મંદિર નિર્માણ માટે હવે વટહુકમ લાવવા હિન્દુ સંગઠનોની માંગણી

સુપ્રીમમાં સુનાવણી ટળી જતાં રાજકીય નિવેદનબાજી તીવ્ર
મંદિર નિર્માણ માટે હવે વટહુકમ લાવવા હિન્દુ સંગઠનોની માંગણી
રામ મંદિર નિર્માણ માટે વટહુકમ લાવવાની વિશ્વ હિન્દુ પરિષદ, શિવસેના, શિયા વક્ફ બોર્ડની માંગ : મહંત પરમહંસદાસની આત્મહત્યાની પણ ચેતવણી

નવીદિલ્હી, તા. ૨૯
સુપ્રીમ કોર્ટે અયોધ્યા મામલામાં સુનાવણી જાન્યુઆરી સુધી ટાળી દીધા બાદ હિન્દુવાદી સંગઠનોએ એકબાજુ મોદી સરકાર ઉપર રામ મંદિરના નિર્માણ માટે દબાણ વધારાનું શરૂ કરી દીધું છે. વિશ્વ હિન્દુ પરિષદે પણ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આજે કેન્દ્ર સરકારને રામ મંદિર માટે વટહુકમ લાવવાની માંગ કરી હતી. ભાજપના સાથી પક્ષ શિવસેના અને શિયા વક્ફ બોર્ડે પણ આવી જ માંગ કરીને કેન્દ્ર સરકાર પર દબાણ વધારી દીધું છે. સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ જમીન માલિકી હક વિવાદ મામલામાં અપીલને આગામી વર્ષે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી ટાળી દીધા બાદ મોદી સરકાર ઉપર હવે દબાણ વધારવામાં આવી રહ્ય છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વમાં ત્રણ સભ્યોની બેંચે કહ્યું છે કે, યોગ્ય બેંચ આગામી વર્ષે જાન્યુઆરી મહિનામાં સુનાવણીની તારીખ નક્કી કરશે. શિવસેનાના નેતા ંસંજય રાવતે કહ્યું છે કે, કોર્ટ અયોધ્યા મામલા પર ચુકાદો આપે છે તેને લઇને તેમને વધારે ધ્યાન નથી પરંતુ મોદી સરકાર રામ મંદિર માટે વટહુકમ લાવીને આ દિશામાં આગળ વધી શકે છે. શિયા વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ આજે કહ્યું હતું કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની ઇચ્છા ધરાવે છે. વિશ્વ હિન્દુ પરિષદે મંદિર નિર્માણ માટે વટહુકમ લાવવાની માંગ કરી છે. વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તાએ કહ્યું છે કે, સંસદના શિયાળુ સત્રમાં મંદિર નિર્માણ માટે વટહુકમ લાવી શકાય છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય ઉપર પ્રતિક્રિયા આપતા વિહિપના પ્રવક્તાએ કહ્યું છે કે, આનાથી ચુકાદામાં વિલંબ થશે. અયોધ્યામાં મંદિર નિર્માણ માટે પોતાના આંદોલનને વધુ તીવ્ર કરવામાં આવશે. મહંત પરમહંસદાસે સરકારથી રામ મંદિર એક મહિનાની અંદર કાયદા મારફતે નિર્માણ કરવાની વાત કરવા અપીલ કરી છે. પરમહંસનું કહેવું છે કે, છેલ્લી વખતે જ્યારે તેઓએ અનશન કર્યા હતા ત્યારે તેમને બળજબરીપૂર્વક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે રામ મંદિર ઉપર તરત કાયદાની માંગ કરે છે. જો આવું નહીં કરવામાં આવે તો તેઓ ફરી આંદોલન કરશે. અયોધ્યા મામલામાં સુનાવણી ટળી ગયા બાદ રાજકીય નિવેદનબાજી વધુ તીવ્ર બની ગઈ છે. ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યએ કોઇ નિવેદન કરવાનો ઇન્કાર કર્યો છે. વિનય કટિયારે કોંગ્રેસના દબાણમાં કામ કરવાનો આક્ષેપ કર્યો છે. કેન્દ્રીયમંત્રી ગીરીરાજસિંહે કહ્યું છે કે, હવે હિન્દુઓ ધીરજમાં રહેવા માંગતા નથી. જો હિન્દુઓ બેકાબુ થશે અને ધીરજ ગુમાવશે તો શું થશે તેવી વાત ગીરીરાજસિંહે કરી હતી. કેશવ પ્રસાદ મોર્યએ કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપે છે. આના પર તેઓ કોઇ ટિપ્પણી કરવા માંગતા નથી પરંતુ સુનાવણી ટળી જવાથી કોઇ સારો સંકેત ગયો નથી. કઇ પરિસ્થિતિમાં સુનાવણી ટળી છે તે જોવામાં આવશે. વિનય કટિયારે કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટ પાસેથી દરરોજ સુનાવણીની અપેક્ષા હતી પરંતુ આ બાબત થઇ શકી નથી. સરકારને મંદિર માટે વટહુકમ લાવવું જોઇએ. સંઘના પ્રવક્તા ઇન્દ્રેશકુમારે કહ્યું છે કે, રામ જન્મ સ્થાનને બદલી શકાય તેવી સ્થિતિ નથી.