યુપી : પ્રિયંકાને રાયબરેલીથી મેદાનમાં ઉતારવા માટે માંગ

યુપી : પ્રિયંકાને રાયબરેલીથી મેદાનમાં ઉતારવા માટે માંગ

રાયબરેલી,તા. ૬
લોકસભાની ચૂંટણી આડે હવે વધારે સમય રહ્યો નથી ત્યારે દરેક પાર્ટી પોત પોતાની વ્યુહરચના તૈયાર કરવામાં લાગેલી છે. કોંગ્રેસે પણ તેની રણનિતી તૈયાર કરવાની શરૂઆત કરી દીધી છે. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીની હાલત અન્ય તમામ પાર્ટી કરતા સૌથી વધારે ખરાબ છે. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસના કાર્યકરો હવે માંગ કરી રહ્યા છે કે પ્રિયંકા ગાંધી વાઢેરાને રાયબરેલીથી ચૂંટણી મેદાનમાં ઉતારી દેવામાં આવે. આ સંબંધમાં ઉત્તરપ્રદેશ પાર્ટી એકમના લોકો કોઇ વાત કરવાની સ્થિતીમાં હાલમાં દેખાઇ રહ્યા નથી. જો કે ટુંક સમયમાં જ આ સંબંધમાં અંતિમ નિર્ણય કરવામાં આવશે તેવા સંકેત ચોક્કસપણે મળી રહ્યા છે. કાર્યકરો આને લઇને પોસ્ટર પણ શેયર કરી રહ્યા છે. કોંગ્રેસને પોતાના ગઢને મજબુત કરવાની ઇચ્છા છે તો પ્રિયંકાને તક આપવી જોઇએ તેમ કોંગ્રેસના સમર્થક મતદારો કહી રહ્યા છે. બીજી બાજુ કોંગ્રેસના નેતાઓમાં પણ પ્રિયંકા વાઢેરાને મેદાનમાં લાવવા માટેની માંગ ફરી ઉઠી છે. જ્યારે પણ કોઇ ચૂંટણી આવે છે ત્યારે પ્રિયંકાને મેદાનમાં લાવવા માટેની માંગ કરવામાં આવે છે પરંતુ આ માંગમાં રાજકીય નિષ્ણાંતો માને છે કે હવે કોઇ દમ નથી. દરેક ચૂંટણી વેળા આ પ્રકારની માંગ ઉઠે છે. છેલ્લી લોકસભા ચૂંટણી દરમિયાન પ્રિયંકા દ્વારા પ્રચારમાં પણ ભાગ લેવામાં આવ્યો હતો. જો કે કોઇ મોટી છાપ દેખાઇ ન હતી. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સાથે દેખાયા હતા તેની પણ કોઇ અસર રહી ન હતી. પ્રિયંકા ગાંધી વાઢેરા લોકસભા ચૂંટણી લડશે કે કેમ તે અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે ઉત્તરપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રાજબબ્બરે કહ્યુ છે કે પ્રિયંકા વાઢેરા ચૂંટણી લડશે કે કેમ તે અંગે નિર્ણય પ્રમુખ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા વાઢેરા પોતે કરશે. રાજ બબ્બરે કહ્યુ હતુ કે તેઓ તો માત્ર એક કાર્યકર તરીકે છે.