અંકુશરેખા પર યુદ્ધવિરામનો ભંગ કરી પાકિસ્તાનનો ફરીથી ગોળીબાર

ગોળીબારમાં ચાર ભારતીય જવાનોને નજીવી ઇજાઓ થઇ
અંકુશરેખા પર યુદ્ધવિરામનો ભંગ કરી પાકિસ્તાનો ફરીથી ગોળીબાર

તંગધાર સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારનો જડબાતોડ જવાબ અપાયો : સામ સામે ગોળીબારથી તંગદિલી : ઘુસણખોરીના પ્રયાસો

જમ્મુ કાશ્મીરના કુપવારા જિલ્લામાં તંગધાર સેક્ટરમાં પાકિસ્તાની સૈનિકોએ યુદ્ધવિરામનો ભંગ કરીને ફરી એકવાર ભીષણ ગોળીબાર કર્યો છે. આ ગોળીબારમાં ચાર જવાનો ઘાયલ થયા હોવાના અહેવાલ મળ્યા છે. પાકિસ્તાની સૈનિકોએ આતંકવાદીઓને ઘુસાડવાના હેતુસર વારંવાર ગોળીબાર જારી રાખ્યો છે. તંગધાર સેક્ટરમાં અંકુશરેખા ઉપર સઇદપોરા વિસ્તારમાં આ ગોળીબાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની સૈનિકોએ કોઇપણ ઉશ્કેરણી વગર ભારતીય ચોકીઓને ટાર્ગેટ બનાવીને ગોળીબાર કર્યો હતો જેના જવાબમાં ભારતીય સેનાએ પણ કાર્યવાહી કરી હતી. સવારે પાંચ વાગ્યા સુધી આ ગોળીબારનો દોર ચાલ્યો હતો. હાલમાં આતંકવાદીઓ દ્વારા મોટાપાયે ઘુસણખોરી કરવામાં આવી રહી છે. ગુરુવારે સવારે પાંચ ત્રાસવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા. આ હથિયારોથી જાણવા મળે છે કે, પાકિસ્તાન દ્વારા તમામ સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ પહેલા સ્વતંત્રતા દિવસના પ્રસંગે કાશ્મીરમાં આતંક મચાવવાની ઘાતક યોજનાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો જેના ભાગરુપે ઘુસણખોરી કરી રહેલા બે ત્રાસવાદીઓને ઠાર કરાયા હતા. બાંદીપોરા જિલ્લાના ગુરેજ સેક્ટરમાં આ ઓપરેશન હાથ ધરાયું હતું જેમાં એક મેજર સહિત સેનાના ચાર જવાન શહીદ થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા ગુરુવારે જમ્મુકાશ્મીરના શોપિયનમાં ભારતીય સેનાને મોટી સફળતા હાથ લાગી હતી. સેનાએ એક મોટી કાર્યવાહીને અંજામ આપીને પાંચ કુખ્યાત ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ઠાર કરી દેવામાં આવેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ગયા શુક્રવારે સેનાને માહિતી મળી હતી કે કિલોરામાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ છુપાયા છે. બાતમી મળ્યા બાદ તરત જ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઘટનાસ્થળે સેનાના જવાનો પહોંચ્યા બાદ ત્રાસવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો હતો.
જવાબી કાર્યવાહી કરવામાં આવ્યા બાદ થોડાક સમય સુધી સામ સામે ગોળીબારની રમઝટ જામી હતી. ત્યારબાદ તમામ ત્રાસવાદી ઠાર થયા હતા. ભારતીય સેનાની આને મોટી સફળતા તરીકે ગણવામાં આવે છે. ગઇકાલે સેનાએ ત્રાસવાદી કમાન્ડરને ઠાર મારી દીધો હતો.