વૃષભ છોકરીને ઓળખતો પણ નથી, ડમી એકાઉન્ટમાંથી મેસેજ થયા હતાઃ પરિવારનો દાવો

અમદાવાદ ગેંગરેપ કેસમાં આજે આરોપી વૃષભ મારુનો પરિવાર મીડિયા સમક્ષ હાજર થયો હતો. વૃષભના પિતા તેના ભાઈ અને તેના બે કાકીઓએ આ કેસમાં અનેક ખુલાસા કર્યા હતા. મીડિયા સામે વૃષભના પિતાએ દાવો કર્યો હતો કે આ કેસમાં વૃષભને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યો છે. વૃષભ આ છોકરીને ઓળખતો પણ નથી. ઇન્ટાગ્રામના જે મેસેજ સામે આવ્યા છે તે ડમી એકાઉન્ટથી કરવામાં આવ્યા છે. તેમજ બળાત્કારની ફરિયાદ થઈ ત્યારે વૃષભ મધ્ય પ્રદેશમાં હતો. બાદમાં તેનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો છે. હાલ તે પરિવારનાં સંપર્કમાં નથી.

ગૌરવના કાકીએ મીડિયા સાથેની વાતચીતમાં વાયરલ થયેલી ચેટિંગ મામાલે કહ્યું હતું કે, “ગૌરવના નામે કોઈએ ડમી એકાઉન્ટ બનાવીને આવી માંગણી કરી હતી. જે આઈડીમાંથી પીડિતાને મેસેજ થયા છે તે ગૌરવનું નહીં પરંતુ ડમી એકાઉન્ટ છે.”

પરિવારે મીડિયામાં સંબોધતા કહ્યું હતું કે પીડિતા પર ખરેખરે રેપ થયો છે તે પહેલા સાબિત કરો. તેનો કોઈ પુરાવો હોય તો રજૂ કરવામાં આવે. સીસીટીવી, મેડિકલ રિપોર્ટ કે કોઈ એક વાત એવી આપો જેનાથી સાબિત થાય કે તેના પર ખરેખરે રેપ થયો છે.

વૃષભના પિતા અને તેની કાકીએ જણાવ્યું હતું કે, ગૌરવ, પીડિતા અને યામિની વચ્ચે પ્રેમસંબંધ હતા તે છાપાઓમાં આવી ચુક્યું છે. આ જ પ્રેમ પ્રકરણમાં ગૌરવને ફસાવવામાં આવ્યો

વૃષભના કાકીએ મીડિયા સામે જણાવ્યું હતું કે છેલ્લે તેણે 29મી તારીખે વૃષભ સાથે વાતચીત કરી હતી. એ સમયે તેણે આ આખી ઘટનામાં તે પોતે નિર્દોષ હોવાની વાત કહી હતી. તેના પર લાગેલા ગંદા આરોપ પર તેણે કહ્યું હતું કે તે નિર્દોષ છે.

વૃષભ પર રેપનો આક્ષેપ કેમ મૂક્યો તેવું પૂછવામાં આવ્યું ત્યારે તેના પરિવારે સતત એવું રટણ કર્યું હતું કે અમે પણ એ વાત જાણવા માંગીએ છીએ કે પીડિતા આવું શા માટે કરી રહી છે. પરિવારે કહ્યું હતું કે અમારે પણ એ વાત જાણવી છે કે તે શા માટે આવું કરી રહી છે. અમારે પણ સત્ય જાણવું છે.

વૃષભની કાકીએ જણાવ્યું હતું કે પીડિતાની બળાત્કારની ફરિયાદ ખોટી છે. કારણ કે ગેંગરેપ અને તેના પ્રાઇવેટ પાર્ટમાં લાકડું નાખી દેવામાં આવે તો તે ઘરે જઈને નિરાતે ઉંઘી કેવી રીતે શકે?

વૃષભના પરિવારે કહ્યું હતું કે, મીડિયામાં જે તસવીરો ફરી રહી છે તે વૃષભના સોશિયલ એકાઉન્ટમાંથી લેવામાં આવી છે. તેમજ જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે વૃષભના લગ્નનો છે.

પરિવારે સ્વીકાર કર્યો હતો કે ગૌરવ અને વૃષભ બંને મિત્રો છે. વૃષભના પિતાના જણાવ્યા પ્રમાણે ગૌરવ ક્યારેક ક્યારેક તેના ઘરે પણ આવતો જતો હતો. પરિવારે એવું પણ કહ્યું હતું કે વૃષભ મહિનામાં 20થી 25 દિવસ અમદાવાદ બહાર જ રહેતો હોય છે

આ કેસમાં યુવતીનો કથિત બોયફ્રેન્ડ ગૌરવ મહાવીર દાલમિયાન શનિવારે રાત્રે ક્રાઇમ બ્રાંચ સમક્ષ હાજર થયો હતો. પોલીસે રવિવારે આખો દિવસ તેની અને આ કેસમાં જેનું નામ છે તે યામિની નાયરની પૂછપરછ કરી હતી. જોકે, પીડિતાએ આપેલા નિવેદન અને ગૌરવ તેમજ યામિનીના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. પોલીસ હાલ આ અંગે વધારે તપાસ કરી રહી છે.

રવિવારે પીડિતાનો પરિવાર મીડિયા સામે આવ્યો હતો તેમજ ક્રાઇમ બ્રાંચ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. પીડિતાએ જણાવ્યું હતું કે ક્રાઇમ બ્રાંચના વડા જે.કે. ભટ્ટ તેમને નિવેદન બદલવા માટે દબાણ કરી રહ્યા છે. પીડિતાના જણાવ્યા પ્રમાણે તેને સતત એકના એક પ્રશ્નો પૂછવામાં આવે છે. તેની સાથે ગુનેગાર જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. તેને વાંરવાર ક્રાઇમ બ્રાંચ બોલાવવામાં આવી રહી છે. પીડિતાએ એવી પણ માંગણી કરી હતી કે આ કેસમાંથી
જે.કે. ભટ્ટને હટાવવામાં આવે.

પીડિતાના આવા આક્ષેપ બાદ અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર એ.કે. સિંઘ મીડિયા સમક્ષ આવ્યા હતા અને તેમણે આ કેસમાં સત્ય બહાર લાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ક્રાઇમ બ્રાંચની તપાસમાં તેમને વિશ્વાસ છે. તેમણે કહ્યું હતું કે અમે ઉતાવળમાં કોઈ કાર્યવાહી કરવા નથી માંગતા. પીડિતાને ન્યાય મળે એ જ અમારું અંતિમ લક્ષ્ય છે.

રવિવારે આ કેસમાં જેના પર રેપ અને પૈસા પડાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તેવા ગૌરવ દાલમિયાના પિતા મહાવીર દાલમિયાની ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથેની કેટલિક તસવીરો સામે આવી હતી. જે બાદમાં એવા અહેવાલ વહેતા થયા હતા કે પ્રદીપસિંહના દાલમિયા પરિવાર સાથે નીકટના સંબંધો છે. જોકે, બાદમાં એવો ખુલાસો કરવામાં આવ્યો હતો કે મહાવીર દાલમિયા કેટલાક ટ્રસ્ટો સાથે સંકળાયેલા છે. આ દરમિયાન કેટલાક સામાજિક કાર્યક્રમો દરમિયાન તેઓ પ્રદીપસિંહ સાથે હાજર રહ્યા હતા.