56 ઈંચની છાતીવાળા મોદીજી રાફેલ ડીલના સવાલો પર એક મિનિટ પણ જવાબ ન આપી શક્યા- જયપુરમાં રાહુલ ગાંધી

56 ઈંચની છાતીવાળા મોદીજી રાફેલ ડીલના સવાલો પર એક મિનિટ પણ જવાબ ન આપી શક્યા- જયપુરમાં રાહુલ ગાંધી

 

જયપુર: રાજસ્થાનમાં ભાજપના ચૂંટણી અભિયાનની શરૂઆતના એક માસ બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી શનિવારે જયપુર પહોંચ્યા. તેઓએ કોંગ્રેસના ચૂંટણી અભિયાનની શરૂઆત 13 કિલોમીટર લાંબા રોડ શો કાઢીને કરી હતી. રેલીમાં રાહુલે બેકારી, ખેડૂત આત્મહત્યા, રાફેદ ડિલ અને ભ્રષ્ટાચારના મુદ્દે મોદી સરકાર પર નિશાન સાધ્યું. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે 56 ઈંચની છાતીવાળા વડાપ્રધાન રાફેદ ડીલ પર મારા સવાલોના એક મિનિટ પણ જવાબ ન આપી શક્યા.

– કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, “મોદીજીએ કહ્યું હતું કે હું વડાપ્રધાન નહીં ચોકીદાર બનવા માંગુ છું. મોદીજીએ રાફેલનો કોન્ટ્રાક્ટ વ્યવસાયી મિત્ર અનિલ અંબાણીની સાત દિવસ જૂની કંપનીને આપી દીધો. દેશમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ 70 વર્ષથી વિમાન બનાવે છે, પરંતુ વડાપ્રધાન સીધા ફ્રાંસ ગયા તેમની સાથે અનિલ અંબાણી પણ ગયા હતા. તેમની ઉપર 43 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. તેઓએ જીવનમાં એક પણ પ્લેન નથી બનાવ્યું. 540 કરોડનું એક વિમાન 1600 કરોડમાં ખરીદાયું. જ્યારે કોન્ટ્રાક્ટ બદલવા અંગે સવાલ કરૂ છું તો મોદીજી ક્યારેક આંખમાં આંખ નાંખીને વાત નથી કરતા. તેઓએ રાફેલમાં ચોરી કરી, બધું જ એક દિવસે સામે આવશે.”

– રાહુલે કહ્યું, “મોદીજી કહે છે કે દર વર્ષે બે કરોડ યુવકોને રોજગાર આપીશ. ચાર વર્ષમાં મોદીએ એક પછી એક ખોટું બોલ્યા. સરકાર એક દિવસમાં માત્ર 450 યુવાનોને રોજગાર આપી શકી. અભ્યાસમાં મહેનત કરવા બદલ તમને રોજગાર ન મળી શકે કેમકે તમે અંબાણી નથી. સરકારે માત્ર 15-20 ઉદ્યોગપતિઓના 2 લાખ 20 હજાર કરોડના દેવા માફ કર્યાં. હું એકવખત મોદીજીની ઓફિસે ગયો. તેમને ખેડૂતોના દેવા માફ કરવાનું કહ્યું. તેઓ લાખો રૂપિયાના કુર્તામાં હતા. રાફેલની જેમ તે દિવસે પણ એક શબ્દ ન બોલ્યાં. નોટબંધી કરી નાના વેપારીઓને પહેલાં માર્યાં. પછી મોટા ઉદ્યોગપતિઓની મદદ કરવા ગબ્બસ સિંહ ટેક્સ (GST) લાવ્યાં.”