મેઘો મહેરબાન, દેશના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

જમ્મુ કાશ્મીર, તમિળનાડુ, આસામ, યુપીમાં વગરે રાજયોમાં ભારે વરસાદની અગાહી
મેઘો મહેરબાન, દેશના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
ભારે થી અતિભારે વરસાદની ચેતવણી બાદ દેશના જુદા જુદા રાજ્યો દ્વારા સંભવિત વાવાઝોડુ અને જળસંકટ સામે સાવચેતીનાં પગલા લેવાયા : આજે આસામ અને મેઘાલયમાં અતિભારે વરસાદની શક્યતા

નવીદિલ્હી,તા. ૨
જમ્મુ કાશ્મીર, તમિળનાડુ, આસામ અને ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ગયા સપ્તાહમાં મોનસુને નિર્ધારિત સમય કરતા ૧૭ દિવસ પહેલા સમગ્ર દેશને મોનસુને આવરી લીધા બાદ હવે આઈએમડી તરફથી ચેતવણી જારી કરવામાં આવી છે. આઈએમડીના કહેવા મુજબ ઉત્તરાખંડ, પૂર્વીય ઉત્તરપ્રદેશ સહિતના વિવિધ ભાગોમાં કેટલીક જગ્યાએ અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. બીજી બાજુ પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, આસામ, મેઘાલય સહિતના અનેક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. નિવેદનમાં હવામાન વિભાગે વિગત આપતા કહ્યું છે કે, હિમાચલ, પશ્ચિમી ઉત્તરપ્રદેશ, અરુણાચલ પ્રદેશના જુદા જુદા ભાગોમાં પણ ભારે વરસાદ થઇ શકે છે. ઉત્તર હરિયાણા, ચંદીગઢ, ઝારખંડ, ઓરિસ્સા, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કોંકણ, રાયલસીમા, તમિળનાડુમાં પણ ઘણી જગ્યાએ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આવતીકાલ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આસામ અને મેઘાલયમાં ઘણી જગ્યાઓ ઉપર અતિભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત પૂર્વીય ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને બિહારમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ઉત્તર હરિયાણામાં પણ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. બુધવાર માટેની ચેતવણીમાં જણાવવામાં આવ્યું છે કે, મેઘાલય, આસામ, કોંકણ અને ગોવામાં ભારે વરસાદ પડી શકે છે. ગુરુવારના દિવસે કોંકણ, ગોવા, દરિયાકાંઠાના કર્ણાટકમાં પણ અતિભારે વરસાદ થઇ શકે છે. ગુરુવારના દિવસે છત્તીસગઢ, ઓરિસ્સા, મેઘાલય, ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. શુક્રવારના દિવસે ઓરિસ્સો, કોંકણ અને ગોવામાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ચાર મહિના માટે મોનસુન સિઝનની શરૂઆત પહેલી જૂનના દિવસે થાય છે અને ૩૦મી સપ્ટેમ્બરે પૂર્ણ થાય છે. આવર્ષે દક્ષિણ પશ્ચિમ મોનસુન ૨૯મી મેના દિવસે કેરળમાં પહોંચી ગયું હતું. નિર્ધારિતરીતે મોનસુન બેસી જવાની તારીખના ત્રણ દિવસ પહેલા આની એન્ટ્રી થઇ હતી.
જૂનના પ્રથમ સપ્તાહમાં પશ્ચિમી દરિયાકાંઠા ઉપર વરસાદ થયો હતો. આગામી દિવસોમાં દેશભરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહી શકે છે. તાજેતરના સમયમાં તીવ્ર ગરમીના પરિણામ સ્વરુપે લોકોની હાલત કફોડી બની હતી. પારો ૪૫થી પણ ઉપર પહોંચ્યો હતો. હવે ભારતના જુદા જુદા ભાગોમાં વરસાદી માહોલ શરૂ થતાં તાપમાનમાં ઘટાડો થયો છે અને ગરમીથી લોકોને રાહત થઇ છે. ગુજરાતમાં પણ મોનસુનની એન્ટ્રી થઇ ચુકી છે.