the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ગીરમાં સિંહો માટે અદ્યતન હોસ્પિટલ બનાવવા તૈયારી

ગીરમાં સિંહોને લઇ સરકારની મહ્‌ત્વની જાહેરાત

ગીરમાં સિંહો માટે અદ્યતન હોસ્પિટલ બનાવવા તૈયારી

૩૨ રેપિડ રિસ્પોન્સ ટુકડી, ૧૦૮ સેવા જેવી નવી લાયન એમ્બ્યુલન્સ સેવા : કેન્દ્ર દ્વારા ૩૫૧ કરોડ સહાય મળશે

અમદાવાદ, તા.૨૦
રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં સિંહો તથા અન્ય વન્ય જીવોના સંરક્ષણ સંવર્ધન અને રોગચાળામાં સઘન સારવાર માટે ગીરમાં અદ્યતન સ્ટેટ ઓફ ધી આર્ટ હોસ્પિટલ નિર્માણ કરવાનો નિર્ણય કર્યો છે. ગીરમાં સિંહોને લઇ બહુ મહત્વની જાહેરાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,ગુજરાતની વૈશ્વિક ઓળખ એશિયાટીક લાયન માટે ગીર વિસ્તારના ૮ રેસ્કયૂ સેન્ટરને પણ અદ્યતન બનાવવામાં આવશે. આ સમગ્ર કામગીરી માટે રૂ. ૮૫ કરોડનો ખર્ચ રાજ્ય સરકાર કરશે. આ ઉપરાંત ૩૨ રેપિડ રિસ્પોન્સ ટીમ અને ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાઓ જેવી નવી લાયન એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાશે. ગીરના જંગલોમાં ડ્રોન સર્વેલન્સ તેમજ સી.સી.ટી.વી. નેટવર્ક દ્વારા સિંહ સહિતના વન્ય પશુઓની રાત્રિ મૂવમેન્ટ-ગતિવિધિઓ પર સતત નજર રાખવા માટે પણ રાજ્ય સરકારે સઘન આયોજન કર્યુ છે. સિંહોના સંવર્ધન માટે કેન્દ્રમાંથી રૂ.૩૫૧ કરોડ મળશે. આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની ૧૪મી બેઠક મળી હતી. આ બેઠકમાં વનમંત્રી ગણપત વસાવા, રાજ્યમંત્રી રમણભાઇ પાટકર તેમજ બોર્ડના સભ્ય, ધારાસભ્યો, મુખ્ય સચિવશ્રી ડો. જે. એન. સિંહ, અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા, વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તેમજ માનદ સદસ્યો જોડાયા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગીરના જંગલોમાં ડ્રોન સર્વેલન્સ તેમજ સી.સી.ટી.વી. નેટવર્ક દ્વારા સિંહ સહિતના વન્ય પશુઓની રાત્રિ મૂવમેન્ટ-ગતિવિધિઓ પર સતત નજર રાખવા માટે પણ રાજ્ય સરકારે સઘન આયોજન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે ગીરમાં પણ કોર્બેટ નેશનલ પાર્કની પેટર્ન પર ઈ-ઈઅી પ્રોજેકટ અંતર્ગત રાત્રિના સમયે પણ પ્રાણી-પશુઓની ગતિવિધિ પર નજર રાખવા માટે સેન્સિટીવ કેમેરા ગોઠવવા વન વિભાગને સૂચનાઓ આપી હતી. રૂપાણીએ સિંહોના લાંબાગાળાના સંરક્ષણ આયોજન માટે રૂ. ૩૫૧ કરોડની યોજનામાં નવીન ટેકનોલોજી સાથેના પાંજરા, ડ્રોન, સી.સી.ટી.વી સર્વેલન્સ, આરોગ્ય વિષયક આંતરમાળખાકીય સુવિધાઓ અને અન્ય સાધન-સામગ્રી વગેરે માટે તાત્કાલિક પગલાં લેવા આદેશો આપ્યા હતા. તેમણે તાજેતરમાં વન્યપ્રાણીઓમાં દેખાયેલા રોગચાળા સંદર્ભમાં તકેદારીના પગલાં અને તત્કાલ સારવાર માટે આગામી સમયમાં સમયાંતરે એનિમલ હેલ્થ સર્વેલન્સ તેમજ લાયન એમ્બ્યુલન્સ અને ૨૪ કલાક હેલ્પલાઇન માટેનું સૂચન પણ કર્યુ હતું. મુખ્યમંત્રી અને બોર્ડના સભ્યોએ સિંહોના સીડીવી મૃત્યુના તાજેતરના બનાવોમાં વન વિભાગે યુધ્ધના ધોરણે રસીકરણ સહિતના જે પગલાંઓ લીધા તેની પ્રશંસા કરી હતી.
આ સિવાય મુખ્યમંત્રીએ વન્યપ્રાણી સૃષ્ટિ સાથોસાથ દરિયાઇ જીવ મરિન સૃષ્ટિના સંવર્ધન અને રક્ષણ માટે પણ વાઇલ્ડ લાઇફ બોર્ડનો વ્યાપ વધારવા માર્ગદર્શન આપ્યું હતું. વિજય રૂપાણીએ ગુજરાતમાં ઘોરાડ અને ખડમોર સહિતની અન્ય લુપ્ત થતી જતી પ્રજાતિના પક્ષીઓ, વન્યપશુઓના સંવર્ધન માટે વિશેષ ધ્યાન આપવાની સૂચનાઓ આપી હતી. તેમણે ગીરના જંગલોમાં ગેરકાયદે લાયન શોના દૂષણને કડક હાથે ડામી દેવા વન વિભાગ અને જિલ્લા પોલીસને સંયુકતપણે સર્તક રહેવા તથા આવું કૃત્ય કરનારાઓ સામે પાસા સુધીના કડક પગલાં લેવા માટે પણ તાકીદ કરી હતી. મુખ્યમંત્રીએ વન્યપ્રાણી-પશુઓની સારવાર-સુશ્રૂષા માટે વેટરનરી કેડર વધુ સક્ષમતાથી સજ્જ કરવા મેન પાવર ઉપલબ્ધ બનાવવાની અને સિંહની મૂવમેન્ટથી જાણકાર સ્થાનિક યુવા ટ્રેકર અને વન્યપ્રાણી મિત્રોના મહેનતાણામાં વધારો કરવા માટે યોગ્ય આયોજનનું પણ સૂચન કર્યુ હતું. આ બેઠકમાં અભ્યારણ્ય અને રાષ્ટ્રીય ઊદ્યાન વિસ્તારની જમીનના બિનજંગલ ઉપયોગ માટે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ મંજૂરી મેળવવાની ૨૯ દરખાસ્તોમાં હયાત માર્ગ વિસ્તરણ અને મજબૂતીકરણ, ઇલેકટ્રીક લાઇન નાખવાની, ઓપ્ટીકલ ફાઇબર કેબલ નાખવા સહિતની બાબતો પણ ચર્ચા-વિચારણા માટે રજૂ કરવામાં આવી હતી. જીવદયા માટેના ગુજરાતના અભિનવ પ્રયોગ કરૂણા અભિયાન તેમજ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સની સફળતા અને તેની અન્ય રાજ્યો માટેની મોડેલ રૂપ કામગીરી અંગે બેઠકમાં વિચાર વિમર્શ હાથ ધરાયા હતા.