the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

૭૨મુ સ્વાતંત્ર્ય પર્વ રાજયકક્ષા ઉજવણી : સુરેન્દ્રનગરમુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે  સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે રેલવે ઓવરબ્રીજનું ખાતમુહૂર્ત

૭૨મુ સ્વાતંત્ર્ય પર્વ રાજયકક્ષા ઉજવણી : સુરેન્દ્રનગર

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે  સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે રેલવે ઓવરબ્રીજનું ખાતમુહૂર્ત

રેલવે ઓવરબ્રીજ લોકસુખાકારીના નિર્માણમાં શિરમોર સાબિત થશે :
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો આશાવાદ

સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ સુરાજય સ્થાપન માટે

સંકલ્પબદ્ધ થવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનું આહવાન

લોકકલ્યાણ માટે અમલી બનાવાયેલી વિવિધ યોજનાઓનો લાભ લેવા

 મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો અનુરોધ

 

સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષાની ઉજવણી સુરેન્દ્રનગર ખાતે ઉજવાઇ રહી છે, જેના ભાગરૂપે મુખ્યમંત્રી
શ્રી વિજયભાઇ રૂપાણીએ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે રેલવે ઓવરબ્રીજનું ખાતમુહૂર્ત કર્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, થાનગઢ શહેરમાંથી રોજ ૭૫ વખત ટ્રેઇન પસાર થતી હોય ત્યારે ફાટક બંધ થવાની સમસ્યા લોકો માટે ઘણી કષ્ટદાયક હોય છે. આ સમસ્યાના નિવારણ માટે રાજય સરકારે વહીવટી પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બનાવી યુદ્ધના ધોરણે રેલવે ઓવરબ્રીજના નિર્માણ માટે કમર કસી છે. આ તકે શ્રી રૂપાણીએ એવો આશાવાદ પ્રગટ કર્યો હતો કે, આ ઓવરબ્રીજ થાનગઢના નાગરિકોની લોકસુખાકારી માટે શિરમોર સાબિત થશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ સુરાજય સ્થાપન માટે સંકલ્પબદ્ધ થવા આહવાન કર્યું હતું, અને લોકોની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પૂર્ણ કરવી એ રાજય સરકાર માટે પ્રથમ પ્રાથમિકતા બની રહેશે, એમ ઉમેર્યુ હતું.

રાજય સરકારે લોક-કલ્યાણ માટે અમલી બનાવાયેલી વિવિધ યોજનાઓની સિલસિલાબંધ વિગતો ટાંકીને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉપસ્થિતોને આ યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તેમના ઉદબોધનમાં સૌની, મુખ્યમંત્રી અમૃતમ, જરૂરતમંદો માટે રૂ.૧૨૦૦માં એસ.ટી. બસની ઉપલબ્ધિ, અકસ્માતે અવસાન પામતા ગરીબની અંતિમ વિધિ માટે રાજય સરકાર દ્વારા શબવાહિનીના પૈસાની સગવડ, રસ્તા પર અકસ્માત પામેલ ગરીબને તાત્કાલિક ૫૦ હજારની સહાય, વગેરેનો ઉલ્લેખ કર્યો હતો.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિવાદ નહીં, સંવાદની નીતિથી કામ કરતી રાજય સરકારની સર્વાંગી વિકાસને વરેલી કાર્યપ્રણાલિની વિશદ સમજણ આપી હતી, અને લઘુત્તમ સાધનોના મહત્તમ ઉપયોગ પર ભાર મુકયો હતો.

બુલેટ ટ્રેઇન, વર્ચ્યુઅલ કલાસરૂમ, ડી-સેલીનેશન પ્લાન્ટ, પાણીનું રી-સાઇકલીંગ, ચેઇન સ્નેચરને ૧૦ વર્ષની સજા, કડક દારૂબંધી, દબાણ હટાવની કડક કામગીરી, વગેરે બાબતો વિષે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને સવિસ્તર સમજ  આપી હતી, અને આનાથી થનારા ફાયદાઓ વિષે લોકોને માહિતગાર કર્યા હતા.

સ્ટેજ પરથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રીમોટ કંટ્રોલથી થાનગઢ રેલવે ઓવરબ્રીજનું ડિજિટલ ખાતમુહૂર્ત કર્યું હતું. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રૂ. ૪૮.૩૧ લાખના ખર્ચે બનનારા નવા બનનારા રેલવે ઓવરબ્રીજ અંગેની ટૂંકી ડોકયુમેન્ટ્રી ફિલ્મ આ પ્રસંગે રજૂ કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે દિપપ્રાગટયથી કાર્યક્રમનો શુભારંભ થયા બાદ પ્રાર્થનાગીત રજૂ થયું હતું. થાનગઢ નગરપાલિકાના પ્રમુખ શ્રી વિજયભાઇ ભગતે સ્વાગત પ્રવચનમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત થયેલા રેલવે ઓવરબ્રીજની વિગતો વર્ણવી હતી. વિવિધ સમાજના આગેવાનો તથા અગ્રણી સંસ્થાઓએ મુખ્યમંત્રીશ્રીને પુષ્પગુચ્છ, ફળો, કલાત્મક  છત્રી, સ્મૃતિચિહ્ન વગેરેથી આવકાર્યા હતા. કાર્યક્રમના પ્રારંભે જાણીતા લોકગાયક કિંજલ દવે, પ્રાથમિક શાળાની છાત્રાઓ વગેરેએ સાંસ્કૃતિક કૃતિઓ દ્વારા ઉપસ્થિતોને કલાની રસલ્હાણ પીરસી હતી.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પસાર થયા તે હેલીપેડથી સભા સ્થળ સુધીના રસ્તામાં ભરવાડ રાસ, યોગ નિદર્શન, ભરત નાટયમ નૃત્ય, પ્રાચીન રાસ વગેરે રજૂ કરવામાં આવ્યા હતા, આખા રસ્તા પર ગોઠવવામાં આવેલા ટેબ્લોનું શ્રી રૂપાણીએ રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું, જેમાં મુખ્યમંત્રી અમૃતમ યોજના, રોડ અકસ્માત સહાય, સ્વચ્છ ભારત અભિયાન, જળસંગ્રહ અભિયાન, સેવા સેતુ કાર્યક્રમ, મેઇક ઇન ઇન્ડિયા વગેરેનું નિદર્શન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સંસદસભ્ય શ્રી દેવજીભાઇ ફતેપરા, ધારાસભ્ય શ્રી ઋત્વિકભાઇ મકવાણા, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ શ્રી દિલીપભાઇ પટેલ, શહેર ભા.જ.પ. પ્રમુખ શ્રી પ્રતાપભાઇ ખાચર, ભા.જ.પ.યુવા મોરચાના પ્રમુખ શ્રી ઋત્વિજભાઇ પટેલ, સુરસાગર ડેરીના ચેરમેન શ્રી બાબાભાઇ ભરવાડ, રીજીયોનલ કમિશનર શ્રી સી.પી.નેમા, કલેકટર શ્રી કે. રાજેશ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પી. બી. વલવાઇ, મામલતદાર શ્રી આર.એમ. દત્તાણી, પૂર્વ સાંસદ શ્રી શંકરભાઇ વેગડ, જાણીતા હાસ્ય કલાકાર શ્રી શાહબુદ્દીન રાઠોડ, વિવિધ ધાર્મિક જગ્યાઓના મહંતો, સીરામિક એસોસીએશનના હોદ્દેદારો, સરકારી અધિકારીઓ, મોટી સંખ્યામાં નગરજનો વગેરે ઉપસ્થિત રહયા હતા.