the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

અંતિમ તબક્કામાં બિહારમાં મોદી સરકારના 4 મંત્રીઓની કિસ્મત દાવ પર

નવી દિલ્હી, તા. મંગળવાર: છ તબક્કાના મતદાન બાદ દેશની નજરો હવે 19મેના દિવસે યોજાનારા અંતિમ તબક્કાના મતદાન પર છે. સાતમા તબક્કા દરમિયાન બિહારમાં 8 બેઠકો પર મતદાન યોજાવાનું છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં આમાંની 7 બેઠકો એનડીએના ખાતામાં ગઇ હતી જ્યારે 1 બેઠક જેડીયૂના ખાતામાં ગઇ હતી.

જોકે 2019માં રાજકીય સમીકરણો બદલાઇ ચૂક્યાં છે. ગત લોકસભાની ચૂંટણીમાં 2 બેઠકો જીતનારી રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી હવે ભાજપવિરોધી મહાગઠબંધનનો ભાગ છે જ્યારે જેડીયૂ એનડીએમાં છે.

બિહારમાં અંતિમ તબક્કાનું આ મતદાન બંને મોરચાનું ભાવિ જ નહીં, પરંતુ મોદી સરકારના ચાર મંત્રીઓનું ભાવિ પણ નક્કી કરશે. પટનાસાહિબમાંથી કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ, આરામાંથી આર.કે. સિંહ, બક્સરમાંથી અશ્વિની ચૌબે અને પાટલિપુત્રમાંથી રામકૃપાલ યાદવ પોતાની કિસ્મત અજમાવી રહ્યાં છે. જોકે આ તમામ ઉમેદવારોને મહાગઠબંધનના ઉમેદવારો દ્વારા જોરદાર ટક્કર મળી રહી છે. આ આઠ બેઠકો માટે કુલ 159 ઉમેદવારો મેદાનમાં છે.

એમાંયે બિહારની પટનાસાહિબ બેઠક આ વખતે હાઇ પ્રોફાઇલ બની ચૂકી છે. આ બેઠક પર 2014માં ભાજપના શત્રુઘ્ન સિંહા જીત્યાં હતાં પરંતુ આ વખતે તેઓ કોંગ્રેસમાં સામેલ થઇ ચૂક્યાં છે. તેમની વિરુદ્ધ ભાજપે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને ઉતાર્યાં છે.