the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

બેંક ઓફ બરોડામાં દેના બેંક અને વિજ્યા બેંક આખરે મર્જ

રેકોર્ડ ટાઇમમાં તમામ પ્રક્રિયા પૂર્ણ
બેંક ઓફ બરોડામાં દેના બેંક અને વિજ્યા બેંક આખરે મર્જ
ત્રણે બેંકોના ગ્રાહકો કે ખાતેદારો-થાપણદારોના એકાઉન્ટ, પાસબુક, ચેકબુક, એટીએમ, ક્રેડિટકાર્ડ એમનું એમ રહેશે

અમદાવાદ,તા. ૧
આજે તા.૧ એપ્રિલથી કેન્દ્ર સરકારના જાહેરનામા મુજબ, બેંક ઓફ બરોડા, વિજયા બેંક અને દેના બેંકનું વિલિનીકરણ અમલમાં આવતાં જ જેનાં પરિણામે સંયુક્ત બેંક ભારતની બીજી સૌથી મોટી સરકારી બેંક બની ગઇ છે. સપ્ટેમ્બર, ૨૦૧૮નાં અંતે ત્રણેય બેંકોનાં બોર્ડે મંજૂરી સૈદ્ધાંતિક મંજૂરી આપ્યાં પછી અત્યાર સુધી રેકોર્ડ ટાઇમમાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ સાથે જ આજથી બેંક ઓફ બરોડા હવે પાવર ઓફ થ્રીની ક્ષમતા સાથે દેશની સૌથી બીજી મોટી સરકારી બેંક બની ગઇ છે. આ ઐતિહાસિક વિલીનીકરણ બાદ સંયુક્તપણે બેંક રૂ. ૧૫ લાખ કરોડથી વધારે બિઝનેસ સાથે ૯,૫૦૦થી વધારે શાખાઓ, ૧૩,૪૦૦થી વધારે એટીએમ, ૮૫,૦૦૦થી વધારે કર્મચારીઓ સાથે ૧૨૦ મિલિયનથી વધારે ગ્રાહકોને સેવા આપશે જે એક સિધ્ધિ હશે. ત્રણેય બેંકોના ગ્રાહકો કે ખાતેદારો-થાપણદારોના એકાઉન્ટ, પાસબુક, ચેકબુક, એટીએમ, ક્રેડિટકાર્ડ, મોબાઇલ બેન્કીંગ બધુ એમનું એમ જ રહેશે, જેથી ગ્રાહકોએ કોઇ ચિંતા કરવાની જરૂર નથી એમ અત્રે બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર કે.વી.તુલસીબાગવાલે, ડેપ્યુટી જનરલ મેનેજર આનંદ શંકર અને ડેપ્યુટી જનરલ મેનેજર ઇન્દરમોહન સિંઘે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં સૌપ્રથમવાર આ પ્રકારની ત્રણ બેંકોનું કોન્સોલિડેશન થયું છે. રિઝર્વ ઓફ ઇન્ડિયાનાં તા.૩૦ માર્ચ, ૨૦૧૯નાં રોજ નોટિફિકેશન મુજબ, વિજયા બેંક અને દેના બેંકની તમામ શાખાઓ આજથી તા.૧ એપ્રિલ, ૨૦૧૯થી બેંક ઓફ બરોડાની શાખાઓ તરીકે કામ કરશે. વિજયા બેંક અને દેના બેંકનાં ડિપોઝિટર્સ સહિત ગ્રાહકો કથિત તારીખથી બેક ઓફ બરોડાનાં ગ્રાહકો ગણાશે. હવે આ બેંક રૂ. ૮.૭૫ લાખ કરોડથી વધારે ડિપોઝિટ અને રૂ. ૬.૨૫ લાખ કરોડથી વધારે એડવાન્સ સાથ
રૂ. ૧૫ લાખ કરોડથી વધારેનો વ્યવસાય ધરાવશે. બેંક ગુજરાતમાં ૨૨ ટકા બજારહિસ્સો તથા મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશનાં મુખ્ય રાજ્યોમાં ૮થી ૧૦ ટકા બજાર હિસ્સો ધરાવશે.
આ ત્રણેય બેંકોનાં ગ્રાહકોને પ્રક્રિયામાં લાભ થશે. બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર કે.વી.તુલસીબાગવાલે, ડેપ્યુટી જનરલ મેનેજર આનંદ શંકર અને ડેપ્યુટી જનરલ મેનેજર ઇન્દરમોહન સિંઘે વધુમાં ઉમેર્યું કે, હવે ઐતિહાસિક વિલીનીકરણ બાદ ૧૨૦ મિલિયનથી વધારે ગ્રાહકો શ્રેષ્ઠ બેંકિંગ સેવાઓ મેળવશે તેમજ કેશ મેનેજમેન્ટ સોલ્યુશન, સપ્લાય ચેઇન ફાઇનાન્સિંગ, ફાઇનાન્સિયલ પ્લાનિંગ, વેલ્થ મેનેજમેન્ટ સર્વિસ વગેરે સહિત વિસ્તૃત પ્રોડક્ટનો લાભ તેઓને અપાશે. આ ફાયદા વિવિધ સંવર્ધિત ભૌગોલિક વિસ્તારોમાં ૨૨,૦૦૦થી વધારે ટચ પોઇન્ટ દ્વારા પૂરક બનશે. ત્રણેય બેંકનાં બિનનિવાસી ભારતીય (એનઆરઆઈ) ગ્રાહકો માટે ભારતમાં હવે વિસ્તૃત નેટવર્ક સુલભ બનશે. દેના બેંકનાં ગ્રાહકોને તાત્કાલિક ધિરાણ સુવિધાની રિન્યૂ સુલભતા મળશે. હવે વિજયા બેંક અને દેના બેંકનાં ગ્રાહકોને વિદેશી ચલણમાં ફંડિંગ ઉપલબ્ધ થશે, કારણ કે, તેઓ ૧૦૧ ઓફિસમાં બેંક ઓફ બરોડાની આંતરરાષ્ટ્રીય કામગીરીનો લાભ મેળવશે. એસઆરટીઓ ફંડિંગ, પ્લાન્ટેશન ફાઇનાન્સિંગ જેવા વિજયા બેંકનાં વિશિષ્ટ પ્રોગ્રામો અન્ય બે બેંકોનાં ગ્રાહકોને ઉપલબ્ધ થશે.જ્યારે ત્રણેય બેંકોનું આઇટી સંકલન ૧૨થી ૧૮ મહિનાનાં ગાળામાં પૂર્ણ થશે એવી અપેક્ષા છે, ત્યારે ગ્રાહકોનાં ખાતાઓ સિંગલ કોર બેંકિંગ સિસ્ટમમાં માઇગ્રેટ કરવામાં આવશે.