the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

સુષ્માની ટિકીટ કપાસે કે કેમ….

સુષ્માની ટિકીટ કપાસે કે કેમ….

૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવી ૨૮૩ બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રમાં એકલે હાથે સરકાર બનાવી શકાય તેટલી બેઠકો મેળવી હતી. જોકે પેટાચૂંટણીમાં કેટલીક બેઠકો ગુમાવ્યા બાદ ભાજપનો બેઠકનો આંકડો ઘટીને ૨૭૧નો થઈ ગયો છે. એટલે કે ભાજપની એકલાની બહુમતી રહી નથી. સરકાર સાચા અર્થમાં એનડીએની રહી છે. ૨૦૧૯ની ચૂંટણીમાં કદાચ સાચા અર્થમાં એનડીએની જ સરકાર બનાવવાની રહેશે. કારણકે વર્તમાન સ્થિતિ જોતાં ભાજપ એકલા હાથે ૨૭૨નો આંકડો પાર કરે તેવી કોઈ શક્યતા જાણકારો જોઈ રહ્યા નથી.બીજી બાજુ ભાજપમાં કેટલાક નેતાઓ એવા છે, જેમને આગીમી ચૂંટણીમાં મોવડીમંડળ ટિકિટ આપવાના મૂડમાં નથી. અડવાણીને ટિકિટ નહિ મળે તેમ નિશ્ચિત મનાય છે, ત્યારે મુરલી મનોહર જોષી સહિતના કેટલાક નેતાઓની પણ બાદબાકી થઈ શકે છે. આ કપાયેલા નામોની યાદીમાં સુષમા સ્વરાજ હશે કે કેમ તે પણ ચર્ચાનો વિષય છે. ગત વખતે મોદી અને અડવાણી જૂથ વચ્ચે થયેલા સંઘર્ષમાં સુષમા સ્વરાજ છેક સુધી અડવાણીની છાવણીમાં રહ્યા હતા. આખરે અડવાણી પક્ષમાં જ રહ્યા અને છોડીને ના ગયા, તેના કારણે સુષમા સહિતના કેટલાક નેતાઓ પણ પક્ષમાં રહ્યા અને પ્રધાન પણ બન્યા.તે પછીની હરોળમાં આવતા નેતાઓમાં રાજનાથસિંહ અને નીતિન ગડકરી એ બે નામ એવા છે, જે અડવાણીની છાવણીમાં તો નહીં, પણ મોદીના વિશ્વાસુ પણ ના ગણાય. બંને નેતાઓ આરએસએસના આશીર્વાદને કારણે સ્વતંત્ર રીતે પોતાનું સ્થાન જાળવી રાખી શકે તેમ છે. નીતિન ગડકરી તો છે પણ નાગપુરના અને સંઘના સૌથી નિકટના નેતા છે. તેથી તેઓ બિન્ધાસ્ત પોતાની રીતે કામ કરતા રહે છે. આ બંને નેતાઓની ટિકિટ કાપી શકાશે નહીં, એ તો સ્પષ્ટ છે. પણ તે બંને સુષ્મા સ્વરાજની ટિકિટ કપાઇ જાય તો શું બોલશે? સુષ્મા સ્વરાજની ટિકિટ કાપવી પણ મુશ્કેલ છે, પણ ઇન કેસપ તો આ બંને નેતાઓ તેમના માટે બોલશે ખરા? આ સવાલ એટલા માટે કે હાલમાં જ બંને નેતાઓએ સુષ્મા સ્વરાજ માટે અવાજ ઉઠાવ્યો હતો.સુષ્મા સ્વરાજ સોશ્યલ મીડિયામાં સૌથી વધુ સક્રીય પ્રધાન છે. વિદેશ નીતિની બાબતોમાં સોશ્યલ મીડિયાનો સકારાત્મક ઉપયોગ તેમણે કર્યો છે. બીજી બાજુ ભાજપની સોશ્યલ મીડિયાની ગેંગ આ માધ્યમનો સતત જૂઠાણા ફેલાવવા, દુષ્પ્રચાર કરવા, હરિફોને પાડી દેવા, તેમના વિશે ગપગોળા ચલાવી બદનામ કરવા અને ટ્રોલ કરીને ધમકાવા માટે ઉપયોગ કરે છે. ખુદ સુષ્મા સ્વરાજ પણ તેમનો ભોગ બન્યા. લખનૌનું એક દંપતિ, જેમાં સ્ત્રી હિન્દુ અને પુરુષ મુસ્લિમ હોવાથી પાસપોર્ટ માટે કાર્યાલય ગયા ત્યારે તેમને એક અધિકારીએ પૂછપરછ કરી હતી.
દંપતિને લાગ્યું કે વધારે પડતી ‘પંચાત’ કરે છે, એટલે તેમણે સોશ્યલ મીડિયામાં પાસપોર્ટ માટે હેરાનગતિનો મેસેજ મૂક્યો. એક્ટિવ સુષ્મા સ્વરાજે સોશ્યલ મીડિયામાં જ તેમને પાસપોર્ટ તરત આપી દેવાનો આદેશ કર્યો અને બાદમાં પેલા અધિકારીની તાત્કાલિક બદલી પણ થઈ ગઈ.અર્ધ-મુસ્લિમ દંપતિની વહારે સુષ્મા સ્વરાજ ગયા તે વાત ભાજપભક્ત ટ્રોલને પસંદ પડી નહોતી. લવ-જેહાદનો મામલો પણ તેમને આમાં દેખાયો હતો. દંપતિએ સરનામું ખોટું આપ્યું છે, ત્યાંથી શરૂ કરીને અનેક મેસેજનો મારો ચાલ્યો. તેમાં સુષ્મા સ્વરાજને પણ છોડવામાં ના આવ્યા અને સુડોસેક્યુલરોની જેમ તેઓ પણ મુસ્લિમોને વહાલા થવા જાય છે તેવી ટીકાનો મારો ચાલ્યો.આ ટ્રોલ લાંબો ચાલ્યો અને સુષ્માએ આખરે કહેવું પડ્યું હતું કે ટીકા કરવી હોય તો કરો, પણ ભાષામાં સંયમ રાખો.
ભાષાની રીતે પણ કેટલાકે સુષ્માની ખરાબ ટીકાઓ કરી હતી.આ સંજોગોમાં ભાજપ તરફથી સુષ્માનો ખાસ બચાવ કરવામાં આવ્યો નહોતો. આખી વાતમાં જાણે ખાસ કંઈ છે નહી તે રીતે ભાજપના પ્રવક્તાઓ વર્તતા રહ્યા હતા. તે પછી રાજનાથ સિંહ અને નીતિન ગડકરીએ બહાર આવીને સુષ્મા સ્વરાજનો બચાવ કર્યો હતો. તેમને સમર્થન આપ્યું હતું અને ટ્રોલ કરનારી ટોળીને બંનેએ ડારી હતી. અરુણ જેટલી, નિર્મલા સીતારમણ, સ્મૃત્તિ ઇરાની જેવા કોઈ નેતાઓએ સુષ્મા માટે કોઈ નિવેદન કર્યું નહોતું. ટ્રોલ કરનારાની જરાય ટીકા આ નેતાઓ કરી નહોતી. તેના કારણે આડકતરી રીતે ટ્રોલ કરનારા અને તેના મુદ્દાને ટેકો છે અને સુષ્માનો વિરોધ છે તેવી છાપ પડી હતી.સુષ્મા સ્વરાજ વિદેશ પ્રધાન છે, પણ વિદેશ નીતિમાં તેમનું કશું ચાલતું નથી. નરેન્દ્ર મોદી પોતે જ વિશ્વભરમાં ફરતા રહે છે. તે વિશે સુષ્માએ ક્યારેય જાહેરમાં અસંતોષ વ્યક્ત કર્યો નથી. તેના બદલે તેઓ વિદેશ મંત્રાલય સંબંધિત કાર્યો કરતા રહ્યા છે. વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિક સોશ્યલ મીડિયામાં મેસેજ મૂકે કે તરત જ સુષ્મા તેમને મદદ પહોંચે તેવી વ્યવસ્થા કરે છે. આફ્રિકા કે અરબ દેશોમાં સંઘર્ષ વચ્ચે ફસાયેલા ભારતીયોને ઉગારી લેવાનું કામ પણ તેમણે ફટાફટ કર્યું છે. આ બધાના કારણે સુષ્મા વડાપ્રધાન સાથે ઘર્ષણમાં ઉતર્યા વિના પોતાનું કામ કરતાં રહ્યા છે અને જશ પણ મેળવતા રહ્યા છે.
બીજા કેટલાક પ્રધાનોએ બોલીને કે એવા કાર્યો કરીને સરકારને મુશ્કેલીમાં મૂકી હોય તેવું પણ કશું સુષ્માએ કર્યું નથી. અડવાણી છાવણીમાં હોવા છતાં મોદી જૂથને મુશ્કેલી થાય તેવી સક્રીયતા તેમણે દાખવી નથી. તે સંજોગોમાં તેમની ટિકિટ કપાવી મુશ્કેલ છે. બીજું, બેઠકો ઓછી થવાની સંભાવના છે ત્યારે એકેએક બેઠક અગત્યની થઈ જાય છે. સુષ્મા જેવા જીતી શકે તેવા નેતાની ટિકિટ કાપવાનું જોખમ લેવું પરવડે નહિ. મુરલી મનોહર કે અડવાણીને પણ કદાચ છેલ્લી ઘડીએ ટિકિટ આપવી પડશે અથવા તેમની પસંદગીના ઉમેદવારને પક્ષે સ્વીકારવા પડશે. આનંદીબહેનની નારાજી હતી, તે પછી તેમને ભલે ટિકિટ ના અપાઈ, પણ તેમની પસંદગીના નેતાઓને ટિકિટ આપવી પડી હતી, જેથી તેમને જીતાડવાની જવાબદારી તેમની જ થઈ જાય.આ સંજોગોમાં સુષ્મા સ્વરાજની તદ્દન અવગણના કરવી પક્ષ માટે મુશ્કેલ પણ છે. પરંતુ કેટલીક વાર બેઠક ગુમાવીને પણ હરિફ જૂથના શક્તિશાળી નેતાને કોરાણે કરી દેવાની નીતિ હાલના મોવડીમંડળની રહી છે. તે સંજોગોમાં શક્યતા નકારી પણ ના શકાય. તે સંજોગોમાં રાજનાથ સિંહ અને નીતિન ગડકરી નિવેદનો કરે તે શક્યતા પણ નકારી ના શકાય. તે સંજોગોમાં રાજનાથ સિંહ અને ગડકરીએ પોતાનું સ્થાન ટકાવી રાખવા માટે પણ ચમકારો બતાવવો પડે તે શક્યતા પણ નકારી ના શકાય. રાજકારણમાં કોઈ પણ શક્યતા નકારી ના શકાય.