177 સભ્યો 6 વર્ષ માટે સસ્પેન્ડ, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કરી કાર્યવાહી

177 સભ્યો 6 વર્ષ માટે સસ્પેન્ડ, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કરી કાર્યવાહી

કોંગ્રેસમાં 177 સભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ કાર્યવાહી કરી છે. સસ્પેન્ડ કરાયેલા સભ્યોમાં અમદાવાદના જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યોનો સમાવેશ થાય છે. તમામ સભ્યોને 6 વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પ્રાથમિક વિગત પ્રમાણે રાજ્યમાં 31 જિલ્લા પંચાયત 230 તાલુકા પંચાયતમાં અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતા પ્રમુખ-ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઇ હતી. ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના સત્તાવાર આદેશનું ઉલ્લઘંન કરનાર સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ શિસ્ત ભંગના પગલાં લેવાનું શરૂ કર્યું છે.

અમિત ચાવડાએ પક્ષના આદેશનું ઉલ્લંઘન કરવાને લીધે તાત્કાલિક અસરથી કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલા જિલ્લા પંચાયતના 35 સભ્યો અને તાલુકા પંચાયતના 142 સભ્યોને 6 વર્ષ સુધી સસ્પેન્ડ કર્યા છે. સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે આગામી સમયમાં જરૂરી કાયદાકીય કાર્યવાહી કરીને તેમના સભ્યપદ રદ્દ થાય તે દિશામાં પણ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.