સબરીમાલા વિવાદ : સંવિધાનની વિરોધમાં છે પ્રબંધનનો નિર્ણય, મંદિરમાં કોઈપણ કરી શકે છે પ્રવેશ- સુપ્રીમ કોર્ટ

સબરીમાલા વિવાદ : સંવિધાનની વિરોધમાં છે પ્રબંધનનો નિર્ણય, મંદિરમાં કોઈપણ કરી શકે છે પ્રવેશ-  સુપ્રીમ કોર્ટ

કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક બેન્ચે કહ્યું છે કે મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય સંવિધાનની વિરોધમાં છે. કોર્ટે કહ્યું હતું કે સંવિધાનમાં પ્રાઇવેટ મંદિરનો કોઈ કોન્સેપ્ટ નથી અને એક વખત તમે મંદિર સાર્વજનિક રીતે ખોલી નાખ્યું તો તેમાં કોઈપણ પ્રવેશ કરી શકે છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (સીજેઆઈ) દીપક મિશ્રાએ સવાલ કર્યો હતો કે મંદિર પ્રબંધને કયા આધાર પર મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો. આ સંવિધાનના વિરોધમાં છે. મંદિરમાં કોઈપણ જઈ શકે છે.

આ મામલે કેરળ સરકારનો પક્ષ છે કે મંદિરોમાં પૂજાની વિધી અને રિત રિવાજ મંદિર પ્રબંધન જ નક્કી કરી છે અને આ અધિકારોને આસ્થાના અધિકારો પ્રમાણે સુરક્ષિત રાખવામાં આવ્યા છે. આ મુદ્દે પણ ન્યાયધીશે આપત્તિ વ્યક્ત કરી હતી કે મંદિરને ભેદભાવ કરવાનો અધિકાર આપવામાં આવી શકે નહીં.

સીજેઆઈએ કહ્યું હતું કે મંદિરમાં પુરષોના પ્રવેશની મંજુરી છે તો ત્યાં મહિલાઓને પણ પ્રવેશની મંજુરી મળવી જોઈએ. તેમણે કહ્યું હતું કે મંદિર પ્રાઇવેટ સ્થાન નથી. મંદિર એક જન સંપત્તિ છે અને ત્યાં જવા માટે કોઇપણ એજ વર્ગની મહિલા અથવા પુરુષને કોઈપણ પ્રકારે રોકી શકાય નહીં. જો પુરુષ ત્યાં જઈ શકે તો મહિલાઓ પણ જઈ શકે છે.

મુખ્ય ન્યાયધીશે કહ્યું હતું કે પુરુષ હોય કે મહિલા સંવિધાનમાં બધાને આસ્થાનો સમાન અધિકાર આપવામાં આવ્યો છે. આર્ટિકલ 25(1)માં આ સ્પષ્ટ છે. કાયદામાં બધાને સમાન માનવામાં આવે છે. આ મામલે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું હતું કે પુરુષોની જેમ મહિલાઓને પણ ઇશ્વરે જ બનાવી છે. એવા સમયે પૂજાના સ્થળ પર મહિલાઓ સાથે ભેદભાવ કેવી રીતે કરવામાં આવી શકે.

પત્થનમથિટ્ટા જિલ્લાના પશ્ચિમી ઘાટની પહાડી પર આવેલા સબરીમાલા મંદિરના પ્રબંધને સુપ્રીમ કોર્ટમાં પહેલા કહ્યું હતું કે માસિક ધર્મના કારણે તે શુદ્ધતા બનાવી રાખી શકતી નથી. તેથી 10 થી 50 વર્ષની મહિલાઓને મંદિરની અંદર જવાની મનાઈ છે.