સુરત, ભાવનગર, ગાંધીનગર, રાજકોટમાં વરસાદ નોંધાયો

સુરત, ભાવનગર, ગાંધીનગર, રાજકોટમાં વરસાદ નોંધાયો
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ : લોકો આનંદિત

આગામી બે દિવસ દરમિયાન હવે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને વલસાડ, નવસારીમાં ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ : હવામાનમાં પલટો આવ્યો
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં તથા ગુજરાતના અન્ય ભાગોમાં આજે વરસાદી માહોલ રહ્યો હતો. વરસાદી માહોલ રહેતા તમામ જગ્યાએ આનંદ છવાઈ ગયો હતો. ઘણી જગ્યાઓએ ભારે વરસાદ થયો છે જેમાં સુરત, ભાવનગર, ગાંધીનગરનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેતા કૃષિ સમુદાયના લોકો પણ ખુશ દેખાયા હતો. સૌરાષ્ટ્રમાં એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો. અમરેલીના બાબરા પંથકમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદના લીદે તાપમાનમાં વધુ ઘટાડો થયો છે. રાજકોટ પંથકમાં કેટલાક વિસ્તારોમાં મધ્યમ તો કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા. ઘણી જગ્યાએ ઝરમર વરસાદ થયો છે. ભાવનગરમાં પણ ઘણી જગ્યાએ ઝરમર અને ઘણી જગ્યાએ મધ્યમ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ તરફથી આગામી બે દિવસ દરમિયાન ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત ખાસ કરીને વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. બીજી બાજુ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જારી રહેવાની આગાહી કરવામાં આવી છે. આજે વરસાદી માહોલ અકબંધ રહ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે શુક્રવારના દિવસે બનાસકાંઠા-સાબરકાંઠામાં આજે મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા, જયાં ઇડરમાં માત્ર બે કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ભારે વરસાદના કારણે જિલ્લાના નદી-નાળા છલકાઇ ગયા હતા. તો, મહીસાગર જિલ્લામાં પણ ભારે વરસાદ નોંધાતા શામળાજી સહિતના પંથકોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. રાજકોટના ગોંડલમાં ત્રણ ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાતા સર્વત્ર પાણી જ પાણી ભરાઇ ગયા હતા. સૌરાષ્ટ્રમાં રાજકોટ, ધોરાજી, ગોંડલ, ગોમટા, લીલાખા સહિતના પંથકોમાં એકથી ત્રણ ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠા જિલ્લામાં ઇડરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો, જયાં માત્ર બે કલાકમાં જ ચાર ઇંચથી વધુ ભારે વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. નીચાણવાળા વિસ્તારોમાં સોસાયટીઓ અને દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. મહીસાગર જિલ્લામાં પણ ભારે અને ધોધમાર વરસાદ નોંધાતાં લોકોએ વરસાદની મોજ માણી હતી. અમદાવાદ શહેરમાં હજુ સુધી વરસાદી માહોલ જામ્યો નથી. આ વખતે કેરળમાં મોનસુનની એન્ટ્રી નિર્ધારિત સમય કરતા ત્રણ દિવસ પહેલા થઇ ગઇ છે. બીજી બાજુ દેશના મોટાભાગના વિસ્તારોમાં નિર્ધારિત સમય કરતા ૧૭ દિવસ પહેલા મોનસુનની એન્ટ્રી થઇ છે. જો કે, ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીમાં હજુ સુધી ઓછો વરસાદ નોંધાયો છે.