સેંસેક્સ ૨૬ પોઇન્ટ સુધરી ૩૬,૨૬૬ની સપાટી ઉપર

નિફ્ટી ફ્લેટ રહીને ૧૦૯૪૮ની સપાટી ઉપર
સેંસેક્સ ૨૬ પોઇન્ટ સુધરી ૩૬,૨૬૬ની સપાટી ઉપર
નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ગ્લોબલ ટ્રેડવોરની દહેશત વચ્ચે ઘટાડો થયો : ઇન્ડેક્સમાં ત્રણ ટકાનો ઘટાડો જોવા મળ્યો

મુંબઇ,તા. ૧૧
શેરબજારમાં ઉતારચઢાવની સ્થિતિ આજે જોવા મળી હતી. જો કે, કારોબારના અંતે સેંસેક્સ ૨૬ પોઇન્ટ ઉછળીને ૩૬૨૬૬ની ઉંચી સપાટીએ રહ્યો હતો. જ્યારે બ્રોડર નિફ્ટી એક પોઇન્ટ ઉછળીને ૧૦૯૪૮ની ઉંચી સપાટીએ રહ્યો હતો. નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં સૌથી નિરાશાજનક સ્થિતિ રહી હતી. ગ્લોબલ ટ્રેડવોરને લઇને ફેલાઈ રહેલી દહેશતની અસર જોવા મળી હતી. આ ઇન્ડેક્સમાં ત્રણ ટકાની આસપાસનો ઘટાડો રહ્યો હતો. જિંદાલ સ્ટીલ, કોલ ઇન્ડિયા, વેદાંતા અને સેલના શેરમાં ૪-૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં ૧૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. એફએમસીજીના શેરમાં પણ આજે જોરદાર તેજી જામી હતી. ચીનના બજારમાં વેચવાલીનું મોજુ રહ્યું હતું. સરકાર દ્વારા ગુરુવારના દિવસે મે મહિનાના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ડેટા જારી કરાશે. કન્ઝ્‌યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ અને આઈઆઈપીના ડેટા ૧૨મી જુલાઈના દિવસે જારી કરવામાં આવનાર છે. મધ્યપૂર્વમાં પ્રવર્તી રહેલી તંગદિલી અને તેલ ઉત્પાદન કરતા દેશોમાં ખલેલની અસર પણ દેખાઈ રહી છે. ભૌગોલિક તંગદિલીની અસર પણ જોવા મળી રહી છે. આ ઉપરાંત અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી સપ્તાહમાં બ્રિટનના વડાપ્રધાન ટેરેસા મેને મળનાર છે જેમાં ટ્રેડવોરના મુદ્દા ઉપર ચર્ચા થશે. ક્રૂડ ઓઇલની કિંમત, ડોલર સામે રૂપિયાની ચાલની અસર પણ રોકાણકારો ઉપર થશે. જૂન મહિના માટે યુએસ કોર ફુગાવાનો આંકડો ૧૨મી જુલાઈના દિવસે જારી કરવામાં આવનાર છે. ટ્રેડવોરની ચિંતા સૌથી વધુ દેખાઈ રહી છે. અત્રે નોંધનીય છે કે, અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરની શરૂઆત થઇ ચુકી છે. ધારણા પ્રમાણે જ અમેરિકાએ શુક્રવારે ૩૪ અબજ ડોલરના ચીની આયાત ઉપર ૨૫ ટકાના નવા ટેરિફ લાગૂ કરવાની જાહેરાત કરી હતી. આની સાથે જ અમેરિકાએ ચીનને મોટો ફટકો આપ્યો હતો. આના જવાબમાં ચીને પણ અમેરિકી ચીજવસ્તુઓ ઉપર ટેરિફ લાગૂ કરવાની જાહેરાત કરી હતી. ઇન્ફોસીસ દ્વારા શુક્રવારના દિવસે તેના ત્રિમાસિક ગાળાના પરિણામ જારી કરવામાં આવનાર છે.
આઈટી સેક્ટર પર પણ તેની અસર થઇ શકે છે. વિપ્રો, ટેક મહિન્દ્રા દ્વારા પણ તેમના પગલા લેવામાં આવનાર છે. મોનસુનની પ્રગતિને લઇને પણ દલાલ સ્ટ્રીટમાં અસર જોવા મળી છે. ગઇકાલે મંગળવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૩૦૫ પોઇન્ટ ઉછળીને ૩૬૨૪૦ની સપાટીએ રહ્યો હતો. સેંસેક્સે ૩૬૦૦૦ની સપાટી કુદાવી હતી જ્યારે નિફ્ટી ૧૦૯૪૭ની સપાટીએ રહ્યો હતો તેમાં ૯૪ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો.