ઈમરાન ખાને સિદ્ધુને ગણાવ્યા શાંતિદૂત

ઈમરાન ખાને સિદ્ધુને ગણાવ્યા શાંતિદૂત
ઇમરાને ટિ્‌વટર પર એક તરફ સિદ્ધૂનો આભાર વ્યક્ત કરતા તેમને શાંતિદૂત ગણાવ્યા હતા તેમના ટિ્‌વટમાં ઈમરાને ફરી એક વખત કાશ્મીર અંગે વાત કરી

ઇસ્લામાબાદ
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા અને પાકિસ્તાનના સેના પ્રમુખને ગળે મળવા પર ઉભા થયેલા વિવાદમાં ઘેરાયેલા કોંગ્રેસના નેતા નવજોત સિદ્ધુના સમર્થન માટે ઇમરાન ખાન પોતે આગળ આવ્યા છે. ઇમરાને ટિ્‌વટર પર એક તરફ સિદ્ધૂનો આભાર વ્યક્ત કરતા તેમને શાંતિદૂત ગણાવ્યા હતા. તેમના ટિ્‌વટમાં ઈમરાને ફરી એક વખત કાશ્મીર અંગે વાત કરી હતી.
ઇમરાને ટ્‌વીટ કર્યું કે, ’હું સિદ્ધૂનો મારા શપથગ્રહણ સમાહોરમાં પાકિસ્તાન આવવા માટે આભાર વ્યક્ત કરું છું. તેઓ શાંતિદૂત છે અને તેમને પાકિસ્તાનના લોકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે. જે લોકો તેમને નિશાન બનાવી રહ્યા છે તેઓ ઉપમહાદ્વીપમાં શાંતિને નુકસાન પહોંચાડી રહ્યા છે. શાંતિ વગર અમારા લોકો વિકાસ નહિં કરી શકે.ઇમરાન આગળની ટિ્‌વટમાં લખ્યું છે, ’આગળ વધવા માટે ભારત અને પાકિસ્તાનને કાશ્મીર સહિત તમામ વિવાદોનો વાતચીત દ્વારા ઉકેલ લાવવો પડશે. ગરીબી હટાવવા અને ઉપ-મહાદ્વીપમાં જીવનસ્તરને ઉપર લઈ જવા માટે સૌથી શ્રેષ્ઠ માર્ગ વાતચીત દ્વારા અમારો ઉકેલ લાવવો અને વેપાર શરૂ કરવાનો છે.બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા અને પાકિસ્તાનના સેના પ્રમુખને ગળે મળવા પર ઉભા થયેલા વિવાદમાં ઘેરાયેલા કોંગ્રેસના નેતા નવજોત સિદ્ધુએ આજે પ્રેસ કોન્ફરન્સ દ્વારા સ્પષ્ટતા કરી છે. સિદ્ધુએ કહ્યું છે કે, આ રાજનૈતિક યાત્રા નહતી અને મેં પણ એ જ કર્યું જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અટલ બિહારી વાજપેયી કરી ચુક્યાં છે.
સિદ્ધૂએ કહ્યું કે, હું અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરૂ છું. પરંતુ કારગીલ યુદ્ધ બાદ તેમને પણ પરવેઝ મુશર્રફ સાથે મુલાકાત કરી હતી. વધુમાં સિદ્ધૂએ કહ્યું કે તેવી જ રીતે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કોઈ જ પ્રકારના આમંત્રણ વગર પાકિસ્તાનના નવાઝ શરીફના પારિવારિક સમારોહમાં ભાગ લેવા ગયા હતાં. આ દરમિયાન સિદ્ધૂએ સ્પષ્ટતા કરતા ભાજપ પર પલટવાર કર્યો હતો. ભાજપે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પાકિસ્તાન યાત્રા પર જવું જોઇએ. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે રાહુલના કહેવા પર જ સિદ્ધૂએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
પાકિસ્તાનના સૈનાધ્યક્ષ બાજવાને ગળે મળવાને લઈને સિદ્ધૂએ કહ્યું હતું કે, આ મુલાકાત ઈસ્લામાબાદના શપથગ્રહણ સમારોહમાં થઈ હતી. મને પહેલી હરોળમાં બેસેલો જોઈ તેઓ ગર્મજોશીથી મને મળ્યાં હતા. તેમણે મને કહ્યું કે, ગુરૂનાનક સાહેબના ૫૦૦મો પ્રકાશ દિવસ ભારતના ડેરા બાબા નામથી પાકિસ્તાનથી અઢીસો કિલોમીટર દૂર આવેલા કરતારપુર સાહેબના દર્શન માટે શ્રદ્ધાળુઓ કોઈ જ રોકટોક વગર પથ પ્રદાન કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ બાબત શક્ય છે. તેમણે કહ્યું હતું કે, અમે શાંતિ ઈચ્છીએ છીએ. સિદ્ધૂએ કહ્યું હતું કે, બાજવાની વાતો મારા માટે ભાવનાત્મક હતી.
પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં સિદ્ધૂએ કહ્યું હતું કે, મારી પાકિસ્તાનની યાત્રાને લઈને ચર્ચા જાગી છે. આ યાત્રા કોઈ પણ પ્રકારે રાજનૈતિક ન હતી. એક મિત્રનું સ્નેહભર્યું આમંત્રણ હતું. એવો મિત્ર જે ભારે સંઘર્ષ બાદ જીવનમાં કઈંક બન્યો હતો અને આજે એવા પદ પર પહોંચ્યો જ્યાંથી તે પાકિસ્તાનની તકદીર બદલવાનું સામર્થ્ય ધરાવે છે. જે પોતાની કાર્યાવધિમાં બંને દેશો વચ્ચેના સંબંધોને સુધારી શકે છે. પાકિસ્તાનમાં આવેલા આ નવા રાજનૈતિક પરિવર્તનથી મને આવી જ આશા હતી.
પાકિસ્તાન સેના પ્રમુખને ગળે લગાડવાને લઈને ભારતમાં ઉભા થયેલા વિવાદ પર સ્પષ્ટતા કરતા સિદ્ધુએ કહ્યું હતું કે, પાકિસ્તાનના સેના પ્રમુખ સાથે મારી કોઈ જ મુલાકાત નથી થઈ. મારા પર અનેક આરોપો લાગ્યા જે વાત પર મને ખેદ પણ છે અને દુખ પણ. છેલ્લે સિદ્ધૂએ કહ્યું કે, પાકિસ્તાનના લોકો, પત્રકારો, રાજનેતાઓ તરફથી મને જે પ્રેમ મળ્યો, તેને લઈને આજે પણ હું ઓત-પ્રોત છું. આ મારા માટે ખુબ જ મોટુ સમ્માન હતું. આ પ્રેમથી મારી આશા વધુ મજબુત બની છે. આવનાર દિવસોમાં બંને દેશો વચ્ચેનો તણાવ ઘટવાની શક્યતાઓ પણ વધી છે.