the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

સન એન્ડ સ્ટેપ કલબ વિસ્તારમાં દબાણો દૂર શહેરમાં આક્રમક ડિમોલિશન ડ્રાઇવ અકબંધ : લોકોમાં ચર્ચા

કોર્પોરેશન તંત્રની આક્રમક કાર્યવાહીની પ્રશંસા : શહેરના ૨૫ મોડેલ રસ્તા ઉપર તંત્ર દ્વારા ડિમોલિશન ડ્રાઇવ શરૂ

અમદાવાદ, તા.૨
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા ગઈકાલે શહેરના પ્રસિદ્ધ લો ગાર્ડનનાં ખાણી પીણી બજારનો સફાયો કરી રોડ ખુલ્લો કરી દેવાતાં શહેરભરમાં ભારે ચર્ચા ચાલી હતી પરંતુ આજે વહેલી સવારથી અમ્યુકો તંત્રના એસ્ટેટ વિભાગના અધિકારીઓ જેસીબી મશીન, જરૂરી ટીમ અને પોલીસના બંદોબસ્ત સાથે શહેરના ઘાટલોડિયા, સત્તાધાર ચાર રસ્તા, હાટકેશ્વર, ઇસનપુર, કોટ વિસ્તાર સહિતના વિસ્તારોમાં મર્દાનગીભરી ડિમોલિશન ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. આ સાથે જ અમ્યુકોએ શહેરના ૨૫ મોડેલ રોડ પર ગેરકાયદે દબાણો અને બાંધકામને દૂર કરવાની ઓપરેશન ડિમોલિશનની કામગીરીનો પ્રારંભ કર્યો હતો. અમ્યુકો સત્તાવાળાઓએ પશ્ચિમ વિસ્તારમાં આવેલી સન એન્ડ સ્ટેપ કલબના ગેરકાયેદ પાર્કિંગ અને સ્થાનિક દબાણોને દૂર કરી રોડ ખુલ્લો કરાતાં ભારે ચકચાર મચી ગઇ હતી. જેને લઇ આજે અમ્યુકોની મર્દાનગીભરી ડિમોલિશન ડ્રાઇવ શહેરભરમાં ટોક ઓફ ધ ટાઉન બની રહી હતી. તો, અમરાઇવાડીમાં નાગરવેલ હનુમાનજી મંદિર રોડ પર સૂરજ સ્ટીલ કોર્પોરેશનને સ્ટીલના સળિયા બહાર ફુટપાથ રાખવા બદલ અમ્યુકો તંત્રએ સ્થળ પર જ એક લાખ રૂપિયાનો દંડ ફટકારતાં ચકચાર મચી ગઇ હતી. શહેરમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવાયેલા ૨૫ જેટલા મોડલ રોડની ફૂટપાથ દબાણગ્રસ્ત બની ગઇ હોઈ અમ્યુકો તંત્ર દ્વારા આ તમામ મોડલ રોડનાં દબાણનો સફાયો કરવાની દિશામાં જબરદસ્ત ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરાઇ છે. આજે શહેરના હાટકેશ્વરમાં લાલ બહાદુર શાસ્ત્રી રિંગ રોડ પરના મોડલ રોડના દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાતા સ્થાનિક લોકોના ટોળેટોળા જોવા માટે ઉમટી પડ્‌યા હતા. ગઇકાલે લો ગાર્ડન વિસ્તારમાં એનસીસી સર્કલથી ઠાકોરભાઈ દેસાઈ હોલવાળા ચાર રસ્તા સુધીના ૨૫૦ મીટર લાંબા રોડ પરના લો ગાર્ડન ખાણીપીણી બજાર સહિતની દબાણો દૂર કરી માર્ગ ખુલ્લો કરાતાં ભારે ચકચાર મચી ગઈ હતી. જે દરમિયાન ૬૭ જેટલી દબાણ ગાડી ભરીને માલ સામાન જપ્ત કરી મ્યુનિસિપલ ગોડાઉનમાં જમા કરાવાયો હતો. વર્ષ ૨૦૧૧ના સમયગાળામાં તત્કાલિન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ અને તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર ગુરુપ્રસાદ મહાપાત્રા દ્વારા ઔડાની જૂની લિમિટના મોડલ રોડના આધારે શહેરમાં મોડલ રોડ તૈયાર કરવાનો નવતર પ્રયોગ હાથ ધરાયો હતો. જોકે મોડલ રોડ ‘દબાણ મુક્ત’ બનવો જોઈએ તેવી તેની પહેલી શરત હતી. તેમ છતાં એસ્ટેટ વિભાગના કેટલાક ભ્રષ્ટ સ્ટાફના કારણે તમામે તમામ મોડલ રોડની ફૂટપાથ પર લારી-ગલ્લાનાં દબાણ થયાં છે. ગઈ કાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શાસક ભાજપના સભ્યોએ સામૂહિક રીતે લો ગાર્ડનનાં ખાણી પીણી બજારનાં દબાણનો સફાયો કરવાની તંત્રની કામગીરીની પ્રશંસા કરવાની સાથે સાથે સામૂહિક રીતે મોડલ રોડ પરનાં દબાણની ફરિયાદ કરી હતી. જેને કમિશનર વિજય નહેરાએ ગંભીરતાથી લઈને સઘળા અધિકારીઓને શુક્રવારની સાંજ સુધીમાં તમામ દબાણ હટાવી દેવાની કડક સૂચના આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૧માં શહેરમાં ફેઝ-એક હેઠળ કુલ ૩૭.૧૦ કિ.મી. લંબાઈ કુલ સાત મોડલ રોડ બનાવાયા હતા. જેમાં નવા પશ્ચિમ ઝોનના પલ્લવ ચાર રસ્તાથી કર્ણાવતી મોટર્સ સુધીનો સાત કિ.મી.સુધીનો લાંબો રસ્તો તેમજ પશ્ચિમ ઝોનમાં ઉસ્માનપુરા ચાર રસ્તાથી પાસપોર્ટ ઓફિસ સુધીના ૩.૭૦ કિ.મી. લાંબા રસ્તાનો સમાવેશ થાય છે. જ્યારે વર્ષ ૨૦૧૨માં ફેઝ-બે હેઠળ કુલ ૩૩.૯૫ કિ.મી. લંબાઈના કુલ ૧૮ મોડલ રસ્તા તૈયાર કરાયા હતા. જેમાં પશ્ચિમ ઝોનના નહેરુનગરથી ગુજરાત કોલેજ સુધીનો ૨.૨૦ કિ.મી. લંબાઈનો રસ્તો, આશ્રમ રોડના બાટા હાઉસથી સરદાર પટેલ બ્રિજ સુધીનો ૩.૪૫ કિ.મી. લંબાઈનો રસ્તો અને નવા પશ્ચિમ ઝોનમાં એસ.જી. હાઈવેથી હેલ્મેટ ચાર રસ્તા સુધીના રસ્તાનો સમાવેશ થાય છે. મોડલ રોડને દબાણમુક્ત બનાવવાની સાથે સાથે સુવ્યવસ્થિત ફૂટપાથ, કેટઆઈ, સેન્ટ્રલ વર્જ, રોડ પાર્કિંગ, ઝિબ્રા ક્રોસિંગ પર પટ્ટા વગેરેથી સુશોભિત કરવા એક કિ.મી.એ આશરે રૂ. ૫૦ લાખ મ્યુનિસિપલ તિજોરીમાંથી ખર્ચાયા હતા.