સેન્સેક્સ ૨૧૮ પોઈન્ટ ઘટી ૩૬૩૨૪ની સપાટીએ

સેન્સેક્સ ૨૧૮ પોઈન્ટ ઘટી ૩૬૩૨૪ની સપાટીએ
સેંસેક્સ-નિફ્ટી બંને ઘટાડાની બંધ : શેરબજારમાં ઉદાસીનતા
નિફ્ટી ૮૨ પોઈન્ટ ઘટી ૧૦૯૩૭ની નીચી સપાટી પર રહ્યો : નિફ્ટી ફામા અને નિફ્ટી મેટલ ઈન્ડેક્સમાં ઘટાડો

મુંબઇ,તા. ૧૬
શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેન્સેક્સ અને નિફ્ટી બંને ઘટાડા સાથે બંધ રહ્યા હતા. એનર્જી, રિયાલિટી અને હેલ્થકેરના શેરમાં મોટો કડાકો બોલી ગયો હતો. વધતા જતા ફુગાવાના કારણે કારોબારીઓ વધુ ચિંતિત દેખાયા હતા. ટેકનોલોજીના શેરમાં તેજી રહી હતી. ઈન્ફોસીસ ત્રિમાસિક ગાળાના સારા પરિણામો વચ્ચે ઓલટાઈમ હાઈ સપાટી પર પહોંચ્યો હતો. બીએસઈ સેન્સેક્સ આજે ૨૧૮ પોઈન્ટ ઘટીને ૩૬૩૨૪ ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૮૨ પોઈન્ટ ઘટીને ૧૦૯૩૭ની સપાટીએ રહ્યો હતો. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સમાં ચાર ટકાનો ઘટાડો રહ્યો હતો. ડૉકટર રેડ્ડી લેબ અને સનફાર્માના શેરમાં જોરદાર ઘટાડો રહ્યો હતો. નિફ્ટી મેટલ ઈન્ડેક્સમાં પણ ૩.૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. જિંદાલ સ્ટેઈનલેસ અને ટાટા સ્ટીલના શેરમાં ઘટાડો રહ્યો હતો. અન્ય શ્રેણીબદ્ધ શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. એશિયન શેરબજારમાં પણ મંદીનું મોજુ ફરી વળ્યું હતું. ચીનના અર્થતંત્રના આંકડા આજે જારી કરવામાં આવ્યા હતા. બીજા ત્રિમાસિક ગાળાના આંકડા નિરાશાજનક રહ્યા હતા. સંઘાઈ કમ્પોઝીટ ઈન્ડેક્સમાં ઉછાળો નોંધાયો હતો. તેમાં ઉલ્લેખનિય ઘટાડો જોવા મળ્યો હતો. હોંગકોંગના હેંગસેંગ ઈન્ડેક્સમાં ૦.૧ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જાપાનના બજારોમાં આજે જાહેર રજા રહી હતી. આગામી દિવસોમાં અન્ય જુદા જુદા પરીબળોની અસર જોવા મળી શકે છે. માહિતી મુજબ નિફ્ટી ફાર્મા ઈન્ડેકસમાં ૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી મેટલ ઈન્ડેક્સમાં ઘટાડાની અસરપણ રહી હતી. વ્યક્તિગત શેરોની વાત કરવામાં આવે તો ઈન્ફોર્મેશન ટેકનોલોજીના શેરમાં ઈન્ફોસીસમાં ઈન્ટ્રાડેના કારોબાર દરમ્યાન ૬ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ઝી, ક્રિસિલ, અશોક લેલેન્ડ દ્વારા મંગળવારના દિવસે, બંધન બેંક, જેકે ટાયર, આરકોમ, અલ્ટ્રાટેક સિમેન્ટના પરિણામ બુધવારના દિવસે જાહેર કરવામાં આવનાર છે. બજાજ ફાઈનસર્વ, બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રાના પરિણામ ગુરુવારના દિવસે જાહેર કરાશે. આવી જ રીતે વિપ્રો, બજાજ ઓટો, એમસીએક્સ, એચડીએફસી સ્ટાન્ડર્ડ લાઇફના પરિણામ ૨૦મી જુલાઈના દિવસે ઘોષિત થશે. આઇપીઓ બજારમાં જોરદાર તેજી રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. ૧૪૦૦૦ કરોડના આઈપીઓને લઇને દલાલસ્ટ્રીટ તૈયાર છે. એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ, લોધા ડેવલપર્સ સહિત ઓછામાં ઓછી સાત કંપનીઓ આગામી સપ્તાહમાં મૂડી માર્કેટમાં આઈપીઓ સાથે એન્ટ્રી કરવા માટે તૈયાર છે. સૌથી પહેલા ટીસીએનએસ ક્લોથિંગ દ્વારા ૧૧૨૫ કરોડના આઈપીઓની શરૂઆત કરવામાં આવનાર છે. અન્ય જે છ કંપનીઓ આઈપીઓ લાવવા માટેની તૈયારી કરી ચુકી છે તેમાં લોધા ડેવલપર્સ, એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ, નેકાંતિ સી ફુડ્‌સ, ફ્લેમિંગો ટ્રાવેલ, પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જીનિયસ કન્સલટન્સનો સમાવેશ થાય છે. મર્ચંટ બેંકિંગ સોર્સના કહેવા મુજબ આગામી સપ્તાહમાં આ તમામ કંપનીઓ દ્વારા તેમના સંબંધિત આઈપીઓ લાવવામાં આવનાર છે.