અમદાવાદમાં ટ્રાફિક મહાઝુંબેશ-2: ચંડોળાથી ઇસનપુરના દબાણો હટાવવાનું શરૂ, સરખેજમાં AMCનો કર્મચારી પટકાયો

અમદાવાદમાં ટ્રાફિક મહાઝુંબેશ-2: ચંડોળાથી ઇસનપુરના દબાણો હટાવવાનું શરૂ, સરખેજમાં AMCનો કર્મચારી પટકાયો

 

અમદાવાદઃ શહેરને ટ્રાફિકમુક્ત બનાવવાની ઝુંબેશ સાથે અમદાવાદ પોલીસ અને AMCના સંયુક્ત ઉપક્રમે બીજી ટ્રાફિક મહાઝુંબેશ શરૂ થઈ ગઈ છે. હજુ ગત સપ્તાહમાં જ તંત્રએ હેવિ ટ્રાફિક ધરાવતા 10 વિસ્તારોમાં દબાણ હટાવો ઝુંબેશ ચલાવી હતી. ત્યારબાદ આજે ફરીથી શહેરના સંવેદનશીલ ગણાતા એવા વિસ્તાર ચંડોળા તળાવથી નારોલ-ઇસનપુર સુધી 10 કિમીની બીજી ટ્રાફિક મહાઝુંબેશ શરૂઆત કરી છે. આ મહાઝુંબેશમાં 2 ડીસીપી 4 એસીપી 50 પોલીસકર્મીઓનો સહિતનો સ્ટાફ કામ કરી રહ્યો છે.

શહેરના ચંડોળા તળાવ આસપાસનો વિસ્તારમાં માઇગ્રેટેડ લોકોની સંખ્યા વધારે છે. આ સાથે અહીં અનેક બાંધકામ ગેરકાયદેસર પણ છે. અનેક વખત આ વિસ્તાર વિવાદમાં આવેલો પણ છે. આથી મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે AMCએ દબાણ હટાવો મહાઝુંબેશ શરૂ કરી છે. ઇસનપુર, ચંડોળા તળાવ, દાણીલીમડા, નારોલ વિસ્તારમાં વર્ષોથી ગેરકાયદે દબાણ કરીને રહેતા લોકોના કારણે સતત ટ્રાફિકની સમસ્યા થતી આવી છે. બીજી તરફ ગેરકાયદે દબાણ કરવાના કારણે મુખ્ય રસ્તા પર 4 ફુટ સુધી દબાણ થઇ ગયા છે. આજે પોલીસે ટ્રાફિક મહાઝુંબેશ શરૂ કરીને રસ્તા પર આવતા તમામ દબાણો હટાવી ટ્રાફિકની સ્થિતીને સુદ્રઢ કરશે.

બીજી તરફ સરખેજ અને અન્ય વિસ્તારમાં પણ પોલીસે ડ્રાઇવ શરૂ કરી છે જેમાં પણ મોટા ભાગના દબાણો હટાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.પોલીસ ડ્રાઇવ દરમિયાન ટ્રાફિકના નિયમનો ઉલ્લઘન કરનાર સામે પણ મેમો આપીને કે નોટીસ આપીને કામગીરી કરી રહી છે.જયારે ડ્રાઇવ માટે એએમસીની પણ મદદ લેવામાં આવી છે.

આજે સવારે સાણંદ સરખેજ રોડ પર દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોર્પોરેશનનો કર્મચારી ઉપરના માળેથી નીચે પટકાયો હતો.જેને ઇજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.હાલ આ અંગેની જાણ થતા કોર્પોરેશનના કર્મચારી પણ હોસ્પિટલ દોડી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સરખેજ- સાણંદ રોડ પર આવેલા જુના રેલ્વે ફાટક પાસે સવારે કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી. તે સમયે રાજકોટ ઓટો નામની દુકાન અને તેની પાસે આવેલી પાઇપની દુકાનના ઉપરના ભાગનું દબાણ હટાવવા માટેની કામગીરી દરમિયાન અચાનક કોર્પોરેશનનો કર્મચારી નીચે પટકાયો હતો. સ્થાનીક લોકો પાસેથી મળતી માહિતી પ્રમાણે દબાણ હટાવવા દરમિયાન અચાનક યુવક નીચે પટકાયો 25 વર્ષના યુવાને ઇજા થતા તેના તાત્કાલીક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે.

ગુજરાત હાઇકોર્ટની AMC અને શહેર પોલીસની ટ્રાફિક મુદ્દે આકરી ઝાટકણી કાઢ્યા બાદ બંને તંત્ર હરકતમાં આવ્યું છે. આમતો હવે બંને તંત્ર પણ ટ્રાફિકના પ્રશ્ને આકરા પાણીએ છે. અંતે હરકતમાં આવેલી પોલીસ અને AMC છેલ્લા ઘણા દિવસથી વિવિધ રીતે ટ્રાફિક નિયમન પર કામ કરી રહી છે. હજુ ગત સપ્તાહમાં સારંગપુરથી રખિયાલ સુધી હેવિ ટ્રાફિક ધરાવતા 10 વિસ્તારોમાં સૌથી મોટી ટ્રાફિક મહાઝુંબેશ ચલાવી હતી. એ પહેલા શહેરના મોડેલ રોડ સમી લો-ગાર્ડન ખાઉગલી હટાવી, સનસ્ટેપ ક્લબ અને રાજપથ કલ્બ સામે ટ્રાફિકની નોટિસ અને સીલ ઇસ્યુ થયા. આજે બીજા મેગા ટ્રાફિક ક્લિંનીંગ અભિયાનમાં ક્રેન, લાઉડસ્પીકર્સ, વીડિયોગ્રાફિર્સ તેમજ એન્ટી ઇન્ક્રોચ્મેન્ટ ટીમ સાથે દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહ્યું છે.