the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

વિકાસની આંધળી દોડનાં દુષ્પરિણામ

વિકાસની આંધળી દોડનાં દુષ્પરિણામ

વિકાસની આપણી આંધળી અને દિશાહીન દોટનાં આ પરિણામો હજી બહુ ઝડપથી નજર સામે આવી રહ્યાં છે. દૂરગામી પરિણામો કેવાં હશે એ કોને ખબર! તે આપણને ચેતવાનો સમય પણ આપશે કે કેમ એ સવાલ છે

નવા નવા વિકસેલા શહેરી વિસ્તારમાં જોયું હશે કે ક્યારેક વાંદરાઓનું ટોળું એકાએક ધસી આવે છે અને કૂદાકૂદ કરીને તબાહી મચાવી દે છે. ‘અમારે અહીં બીજી બધી શાંતિ છે, પણ વાંદરાઓનો બહુ ત્રાસ છે.’ આવું ઘણા વિસ્તારના રહીશોને મોંએ સાંભળવા મળે છે. તેમની વાત સાચી છે. પણ આ સમસ્યાને વાનરોની દૃષ્ટિએ મૂલવવા જેવી છે, એમ કહીએ તો હાસ્યાસ્પદ લાગે, તેથી એમ કહીએ કે તેને સ્થાનિક નહીં, વ્યાપક સ્વરૂપે જોવા જેવી છે.આપણે જે સમસ્યાને ‘વાંદરાઓનો ત્રાસ’ કહીએ છીએ, એ ખરેખર તો આપણા દ્વારા વાનરો પર ગુજારાયેલો ત્રાસ છે. તેમના રહેણાક વિસ્તારમાં આપણે ઘૂસ મારી દીધી, તેમને રહેવા માટેનાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું અને ત્યાં સિમેન્ટ-કોન્ક્રીટનાં જંગલો ઉભાં કરી દીધાં. અલબત્ત, ન્યાય ખાતર પણ એટલું કહેવું જોઈએ કે આવો વ્યવહાર આપણે ફક્ત વાનરો સાથે જ કરીએ છીએ એમ નથી. મનુષ્યોને પણ આપણે છોડતા ન હોઈએ તો વાનરોની શી વિસાત? એક ચીજનું પહેલાં વગર વિચાર્યે નિકંદન કાઢીને તેને લુપ્તતાને આરે પહોંચાડી દેવી અને પછી તેની જાળવણી કરવા માટે જાતભાતના પ્રકલ્પો ઘડવા તેમજ એ પ્રકલ્પોની સફળતાની ગાથાઓ ગાઈને ગૌરવ લેવું-આ એક સામાન્ય ક્રમ બની રહ્યો છે. વૃક્ષ હોય કે વાઘ, આ હકીકત દરેક બાબત માટે સાચી છે. જીવમાત્રનો આદર કરવાનું જ્ઞાન આપણે થોથાંઓમાં જ પૂરી રાખ્યું છે, તેથી નાનામાં નાના જીવનું મૂલ્ય તેમજ મહત્તા દર્શાવતી પૌરાણિક કથા આપણી જીભને ટેરવે હશે, પણ વ્યવહારમાં એ ભાવના ભાગ્યે જ જોવા મળશે. ગણેશ ચતુર્થીના દિવસોમાં અસહ્ય ધ્વનિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ કે વાયુ પ્રદૂષણ ફેલાવ્યા પછી ગણેશજીની માટીની મૂર્તિઓ બનાવીને પર્યાવરણની જાળવણી કરવાની દુહાઈઓ આપવામાં આવે ત્યારે સો ઉંદરડાઓનો શિકાર કર્યા પછી હજ પર જતી બિલાડી સિવાય બીજું કશું યાદ ન આવે. ખુદ ગણેશજીની આ વલે આપણે કરી હોય તો ખરેખરા હાથીની શી હાલત કરી છે એ પણ જાણવા જેવું છે!સપ્ટેમ્બર મહિનાના પહેલા સપ્તાહમાં ઓરીસ્સા, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં એક યોજનાનો આરંભ કરવામાં આવ્યો. છેલ્લા દાયકામાં અસાધારણપણે વધી ગયેલી એક સમસ્યાના સંભવિત ઉકેલ માટે પહેલવહેલી વાર આ પાંચે રાજ્યોએ હાથ મિલાવ્યા. સમસ્યા વિશિષ્ટ છે. દેશની કુલ વસતીના દસ ટકા જેટલા હાથીઓ આ પાંચે રાજ્યોમાં મળીને છે. આમ છતાં માનવ-હાથી વચ્ચે થતા સંઘર્ષને લઈને પચાસ ટકાથી વધુ મૃત્યુ આ રાજ્યોમાં થાય છે. ૨૦૧૪ થી ૨૦૧૭ દરમ્યાન આ પાંચે રાજ્યોમાં થઈને ૭૫૦ થી વધુ માણસોનાં મૃત્યુ થયાં છે. અહીં દેખીતી રીતે એમ લાગે કે હાથીઓની રંજાડ વધી છે, જેને કારણે માનવો મૃત્યુ પામી રહ્યાં છે. પણ વાસ્તવિકતા શી છે?એ હકીકત છે કે વાઘની જેમ જ હાથીની પ્રજાતિની જાળવણી અગ્રતાક્રમે આવે છે. પણ વાઘ કરતાં હાથી એ રીતે અલગ પડે છે કે વાઘ મોટે ભાગે આરક્ષિત વિસ્તાર તરીકે ઘોષિત કરાયેલા વનના વિસ્તારમાં રહે છે, જ્યારે હાથીની સંખ્યાના ફક્ત વીસ ટકા હાથીઓ જ રાષ્ટ્રીય ઉદ્યાનો તેમજ અભયારણ્યોમાં હોય છે. દિનબદિન વનોનો આ વિસ્તાર સંકોચાઈ રહ્યો છે, તેને કારણે હાથીઓ હવે માનવવસતિવાળા પ્રદેશો તરફ સ્થળાંતર કરવા લાગ્યા છે. આશ્ચર્યજનક બાબત એ છે કે મધ્ય અને પૂર્વ ભારતના વિસ્તારોમાં અગાઉ કદી હાથીઓ માનવવસતિમાં આવ્યા હોવાનું નોંધાયું નથી. તેને બદલે આવા અનેક વિસ્તારોમાં હાથીઓ પ્રવેશી રહ્યા છે, અને તેમની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે.૧૯૮૦ સુધી ઓરિસ્સાના માત્ર ચૌદ જિલ્લાઓમાં હાથીની વસતિ મર્યાદિત હતી. તેને બદલે હવે આ હાથીઓ ત્રીસેક જિલ્લાઓમાં, એટલે કે રાજ્યભરમાં પ્રસરી ગયા છે. ‘સ્ટીલ સીટી’ તરીકે જાણીતા રૂરકેલામાં હાથીઓનાં ટોળાં આવી ગયાં હોવાના સમાચાર અવારનવાર પ્રસાર માધ્યમોમાં ચમકી રહ્યા છે. પશ્ચિમ બંગાળના દક્ષિણ પ્રદેશમાં પણ હાથીઓનું આગમન થવા લાગ્યું છે, જ્યાં પાંત્રીસેક વર્ષ અગાઉ હાથીઓ જોવા મળતા નહીં. છેલ્લા દોઢેક દાયકામાં ઝારખંડના સારંડા જંગલોમાંથી હાથીઓ છત્તીસગઢમાં સ્થળાંતર કરવા લાગ્યા છે. સારંડાનો વિસ્તાર ખાણોનો હતો, અને હવે ખાણોમાંનો પ્રાકૃતિક સ્રોત ખાલી થઈ ગયો છે. આ કારણે હાથીઓનું થયેલું સ્થળાંતર એ તારણ પર હકીકતને લાવી મૂકે છે કે માનવોનો અને તેમનો સ્રોત સમાન છે, અને તેના માટે બન્ને સ્પર્ધાત્મક વલણ અપનાવી રહ્યા છે.

હાથી કે અન્ય વન્ય પશુઓની તલાશ માટે સર્ચલાઈટ, ફટાકડા કે બંદૂકોના ધડાકાનો ઉપયોગ કરવાથી આ પ્રાણીઓ ભડકે છે, અકળાય છે અને ઉગ્ર વલણ અપનાવે છે. હાથીઓના સ્થળાંતરને અટકાવવા માટે બાંધવામાં આવેલી વાડ પણ નિરુપયોગી પુરવાર થઈ છે.આવી વિકટ પરિસ્થિતિના ઉકેલ માટે આ પાંચ રાજ્યોએ સંયુક્તપણે એવું આયોજન કર્યું છે કે હાથીઓના આવાસને મુખ્ય ત્રણ ક્ષેત્રોમાં વિભાજીત કરવામાં આવે, જે આ મુજબ છેઃ હાથીઓની જાળવણી માટે પૂરતો વનવિસ્તાર ધરાવતું ક્ષેત્ર, હાથીઓ અને માનવોનું સહઅસિત્ત્વ હોય એવું ક્ષેત્ર અને કૃષિવિસ્તારમાંથી હાથીઓને ખસેડવાના હોય એવું ક્ષેત્ર. કૃષિવિસ્તારમાં આવી ગયેલા હાથીઓને વન્યપ્રદેશમાં ખસેડી મૂકવાનો અથવા એ શક્ય ન બને તો એવા હાથીઓને મર્યાદિત વિસ્તાર પૂરતા રાખવાની જોગવાઈનો આમાં સમાવેશ થાય છે. વનવિભાગના પ્રબંધકોએ આ ક્ષેત્રોના વિભાજન માટે પ્રાથમિક તબક્કે વિચારણા કરી લીધી છે. હવે પછીના તબક્કામાં સંબંધિત વ્યક્તિઓને આ કાર્યની તાલિમ આપવાનો અને પછી તેના અમલીકરણનો કાર્યક્રમ થશે.આ અગાઉ ૧૯૯૨માં હાથીની પ્રજાતિના સંવર્ધન માટે ‘પ્રોજેક્ટ એલિફન્ટ’ અમલી બન્યો હતો, જેના અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોની વિચારણા કરવામાં આવી હતી. ત્યાર પછી ૨૦૧૦માં કુલ ૩૨ વિસ્તારોને વિવિધ રાજ્ય સરકારોએ ‘હાથી માટે આરક્ષિત’ ઘોષિત કર્યા હતા, જેમાં બધું મળીને આશરે ૫૮,૦૦૦ ચોરસ કિ.મી.ના વિસ્તારને આવરી લેવામાં આવ્યો હતો. આમ છતાં, માત્ર હાથીની કુલ વસતિના માત્ર દસ ટકા સંખ્યા ધરાવતા વિસ્તારોમાં પરિસ્થિતિ આટલી ગંભીર બની ગઈ છે.વિકાસની આપણી આંધળી અને દિશાહીન દોટનાં આ પરિણામો હજી બહુ ઝડપથી નજર સામે આવી રહ્યાં છે. દૂરગામી પરિણામો કેવાં હશે એ કોને ખબર! તે આપણને ચેતવાનો સમય પણ આપશે કે કેમ એ સવાલ છે. આવા સંજોગોમાં જે સમસ્યા ઓળખાય તેના નિરાકરણનાં જે પગલાં, જ્યારથી લેવાય એને જ આશ્વાસનરૂપ ગણી શકાય.