. તેઓ અધિકારીઓની સાથે કેન્દ્રને પણ અપીલ કરવા માંગે છે કે, સુપ્રીમ કોર્ટના આદેશને પાળવામાં આવે. સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાના કલાકો બાદ જ દિલ્હી સરકાર દ્વારા અધિકારીઓની બદલીઓ અને ગોઠવણી માટે એક નવી પ્રણાલી શરૂ કરી હતી. આના માટે મંજુરી આપવાનો અધિકાર મુખ્યમંત્રી કેજરીવાલને આપવામાં આવ્યો છે. બીજી બાજુ સેવા વિભાગે એમ કહીને આદેશને પાળવાનો ઇન્કાર કરી દીધો છે કે, સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૧૬માં જારી કરવામાં આવેલા વટહુકમને દૂર કર્યો નથી જેમાં બદલીઓ અને તૈનાતીના અધિકાર ગૃહમંત્રાલયને આપવામાં આવ્યા હતા. દિલ્હીમાં કેજરીવાલ સરકાર અને નાયબ રાજ્યપાલ વચ્ચે ખેંચતાણ આગામી દિવસોમાં પણ જારી રહેવાના સંકેત દેખાઈ ર્હયા છે. અધિકારીઓના બદલીના મુદ્દે હવે આ જંગ ખેલાશે.