પ્રશ્નકાળ મોકૂફ કરીને ચર્ચા માટેની માંગ થઇ મોબ લિચિંગ મામલે પ્રથમ દિવસે ભારે હોબાળો થયો

પ્રશ્નકાળ મોકૂફ કરીને ચર્ચા માટેની માંગ થઇ
મોબ લિચિંગ મામલે પ્રથમ દિવસે ભારે હોબાળો થયો

ગૃહની કામગીરી શરૂ થતાં નવા સાંસદોએ લીધેલા શપથ

નવી દિલ્હી, તા. ૧૮
સંસદનું મોનસુન સત્ર આજે શરૂ થયું હતું. પ્રથમ દિવસે ગૃહની કામગીરી શરૂ થતાની સાથે જ પહેલા ચૂંટાઈ આવેલા સાંસદોને શપથ લેવડાવવામાં આવ્યા હતા ત્યારબાદ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને કેટલાક પૂર્વ દિવંગત અથવા તો સ્વર્ગસ્થ સાંસદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સત્રમાં સરકાર ૨૫ બિલને રજૂ કરવાની તૈયારીમાં છે. ત્રણ બિલને પરત લેવામાં આવશે. ૧૮ નવા બિલ ગૃહમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. આ ઉપરાંત રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેનની ચૂંટણી પણ થનાર છે. સરકાર અને વિપક્ષ બંને રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેનની ચૂંટણીને લઇને તૈયારીમાં લાગેલા છે. સરકાર અને વિપક્ષ બંને રણનીતિ ઘડી રહ્યા છે. બીજી બાજુ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને મોનસુન સત્રની શરૂઆતમાં સાંસદોને સારા સમાચાર આપતા કહ્યું હતું કે, ગૃહમાં વાઇફાઈની સુવિધા શરૂ કરી દેવામાં આવી છે. તમામ સભ્યો નોંધણી કરાવ્યા બાદ આનો લાભ લઇ શકશે. અલબત્ત સરકારની આ ભેંટથી વિપક્ષી સાંસદો ખુશ થયા ન હતા. મોબલિચિંગના મુદ્દા પર પ્રથમ દિવસે જ જોરદાર ધાંધલ ધમાલ થઇ હતી. આ સ્થિતિ હજુ અકબંધ રહે તેવી શક્યતા છે.