લોકસભામાં મોદી સરકાર સામે સૌપ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ, શુક્રવારે થશે ચર્ચા

લોકસભામાં મોદી સરકાર સામે સૌપ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ, શુક્રવારે થશે ચર્ચા

અવિશ્વાસના પ્રસ્તાવ મુદ્દે ચર્ચા કરવા સરકારે તૈયારી દર્શાવી

નવીદિલ્હી
આજથી સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ થઈ ગયો છે. સરકાર સામે સૌપ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર સામે વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને સ્પીકર સુમીત્રા મહાજને સ્વીકાર્યો હતો. અવિશ્વાસના પ્રસ્તાવ મુદ્દે ચર્ચા કરવા સરકારે તૈયારી દર્શાવી હતી અને સ્પીકરે શુક્રવારે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે તેમ સ્પીકરે જણાવ્યું હતું.
સંસદમાં મોદી સરકાર સામેનો અવિશ્વાસનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવતા સરકાર સામે મોટું સંકટ ઘેરાયું છે. જો કે એક અંદાજ મુજબ સરકાર પાસે સાંસદોનું સંખ્યાબળ પુરતું છે જેને પગલે સરકાર અવિશ્વાસનો પ્રસ્તાવ જીતી જાય તેવી પ્રબળ સંભાવના રહેલી છે. બહુમત માટે ૨૬૮ સંસદની જરૂર છે.અગાઉ આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ ભવન પહોંચ્યા હતા અને તેમણે પ્રેસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકાર રાષ્ટ્રના હિતમાં હોય તેવા તમામ વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવા માટે આ સત્રમાં તૈયાર છે. પીએમ મોદીએ તમામ રાજકીય પક્ષોને તેમનો સંસદમાં ફળદ્રુપ ચર્ચા કરવા તેમના સમયનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. જો કે પીએમ મોદીની અપીલ છતા વિપક્ષોએ મોબ લિન્ચિંગ મુદ્દે ગૃહમાં હોબાળો કર્યો હતો. ગૃહના અધ્યક્ષ સુમિત્રા મહાજને સંસદની કાર્યવાહી ચાલવા દેવા માટે સમજાવ્યા છતા વિપક્ષોએ ’વી વોન્ટ જસ્ટિસ’ના સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા. વિપક્ષે પ્રશ્નકાળના બહિષ્કારની પણ માંગ કરી હતી.સંસદના ચોમાસું સત્રમાં સરકાર ગૃહ ચલાવવા માટે વિપક્ષી પક્ષો પાસે સહકાર માંગી રહી છે, ત્યાં જ કોંગ્રેસનાં નેતૃત્વ હેઠળના વિપક્ષી પક્ષો નરેન્દ્ર મોદી સરકારને ઘેરવાની પુરી તૈયારી સાથે મેદાનમાં ઉતરશે. મહિલા આરક્ષણ બિલ, ટ્રિપલ તલાક અને હલાલ નિકાહ જેવા મુદ્દાઓ પર વિપક્ષ સાથે ઘર્ષણ થઈ શકે છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગૃહમાં મહિલા આરક્ષણ બિલ પાસ કરાવવા માટે સરકારને ગઈકાલે પત્ર લખીને તેમની સહમતિ હોવાનું જણાવ્યું છે. ભાજપના અસંતુષ્ટો દ્વારા સરકારને ઘેરવાના પ્રયાસ થઈ રહ્યા છે.મહિલા આરક્ષણ પર રાહુલે પીએમને લખ્યો પત્ર
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમને ગઈકાલે પત્ર લખીને સંસદમા મહિલા આરક્ષણ બિલ લાવવાની માંગ કરી હતી. રાહુલ તેમના પત્રમાં લખ્યું હતું કે કોંગ્રેસ સંસદમાં મહિલા આરક્ષણ બિલને સમર્થન આપશે. રાહુલે કહ્યું હતું કે સંસદ અને વિધાનસભામાં મહિલાઓને ૩૩ ટકા આરક્ષણ મળવું જોઈએ. આ વાત ઉપર યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ ગયા વર્ષે સરકારને પત્ર લખ્યો હતો. ઉલ્લેખનીય છે કે મહિલા આરક્ષણ બિલ છેલ્લા કેટલાય વર્ષોથી લટકેલું છે.રાજ્યસભાનાં વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદ અને લોકસભાનાં કોંગ્રેસી નેતા મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટીનાં નિર્ણયને જાહેર કરતા કહ્યું કે આ પ્રસ્તાવ માટે ૧૫ પક્ષોનો સહયોગ છે. આઝાદે જણાવ્યું કે બેઠકમાં હાજર ૧૨ પક્ષોએ નકકી કર્યુ છે કે સંસદમાં મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લવાશે. બેઠકમાં જે ચાર પક્ષોની ભાગીદારી નથી થઈ શકી તેમની સાથે પુનઃ વિચારણા કરવામાં આવશે.