CM રૂપાણીએ કર્યા ભગવાન જગન્નાથના દર્શન,ત્રણેય રથોનું પૂજન કરાયું અમિત શાહ કરશે મંગળા આરતી

CM રૂપાણીએ કર્યા ભગવાન જગન્નાથના દર્શન,ત્રણેય રથોનું પૂજન કરાયું અમિત શાહ કરશે મંગળા આરતી

લાખો શ્રદ્ધાળુઓ જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે ભગવાન જગન્નાથજીની ૧૪૧મી રયયાત્રા આવતીકાલે શનિવારના દિવસે ભારે હર્ષોલ્લાસ અને ભકિતભાવ વચ્ચે નીકળશે. આ વખતે રથયાત્રામાં સૌપ્રથમવાર ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભારતીય અખાડા પરિષદના મોટા સંતો-મહંતો અને કુંભમેળાના સાધુ-સંતો હાજરી આપનાર છે. જે બહુ નોંધનીય વાત છે. આ વર્ષે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામ માટે બનારસ, વૃંદાવન સહિતના પવિત્ર સ્થળોએથી સુંદર અંલકારિક વસ્ત્રો, પાઘડી અને તેને અનુરૂપ વાઘા-વસ્ત્રો અને સાજ શણગાર તૈયાર કરાયા છે. રથયાત્રાની સાથે સાથે નીચે મુજબ છે.
ત્રણેય રથોનું વિધિવત્‌ પૂજન કરાયું
ભગવાન જગન્નાથજી મંદિર, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામના ત્રણેય રથોનું આજે વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ સાથે વિધિવત્‌ પૂજન કરવામાં આવ્યું હતું. રથોની પૂજામાં હનુમાનજી દાદાને ખાસ આહ્વવાહન આપવામાં આવ્યું હતું. ઉપરાંત, તમામ દેવી-દેવતાઓને ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડાવા હૃદયપૂર્વક આમંત્રણ આપવામાં આવ્યું હતું.
રૂપાણી અને નીતિન પટેલ મંદિરમાં પહોંચ્યા
ભગવાનના ત્રણેય રથોના પૂજન બાદ શાંતિ સમિતિના સભ્યોએ ચાર વાગ્યે મંદિરની મુલાકાત લઇ મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાને રથયાત્રાની શુભેચ્છા પાઠવી હતી. એ પછી સાંજે ૬-૦૦ વાગ્યે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબમુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે મંદિરમાં મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ભગવાનના પરંપરાગત પ્રસાદ ખીચડી-પ્રસાદની સામગ્રી કોળા,ગવારફળીનું શાક અને ચોખા-દાળ વગેરે લઇને પધાર્યા હતા. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા વિશેષ પૂજા-આરતી કરી હતી. ત્યારબાદ રાત્રે ૮-૦૦ વાગ્યે મહાઆરતીનું આયોજન કરાયું હતું. જેમાં રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મહેસૂમંત્રી કૌશિક પટેલ, કૃષિમંત્રી આર.સી.ફળદુ, ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને દસ્ક્રોઇના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ અતિથિવિશેષ પદે હાજર રહ્યા હતા.