ડોલર સામે રૂપિયાના સુધારાએ બજારમાં જોમ પૂર્યું – દિલીપ દાવડા

ડોલર સામે રૂપિયાના સુધારાએ બજારમાં જોમ પૂર્યું

– દિલીપ દાવડા

 

ગઈકાલની પીછેહઠ બાદ આજે બજારે સુધારાની ચાલે શરૂઆર કરી હતી અને દિવસ દરમિયાન તે જળવાઈ રહી હતી. બીએસઈ સેન્સેક્ષ ૩૭૭૪૯.૫૯ ખુલી વધીને ૩૭૯૩૨.૪૦  અને ઘટીને ૩૭૬૮૯.૭૧ થઇ આખરે ૩૭૮૫૨.૦૦ પર બંધ રહેતા તેમાં ૨૦૭.૧૦ આંક નો સુધારો જોવાયો હતો. એનએસઈ નિફ્ટી પણ ૧૧૩૮૧.૭૦ ખુલી ઉપરમાં ૧૧૪૫૨.૪૫, નીચામાં ૧૧૩૭૦.૮૦ થઇ અંતે ૧૧૪૩૫.૧૦ પર બંધ રહેતા તેમાં ૭૯.૩૫ અંક નો વધારો જોવાયો હતો.

 

બીએસઈ પર ટ્રેડેડ કુલ ૨૮૩૩ જાતોમાં ૧૩૦૨ વધીને, ૧૩૯૦ ઘટીને તો  ફેરફાર વગર બંધ જોવાઈ હતી જયારે એનએસઈ પર ટ્રેડેડ કુલ ૧૮૯૮ જાતોમાંથી ૮૮૭ માં વધારો, ૮૯૭મા ઘટાડો અને ૧૧૪ ટથષ્ટ જોવાઈ હતી.

 

તુર્કીના ચલણ માં એક જ દિવસમાં પાંચ ટકા થી પણ વધુના ઉછાળાએ વિશ્વના બજારોને સહિયારો પૂરો પડ્યો હતો. વળી આવતી કાલે સ્વતંત્રતા દિવસ નિમિત્તે બજારો બંધ રહેનાર હોઈ નીચામાં વેચાણો કપાયા હોવાનું જણાવાય છે. આને લીધે આજે બજારે હકારાત્મક વલણ પૂર્ણ દિવસ દરમિયાન જાળવી રાખ્યું હતું. વળી આજે આશરે ૧૦૬૫ કંપનીઓના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર થવાના હોઈ અન્ય જાતોમાં પણ લેવાલીનો દોર જોવાયો હતો.

 

એનએસઈ પર વધનાર મુખ્ય જાતોમાં સન ફાર્મા, યસ બેંક, લુપીન, સિપ્લા, બજાજ ફાઈનાન્સ નો સમાવેશ થતો હતો જયારે ધટનારામા યુપીએલ, અદાની પોર્ટસ, હીરોમોટો, ભારતી એરટેલ અને એચપીસીએલ મુખ્ય હતા. બીએસઈ પર વધનાર અગ્રણી પાંચ જાતોમાં સન ફાર્મા, યસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એક્ષિસ બેંક, રિલાયન્સ ઇન્ડ. મુખ્ય હતા તો ઘટનાર તરીકે હીરોમોટો, એલ એન્ડ ટી, અદાની પોર્ટસ, એનટીપીસી અને ભારતી એરટેલ હતા. એફ એન્ડ ઓ નાં ખેલાડીઓમાં ચાલુ માસ માટે નિફ્ટી નું ૧૧૫૦૦ નું લેવલ મહત્વનું ગણાય છે.

 

હવે બજાર ગુરુવારે ફરી ખુલશે ત્યારે વિશ્વની તેમજ ઘર આંગણાની ગતિવિધિઓનો પડઘો જોવા મળશે. વચગાળાની રજાને લીધે વેચાણો કાપતા તેમ જ તુર્કીના ચલણમાં વધારાએ આજે બજારમાં ઇંધણ પૂર્યું હોવાનું કહેવાય છે.

 

આજે ઝીમ લેબ માં બોનસ ની જાહેરાત થવાની રાહે રૂ. ૩૭૫ ની ઉપલી સર્કીટ લાગી હતી. મોડી સાંજે કંપનીએ ૧૦% ડીવીડન્ડ તેમ જ ૧ શેરે ૧ શેર બોનસ જાહેર કર્યું હતું. અન્ય રોકડાની જાતોમાં પરિણામ લક્ષી ચાલ જોવા મળી હતી.