રાજ્યમાં ૩૩ જિલ્લાઓમાં આજે રથયાત્રા

રાજ્યમાં ૩૩ જિલ્લાઓમાં આજે રથયાત્રા
ગુજરાત : આજે ૧૬૪થી વધુ રથયાત્રા-શોભા યાત્રા યોજાશે
મોટી જનમેદનીવાળી અને સંવેદનશીલ રથયાત્રા પર ખાસ ધ્યાન કેન્દ્રિત હશે : તમામ જગ્યાએ સઘન સુરક્ષા વ્યવસ્થા

અમદાવાદ,તા.૧૩
જેની ઉત્સુકતાપૂર્વક શ્રદ્ધાળુઓ રાહ જોઇ રહ્યા હતા તે રથયાત્રા આવતીકાલે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં યોજાનાર છે. રથયાત્રાની તમામ તૈયારી છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહી હતી. ગુજરાતમાં આવતીકાલે વિવિધ વિસ્તારોમાં ૧૬૪થી વધારે રથયાત્રા અને શોભાયોત્રા યોજાનાર છે. ચાલુ વર્ષે ભગવાન જગન્નાથની ૧૧૭, અન્ય દેવી-દેવતાઓની ૪૭ મળી કુલ ૧૬૪ રથયાત્રા-શોભાયાત્રા નીકળશે. જેમાં ૧૫ જિલ્લામાં મોટી જનમેદનીવાળી ૧૮ સંવેદનશીલ રથયાત્રાઓ છે. આ માટે ખાસ ધ્યાન કેન્દ્રીય કરાયું છે. તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં યોજાનાર રથયાત્રા સંદર્ભે એસપી, ડીવાયએસપી કક્ષાના અધિકારીઓની નિયુક્ત કરીને પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. રથયાત્રા એ દેશભરમાં શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતિક છે ત્યારે રાજ્યભરમાં ૧૬૪ જેટલી રથયાત્રા-શોભાયાત્રા શ્રદ્ધાપૂર્વક વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ગૃહ વિભાગ સુસજ્જ છે. આવતીકાલે રાજ્યભરમાં યોજાનાર રથયાત્રા-શોભાયાત્રા સંદર્ભે ગાંધીનગર ખાતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરતા સરકારે કહ્યુ છે કે અમદાવાદ શહેર સહિત રાજ્યના ૩૩ જિલ્લાઓમાં ૧૬૪ જેટલી રથયાત્રા-શોભાયાત્રા નીકળે છે. આ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના સીધા માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગે વિશેષ કાળજી લઈને પૂરતો બંદોબસ્ત ગોઠવવાનું આયોજન કર્યું છે. રથયાત્રા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કોમી એખલાસનું વાતાવરણ જળવાઈ રહે તે માટે ખાસ પગલાં લેવાયા છે. અમદાવાદ સહિત જિલ્લાઓમાં યોજાનાર રથયાત્રાનું રાજ્યકક્ષાએથી સતત મોનીટરીંગ કરાશે. અન્ને ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લામાં કુલ ૧૧
જેટલી રથયાત્રા નીકળનાર છે તે અંગે ૧ આઈજી, ડીઆઈજી, ૧ એસપી, ૧૫ ડીવાયએસપી, ૩૬ પીઆઈ, ૧૧૦ પીએસઆઈ, કક્ષાના અધિકારીને જવાબદારી સોંપાઈ છે. એજ રીતે આણંદ જિલ્લામાં ૧૫ રથયાત્રા સંદર્ભે ૧ આઈજી, ડીઆઈજી, ૧ એસપી, ૬ ડીવાયએસપી, ૧૯ પીઆઈ, ૬૬ પીએસઆઈ તથા વડોદરા શહેરમાં યોજાનાર રથયાત્રા સંદર્ભે ૧૦ પીઆઈ અને ૨૦ પીએસઆઈ કક્ષાના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં ૧૭ જેટલી એસઆરપીએફની કંપનીઓ સ્ટેન્ડબાય રહેશે જે આકસ્મિક સંજોગોમાં રાજ્યના પોલીસ વડા દ્વારા ફાળવવામાં આવશે.રથયાત્રા દરમિયાન કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગૃહ વિભાગ અને પોલીસ ટીમ સંપૂર્ણપણે સજ્જ છે.
અમદાવાદની રથયાત્રા પર હમેંશા તમામ શ્રદ્ધાળુઓ અને દેશના લોકોની નજર રહે છે. આના માટે એક મહિના પહેલાથી જ તૈયારી શરૂ કરી દેવામાં આવે છે. જુદા જુદા રૂટ પર ચકાસણી પણ કરવામાં આવી ચુકી છે.