મોંઘવારી વધી : wpi ફુગાવો વધી ૫.૭૭ ટકાની સપાટી પર

મોંઘવારી વધી : wpi ફુગાવો વધી ૫.૭૭ ટકાની સપાટી પર
શાકભાજીમાં ફુગાવો ૨.૫૧ ટકાથી વધીને જૂનમાં ૮.૧૨ ટકા થયો : બટાકા, ડુંગળીની કિંમતમાં પણ નોંધાયેલો વધારો : કઠોળની કિંમતમાં ઘટાડાનો દોર

નવી દિલ્હી, તા.૧૬
હોલસેલ પ્રાઈઝ ઉપર આધારિત ફુગાવાનો આંકડો આજે જારી કરવામાં આવ્યો હતો. શાકભાજી અને ફ્યુઅલની ચીજવસ્તુઓની કિંમતોમાં વધારો થવાના પરિણામ સ્વરૂપે જૂન મહિનામાં હોલસેલ પ્રાઈઝ ઉપર આધારીત ફુગાવો વધીને ૫.૭૭ ટકા સુધી પહોંચી ગયો છે. મે મહિનામાં હોલસેલ પ્રાઈઝ ઈન્ડેક્સ આધારીત ફુગાવો (ડબલ્યુપીઆઈ) ૪.૪૩ ટકા રહ્યો હતો. ગયા વર્ષે જૂન મહિનામાં આ આંકડો ૦.૯૦ ટકા હતો. સરકાર દ્વારા આજે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાતા માઈક્રો ઈકોનોમિક ડેટા જારી કરવામાં આવ્યા હતા. ખાદ્યાન્ન ચીજવસ્તુઓમાં રહેલા ફુગાવામાં વધારો થયો છે. આ ફુગાવો જૂન ૨૦૧૮માં ૧.૮૦ ટકા રહ્યો છે. જે અગાઉના મહિનામાં ૧.૬૦ ટકા હતો. શાકભાજીમાં ફુગાવો જૂન મહિનામાં વધીને ૮.૧૨ ટકા થયો છે. જે ગયા મહિનામાં ૨.૫૧ ટકા હતો. શાકભાજીની કિંમતમાં ઉલ્લેખનિય વધારો થતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને માઠી અસર થઈ છે. આવી જ રીતે ફ્યુઅલ અને પાવર બાસ્કેટમાં ફુગાવો જૂન મહિનામાં વધીને ૧૬.૧૮ ટકા થયો છે જે મે મહિનામાં ૧૧.૨૨ ટકા હતો. વૈશ્વિક ક્રુડ ઓઈલની કિંમતમાં વધારો થવાના પરિણામ સ્વરૂપે આ મહિના દરમિયાન સ્થાનિક ફ્યુઅલની કિંમતમાં વધારો થયો છે. જેમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધારો સામેલ છે. બટાકાના ફુવાવામાં ટોચની સપાટી જોવા મળી છે. મે મહિનામાં બટાકામાં ફુગાવો ૮૧.૯૩ ટકા હતો. જેની સામે વધીને ૯૯.૦૨ ટકા થયો છે. જ્યારે ડુંગળીની કિંમતમાં જૂન મહિનામાં વધારો થયો છે. ડુંગળીમાં ભાવ વધારો ૧૮.૨૫ ટકા સુધી રહ્યો છે જે અગાઉના મહિનામાં ૧૩.૨૦ ટકા હતો. કઠોળની કિંમતમાં ઘટાડાનો દોર જારી રહ્યો છે. જૂન મહિનામાં કઠોળમાં ફુગાવો ૨૦.૨૩ ટકા નોંધાયો હતો. એપ્રિલ મહિના માટે ડબલ્યુપીઆઈ ફુગાવો ૩.૬૨ ટકા રહ્યો હતો. ગયા સપ્તાહમાં જારી કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે રિટેઈલ ફુગાવો જૂન મહિનામાં પાંચ ટકા રહ્યો છે જે પાંચ મહિનાની ઉંચી સપાટી છે. આના માટે મુખ્ય કારણ ફ્યુઅલની વધતી જતી કિંમત રહી છે. મોનિટરી પોલિસી નક્કી કરતી વેળા રિટેઈલ ફુગાવાના આંકડાને આરબીઆઈ દ્વારા હંમેશા ધ્યાનમાં લેવામાં આવે છે. આરબીઆઈની આગાહી મુજબ જ ફુગાવો વધી રહ્યો છે. આરબીઆઈએ તેના રીટેઈલ ફુગાવાના અંદાજને અગાઉના ૪.૪ ટકાથી વધારીને ઓકટોબર-માર્ચના ગાળા દરમિયાન ૪.૭ ટકા કર્યો છે. તેની બીજી નાણાકીય નીતિ સમીક્ષામાં રિઝર્વ બેંકે ગયા મહિનામાં જ વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો વધારો કર્યો હતો. છેલ્લા ચાર વર્ષના ગાળામાં પ્રથમ વખત વધારો કરવામાં આવ્યો હતો. મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ પ્રથમ વખત વ્યાજદર વધારી દેવામાં આવ્યો હતો. વૈશ્વિક ક્રુડની કિંમતમાં વધારો જારી રહેતા સ્થાનિક કિંમતોમાં પણ વધારો થયો છે. આરબીઆઈની આગામી મહત્વપૂર્ણ બેઠખ ૩૦મી જુલાઈથી પહેલી ઓગસ્ટ દરમિયાન મળનાર છે જેમાં વ્યાજદર અંગે ચર્ચા થશે.