રૂપાલની પલ્લીમાં વહી શુદ્ધ ઘીની નદીઓ, 10 લાખથી વધુ ભક્તો ઉમટ્યા, આ રીતે થાય છે માતા પર અભિષેક

રૂપાલની પલ્લીમાં લાખો કિલો ઘીનો અભિષેક કરાયો, 10 લાખથી વધુ ભક્તો ઉમટયા

 

ગાંધીનગર: ગાંધીનગર જિલ્લામાં રૂપાલ ગામે મા વરદાયિનીની ભવ્ય પલ્લી યોજાઈ હતી. ગામમાં 24 સ્થળોએ ફરી પલ્લી સવારે માતાજીના મંદિરની સામે બનાવેલા પલ્લી મંદિરમાં આવ્યા હતા. પલ્લી પર ભક્તોએ લાખો કિલો ઘીનો અભિષેક કર્યો હતો. ગત વર્ષે માતાજીની પલ્લીમાં 5 લાખ કિલો ઘીનો અભિષેક થયો હતો અને બે દિવસ દરમિયાન 12 લાખથી વધુ ભક્તોએ પલ્લી અને મંદિરમાં દર્શનનો લ્હાવો લીધો હતો. રૂપાલમાં આખી રાત ઐતિહાસિક ધર્મોત્સવનું વાતાવરણ જામ્યું હતું અને 10 લાખથી પણ વધુ ભક્તોએ માતાજીને દૈદિપ્યમાન સ્વરૂપના દર્શન કરવાનો લહાવો મેળવ્યો હતો.

રૂપાલ ગામમાં મા વરદાયિનીની પલ્લી યાત્રા નીકળે છે, બાદમાં ભક્તો માતાજીને શુદ્ધ ઘીનો અભિષેક કરે છે. તેની સાથે સાથે બાળકોને પલ્લીની જ્યોત ઉપર ફેરવવામાં આવે છે. આ વર્ષોથી ચાલી આવતી ધાર્મિક માન્યતા છે. પલ્લી પરથી નીચે પડતુ ઘી વાલ્મિકી સમાજનો લોકો એકઠું કરે છે. અને બાદમાં આ જ ધીને ફરીથી ગરમ કરીને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરે છે. સદીઓથી ચાલી આવતી રૂપાલની પલ્લીની પરંપરામાં દરવર્ષે લાખો શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે. ભક્તોની કામના પૂર્ણ થતા તે માતાજીને ઘી ચઢાવવા માટે અહિંયા આવતા હોય છે. આ જ કારણ છે કે અહિંયા મા વરદાયિનીને લાખો કિલો ઘીથી અભિષેક કરવામાં આવે છે.

– ભક્તોના ધસારાને જોતા 14 સ્થળે પાર્કિંગની વ્યવસ્થા કરાઈ હતી
– નકલી ઘીની ફરિયાદોને પગલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ચેકિંગ કરાયું
– ગત વર્ષે માતાજીની પલ્લીમાં 5 લાખ કિલો ઘીનો અભિષેક થયો હતો
– બે દિવસમાં 12 લાખથી વધુ ભક્તો દર્શનાર્થે આવ્યા હતા

ભક્તોએ ઘીના પીપડાઓ ઠલવ્યા

ગાંધીનગર પાસે આવેલા સુપ્રસિધ્ધ રૂપાલ ગામમાં માઇ ભક્તોના ટોળે ટોળા ઉમટી રહેલા જોવા મળ્યા હતાં. તેની સાથે ગામની ગલીઓમાં મુકાયેલી ટ્રેક્ટર ટ્રોલીઓ શુધ્ધ ઘીથી ભરાતી નજરે પડતી હતી. તેમજ મંદિર પરિષરમાં મુકાયેલા પીપડામાં ભક્તો દ્વારા ઘી ઠલવાઇ રહ્યું હતું. બાધા પુરી કરવા આવેલા ભક્તો દ્વારા ઘી ખરીદવા માટે મંદિર આસપાસ શરૂ થયેલી દુકાનોમાં ભીડ થવા લાગી હતી. તેની સાથે મંદિર નજીક પોલીસ કાફલો બંદોબસ્તમાં તહેનાત થઇ રહ્યો હતો.

મહાભારત કાળથી પલ્લીની પરંપરા

એક વાયકા મુજબ રૂપાલમાં મહાભારત કાળથી પલ્લી કાઢવામાં આવે છે. ગામના તમામ જ્ઞાતિ દ્વારા પલ્લી તૈયાર કરવામાં ફાળો આપવામાં આવે છે. ત્યારે રૂપાલની પલ્લીનું ઇતિહાસ છે કે સળંગ નવ દિવસે જ ગામમાં કાઢવામાં આવે છે.