ધાનાણીના મગફળી કાંડના વિરોધમાં 72 કલાકના ઉપવાસ, MLA સિધ્ધાર્થ પરમાર પણ જોડાયા

ધાનાણીના મગફળી કાંડના વિરોધમાં 72 કલાકના ઉપવાસ, MLA સિધ્ધાર્થ પરમાર પણ જોડાયા

 

અમદાવાદ: ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા ગુજરાતમાં થયેલા મગફળી કૌભાંડના દોષિતોને સજા થાય તેવી માંગ સાથે આજે ઉપવાસ કરી રહ્યા છે. સાબરમતી સ્થિતિ ગાંધી આશ્રમ પહોંચીને ધાનાણીએ બાપૂના હૃદયકુંજમાં શીશ નમાવીને પગલે લાગ્યા હતા. ત્યારબાદ બહાર બેસીને ઉપવાસની શરૂઆત કરી હતી. ઉપવાસમાં ધારાસભ્ય સિધ્ધાર્થ પરમાર સહિતના અન્ય નેતાઓ પણ જોડાયા હતા.

પરેશ ધાનાણીએ બાપૂને શીશ ઝૂકાવ્યું, હૃદયકુંજથી ઉપવાસ આરંભ્યા

અમદાવાદમાં મગફળી કાંડનો વિરોધ

સાબરમતી આશ્રમ પાસે જ ધાનાણી ઉપવાસ કરી રહ્યા છે. પેઢલા ખાતેથી શરૂ કરાયેલા ધરણાનો સિલસિલો અમદાવાદ સુધી પહોંચ્યો છે. ધાનાણી આ મામલે ઉગ્ર વિરોધ નોંધાવીને સરકારને આડેહાથ લઈ રહ્યા છે અને એક બાદ એક પ્રહાર કરીને સરકારની મુશ્કેલીઓ વધારી રહ્યા છે.

જેતપુર પાસેના ગોડાઉનમાં માટીની ભેળસેળ કરાઇ હતી

મગફળીના જથ્થામાં ધૂળ ભેળવવાના કૌભાંડમાં પોલીસે બુધવારે જેતપુરના વિશાલ નામના શખ્સને દબોચી લીધો હતો. મગફળીમાં ધૂળ ભેળવવામાં વિશાલની વરવી ભૂમિકા હતી. વિશાલે પોલીસ સમક્ષ વટાણા વેરી નાખ્યા હતા. જેતપુર પાસેના ગોડાઉનમાં માટીની ભેળસેળ કરવામાં આવતી હોવાની કેફિયત આપી હતી. ભેળસેળમાં અન્ય કોઇની સંડોવણી હતી કે કેમ તે બાબતે પોલીસે વિશાલની વિશેષ પૂછપરછ શરૂ કરી હતી.

પોલીસે 22 શખ્સોની કરી છે ધરપકડ

જેતપુરના પેઢલા ગામે નાફેડે ભાડે રાખેલા ગોડાઉનની મગફળીમાંથી ધૂળ, માટીના ઢેફા નીકળતા કૌભાંડ બહાર આવ્યું હતું. કૌભાંડમાં સંડોવાયેલા 22 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. જેમાં નાફેડના ચેરમેન વાઘજી બોડાનો કૌટુંબિક ભત્રીજો રોહિત બોડા, સૌરાષ્ટ્ર વેરહાઉસના મેનેજર મગન જાલાવડિયા, ધણેજ સહકારી મંડળીના પ્રમુખ કાળુભાઇ, 4થી વધુ અધિકારીઓ અને સહકારી મંડળીના 15થી વધુ શખ્સોનો સમાવેશ થાય છે.

કૌભાંડ કોના ઇશારે થયું? પોલીસ હજુ સુધી બહાર લાવી શકી નથી

મગફળી કૌભાંડ અંગે ગત તા.1ના ફરિયાદ નોંધાયા બાદ બીજા દિવસથી જ પોલીસે ધરપકડનો દોર શરૂ કર્યો હતો. અઠવાડિયામાં 29 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં મુખ્ય કાવતરાખોર તરીકે મગન ઝાલાવડિયા હોવાનું બહાર આવ્યું છે, પરંતુ સમગ્ર કૌભાંડ કોના ઇશારે થયું હતું તે બાબત હજુ સુધી સ્પષ્ટ થઇ નથી. મગન ઝાલાવડિયા સમગ્ર કૌભાંડ આચરી શકે તેવી શક્યતા દેખાતી નથી. પડદા પાછળનો કસબી કોણ છે, મગન ઝાલાવડિયા અને તેના સાથીદાર માનસિંગ સહિતના લોકો પોલીસ સકંજામાં છે, પરંતુ મુખ્ય સૂત્રધાર કોણ?, તે બાબત બહાર કાઢવામાં પોલીસ હજુ સુધી સફળ થઇ નથી. સમગ્ર ટોપલો મગન પર ઓઢાડી હંમેશ માટે પડદો પાડી દેવાશે કે સૂત્રધાર સુધી પોલીસ પહોંચશે તે બાબત આગામી દિવસોમાં સ્પષ્ટ થઇ જશે.