the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

૧૪મીએ ભારે હર્ષોલ્લાસની સાથે જગન્નાથજીની ૧૪૧મી રથયાત્રા

૧૪મીએ ભારે હર્ષોલ્લાસની સાથે જગન્નાથજીની ૧૪૧મી રથયાત્રા

સૌપ્રથમવાર અખાડા પરિષદના સંતો-મહંતો હાજરી આપશેઅમદાવાદ રથયાત્રામાં શણગારેલા ૧૯ ગજરાજો, ૧૦૧ ટ્રકો, ૩૦ અખાડા, ૧૮ ભજનંડળી આકર્ષણનું કેન્દ્ર : ૩૦ હજાર કિલો મગ, જાંબુ સહિત પ્રસાદ(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ, તા.૧૦
શહેરમાં તા.૧૪મી જૂલાઇએ શનિવારના રોજ ભારે હર્ષોલ્લાસ અને ભકિતભાવ વચ્ચે ભગવાન જગન્નાથજીની ૧૪૧મી પરંપરાગત રથયાત્રા નીકળશે. આ વખતે રથયાત્રામાં સૌપ્રથમવાર ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભારતીય અખાડા પરિષદના મોટા સંતો-મહંતો અને કુંભમેળાના સાધુ-સંતો હાજરી આપનાર છે. જે બહુ નોંધનીય વાત છે. તો આ વર્ષે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામ માટે બનારસ, વૃંદાવન સહિતના પવિત્ર સ્થળોએથી સુંદર અંલકારિક વસ્ત્રો, પાઘડી અને તેને અનુરૂપ વાઘા-વસ્ત્રો અને સાજ શણગાર તૈયાર કરાયા છે. તા.૧૪મી જૂલાઇએ રથયાત્રાના દિવસે સવારે ચાર વાગ્યે મંગળાઆરતીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાજર રહેશે, જયારે સાત વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે પહિંદવિધિ બાદ તેઓ રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે. રથયાત્રાનો આ એક જ દિવસ એવો હોય છે જેમાં ખુદ જગતનો નાથ નગરચર્યાએ નીકળી તેના ભકતોને ઘેરબેઠા દર્શન આપે છે. આ અંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝાએ જણાવ્યું હતું કે, ભારતીય લોક સંસ્કૃતિનું રથયાત્રા સર્વોચ્ચ પ્રતીક છે. રથયાત્રાના અગ્રભાગમાં ૧૯ શણગારેલા ગજરાજો, ત્યારપછી ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, અંગ કસરતના પ્રયોગો સાથે ૩૦ અખાડા, ૧૮ ભજનમંડળીઓ સાથે ત્રણ બેન્ડબાજાવાળા આકર્ષણનું કેન્દ્ર બનશે. સાધુ-સંતો, શ્રધ્ધાળુ ભકતો સાથે ૧૨૦૦થી ૧૫૦૦ જેટલા ખલાસી ભાઇઓ રથ ખેંચતા રહેશે. આ રથયાત્રામાં ભાગ લેવા દેશભરમાંથી ૨૦૦૦થી વધુ સાધુ-સંતો હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્ર સહિતના સ્થાનોએથી પધારશે. રથયાત્રાના દિવસે તા.૧૪મી જૂલાઇએ વહેલી સવારે ૪-૦૦ વાગ્યે ભગવાનની મંગળાઆરતી કરાશે, ત્યારબાદ આદિવાસી નૃત્ય અને રાસગરબાનો પરંપરાગત કાર્યક્રમ યોજાશે. એ પછી ભગવાનના આંખે બાંધેલા પાટા ખોલવાની શાસ્ત્રોક્ત વિધિ બાદ ૫-૪૫ કલાકે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને ત્રણેય રથોમાં સવાર કરાશે. સવારે ૭-૦૦ વાગ્યે પહિંદવિધિ બાદ રથયાત્રાનો શુભારંભ થશે. રથયાત્રાના દિવસે વહેલી સવારે ભગવાનને વિશિષ્ટ ભોગ ધરાવાય છે, જેમાં પરંપરા મુજબ, ખીચડી, કોળા-ગવારફળીનું શાક અને દહીં હોય છે. રથયાત્રા દરમ્યાન ૩૦ હજાર કિલોથી વધુ મગ, ૫૦૦ કિલો જાંબુ, ૩૦૦ કિલો કેરી, ૪૦૦ કિલો કાકડી અને દાડમ તથા બે લાખ ઉર્પણા પ્રસાદમાં વિતરણ કરાશે. આ વખતની રથયાત્રામાં સૌપ્રથમવાર ભારતીય અખાડા પરિષદના સાધુ સંતો અને મહંતો ખાસ હાજરી આપશે. જેમાં ભારતીય અખાડા પરિષદના પ્રમુખ નરેન્દ્રગીરીજી મહારાજ, જગદ્‌ગુરુ રામાનંદાચાર્ય એવા હંસદેવાચાર્યજી મહારાજ અને જૂનાગઢના હીરીગીરીજી મહારાજ સહિતના દિગ્ગજ સંતો પધારશે. તો, સાથે સાથે કુંભમેળાના દિવ્ય સાધુ-સંતો અને મહંતો પણ હાજરી આપશે.

તેમને આંખે પાટા બાંધવાની નેત્રોત્સવ વિધિ કરાશેઅમદાવાદ,

તા. ૧૦
મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું કે, રથયાત્રા પૂર્વે તા.૧૨મી જૂલાઇએ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામનો ગર્ભગૃહમાં પ્રવેશ અને તેમને આંખે પાટા બાંધવાની નેત્રોત્સવ વિધિ કરાશે. સવારે ૯-૩૦એ નેત્રોત્સવ વિધિ બાદ ધ્વજારોહણ વિધિ કરાશે. જે પ્રસંગે ગુજરાતના રાજયપાલ ઓમપ્રકાશ કોહલી અને મેયર શ્રીમતી બીજલબહેન શાહ ઉપસ્થિત રહેશે. સવારે ૧૦-૦૦ વાગ્યે વિશિષ્ટ પૂજા અને આરતી ત્યારબાદ સાધુ-સંતો માટે ૧૧-૩૦એ ભંડારાનું અને સંતોના સન્માનનું આયોજન કરાયું છે. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી મુખ્ય અતિથિ વિશેષ તરીકે હાજર રહેશે. તા.૧૨મી જૂલાઇએ ભગવાનની વિશિષ્ટ પૂજા ઉપરાંત અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજયમાં સાર્વત્રિક સારા વરસાદ માટે ઇન્દ્રદેવની ખાસ પૂજા-અર્ચના કરી રીઝવવામાં આવશે. આ દિવસે વરસાદની સીઝન ખેડૂતો માટે ખૂબ સારી રહે અને તેઓ ખુશહાલ બને તેવી પણ પ્રાર્થના કરાશે. ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને તમામ તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ચુકી છે. શ્રદ્ધાળુઓ ઉત્સાહિત છે.ભગવાન જગન્નાથજીનો ૧૨ જુલાઈએ ગર્ભગૃહમાં પ્રવેશ૧૨મીએ સાર્વત્રિક વરસાદ માટે ઇન્દ્રદેવની પૂજા કરાશે