the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

શહેરમાં ટેક્સ એડવોકેટ-પ્રેકટીશનર્સનું કોન્કલેવ જીએસટીના પ્રશ્નો મુદ્દે રાષ્ટ્રીય સ્તરની જોઇન્ટ એકશન કમિટિ

શહેરમાં ટેક્સ એડવોકેટ-પ્રેકટીશનર્સનું કોન્કલેવ
જીએસટીના પ્રશ્નો મુદ્દે રાષ્ટ્રીય સ્તરની જોઇન્ટ એકશન કમિટિ
ટેક્સ કન્સલ્ટન્ટ્‌સ અને ટેક્સ એડવોકેટ્‌સને ઓડિટ અને સર્ટિફિકેશનની સત્તા આપવા માટેની જોરદાર માંગ થઇ

અમદાવાદ, તા.૧૫
જીએસટીના અમલીકરણને એક વર્ષ વીત્યા બાદ પણ ઇન્વોઇસ મેચીંગ નહી થવાથી માંડી, અબજો રૂપિયાના અટવાયેલા રિફંડ સહિતની અનેક સમસ્યાઓ અને જીએસટી રિટર્નમાં વેપારીઓને પડતી હાલાકી સહિતની અનેક ફરિયાદોના મામલે હવે રાષ્ટ્રીય સ્તરની જોઇન્ટ એકશન કમીટીની રચના કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં દેશભરના ટેક્સ એડવોકેટ અને ટેક્સ પ્રેકટીશનર્સના યોજાયેલા બે દિવસીય કોન્કલેવમાં જીએસટીને લગતી સમસ્યાઓ અને પ્રશ્નોને લઇ ખૂબ મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી અને ઘણા અગત્યના સૂચનો પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ જોઇન્ટ એકશન કમીટી હવે તા.૨૧મી જૂલાઇના રોજ મળનારી જીએસટી કાઉન્સીલને પણ પોતાની મહત્વની રજૂઆત અને સૂચનો રજૂ કરશે. જીએસટી કાયદામાં ટેક્સ એડવોકેટ અને ટેક્સ પ્રેકટીશનર્સ માટે ઓડિટ અને સર્ટિફિકેશન કરવાના અધિકાર મેળવવા મામલે કેન્દ્ર સરકાર અને જીએસટી કાઉન્સીલ સમક્ષ પણ ખાસ રજૂઆત કરાશે એમ અત્રે ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશનના સભ્યો અને જીએસટી નિષ્ણાત અક્ષત વ્યાસ અને નિગમ શાહે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જીએસટીના મુદ્દે શહેરમાં યોજાયેલા સફળ કોન્કલેવમાં દેશભરના ગુજરાત, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, આસામ, ઓરિસ્સા, કર્ણાટક, જમ્મુ-કાશ્મીર સહિતના કુલ ૨૯ રાજયોમાંથી ખૂબ મોટી સંખ્યામાં ટેક્સ એડવોકેટ અને ટેક્સ પ્રેકટીશનર્સ હાજર રહ્યા હતા. કોન્કલેવમાં દેશભરના ૯૦થી વધુ એસોસીએશનના ટેક્સ એડવોકેટ અને ટેક્સ પ્રેકટીશનર્સ દ્વારા જીએસટીમાં રહી ગયેલી ખામીઓ-ત્રુટિઓ નિવારવા ઉપરાંત તેને સરળ અને સાચા અર્થમાં અમલી બનાવવાના તેમ જ જીએસટીની
ગૂંચવણો અને જટિલતા દૂર કરી વ્યવહારૂ અભિગમ સાથે અમલી બને તે માટેના અગત્યના સૂચનો અને સુધારા-વધારા સૂચવવામાં આવ્યા હતા. જીએસટી નિષ્ણાત અક્ષત વ્યાસ અને નિગમ શાહે વધુમાં જણાવ્યું હતું કે, જીએસટીના અમલને એક વર્ષ બાદ પણ હજુ પડી રહેલી તકલીફો અને હાલાકી અંગે જીએસટીનું સરળ અમલીકરણ કરવા માટે જરૂરી ફોર્મેટ જ હજુ જીએસટી કાઉન્સીલ તૈયાર કરી શકી નથી. કાઉન્સીલે જીએસટીએન-૨ એ ની વ્યવસ્થા કરીને વેચાણ કરનાર તેની વિગતો અપલોડ કરે તેવી વ્યવસ્થા દાખલ કરી છે. જેમાં અપલોડ થયેલા જીએસટીઆર-૩ની વિગતો ખરીદનાર જોઇ શકે છે પરંતુ તેમાં કોઇ ક્ષતિ હોય તો વેચનારને કોમ્યુનિકેટ કરવાની કોઇ વ્યવસ્થા નહી હોવાથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ સાચી મેળવી છે કે કેમ તે ખબર જ પડતી નથી, જેથી વેપારીઓ અને ડિપાર્ટમેન્ટ બંને મૂંંઝવણમાં રહે છે. આ જ પ્રકારે જીએસટીઆર-૨ અને જીએસટીઆર-૩ તૈયાર થયા નહી હોવાથી સંખ્યાબંધ વેપારીઓને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં ભારે હાલાકી પડી રહી છે. સમગ્ર સીસ્ટમમાં મુખ્ય રિટર્ન એવા જીએસટીઆર-૩ માટે સરળ ફોર્મેટ એસોસીએશને કાઉન્સીલને તૈયાર કરીને આપ્યું છે, ઉપરાંત જીએસટીના સર્વર પર ઓછો લોડ આવે તે પ્રકારે વિગતો અપલોડ કરવા, દરેક ઇન્વોઇસનું યોગ્ય રીતે મેચીંગ કરવા સહિતના અનેક સૂચનો કરાયા છે પરંતુ હજુ સુધી તેનું સાચા અર્થમાં અમલીકરણ જ થયું નથી.
જીએસટીઆર-૩માં વેચાણ અને ખરીદીની બિઝનેસ ટુ બિઝનેસની યાદી એટલે કે, બિલની યાદી એટેચ કરવાની સીસ્ટમ ઇન્ટ્રોડયુસ કરવાની ભલામણ કરાઇ છે પરંતુ તેને હજુ સુધી કાઉન્સીલ દ્વારા ફોડ પડાયો નથી. જેને પગલે વેપારીઓ ઇનપુટ ટેક્સ ક્રેડિટ વિના હેરાન થઇ રહ્યા છે. જીએસટી નિષ્ણાત દિવ્યેશ મહેતા અને વારીસ ઇશાનીએ ઉમેર્યું હતું કે, એક્સપોર્ટના રિફંડની સમસ્યા આજે પણ બહુ મોટી છે. એક્સપોર્ટ ફોર્મ -૧ ભરીને રિફંડ માટે ઓનલાઇન અરજી કરાય તે પછી દરેક અધિકારીઓ પોતાની સૂઝબૂઝ પ્રમાણે તે ક્લિયર કરવા અલગ અલગ દસ્તાવેજો માંગે છે. જેને લઇ સમગ્ર પ્રક્રિયામાં એકસૂત્રતા કે વિશ્વસનીયતા જળવાતી નથી અને તેથી રિફંડનો મામલો અટવાયા જ કરે છે. સામાન્ય રીતે ઇન્ટીગ્રેટેડ જીએસટીનું રિફંડ પંદર દિવસમાં આપી દેવાનો નિયમ છે પરંતુ કેન્દ્રના અધિકારીઓએ આ અંગે ઝુંબેશ ચલાવ્યા પછી અને ઓનલાઇન કામ થતુ નહી હોવાથી મેન્યુઅલી કરાવ્યા પછીય આજે અબજો રૂપિયાના રિફંડ અટવાયેલા પડયા છે. આ સહિતના અનેકવિધ મુદ્દાઓ પરત્વે કોન્કલેવમાં ચર્ચા વિચારણા હાથ ધરાઇ છે અને હવે દેશભરના પ્રતિનિધિઓ તરફથી રજૂ થયેલા સૂચનો અને સુધારાવધારાના મુસદ્દાને જીએસટી કાઉન્સીલમાં રજૂ કરાશે.